જળવાયુ પરિવર્તનઃ આઈસલેન્ડમાં યોજાઈ વિશ્વમાં સૌ પ્રથમ ગ્લેશિયરના 'મૃત્યુ'ની પ્રતિકાત્મક 'અંતિમવિધિ'
વિશ્વમાં વધતા જતા જળવાયુ પરિવર્તનનું પરિણામ હવે દેખાવા લાગ્યું છે. આઈસલેન્ડમાં એક સમયનો વિશાળ ગ્લેશિયર 'ઓજોકુલ'નું હવે આ ધરતી પર નામનિશાન રહ્યું નથી, તે ઓગળીને સંપૂર્ણપણે નાશ પામ્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આઈસલેન્ડ પર આવેલા આવા બીજા હજારો ગ્લેશિયર પર પણ વિનાશનો ખતરો તોળાઈ રહ્યો છે.
ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ આ વર્ષનો જુલાઈ મહિનો સમગ્ર અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. વિશ્વમાં વધતા જઈ રહેલા જળવાયુ પરિવર્તનના કારણે આઈસલેન્ડ પર પ્રતિવર્ષ 11 બિલિયન ટન બરફ ઓગળી રહ્યો છે. વૈજ્ઞાનિકોને એ ચિંતા સતાવી રહી છે કે વર્ષ 2200 સુધીમાં આઈસલેન્ડ પર રહેલા 400થી વધુ ગ્લેશિયર ઓગળી જશે. આઈસલેન્ડની ધરતીના 11 ટકા હિસ્સો ગ્લેશિયરો ધરાવે છે.
ઓજોકુલ ગ્લેશિયરની 1986 અને 2019ની તસવીર
જળવાયુ પરિવર્તનના કારણે આઈસલેન્ડ પર પ્રથમ વખત એક ગ્લેશિયર સંપૂર્ણપણે ગાયબ થઈ ગોય છે. યુનિવર્સિટી ઓફ આઈસલેન્ડે 2017માં જણાવ્યું હતું કે, જે ઓજોકૂલ ગ્લેશિયરનું મૃત્યુ થયું છે તે 1890માં 16 ચોરસ કિમી (6.2 ચોરસ માઈલ)ના વિસ્તારમાં ફેલાયેલો હતો, પરંતુ છેલ્લે 2012માં જ્યારે માપવામાં આવ્યું ત્યારે તેનો વિસ્તાર માટે 0.7 ચોરસ કિમીનો રહ્યો હતો. હવે 2019માં તે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે.
આઈસલેન્ડના લોકોએ યોજી અંતિમવિધિ
આઈસલેન્ડના લગભગ 100 જેટલા રહેવાસીઓ આ પર્વત પર આવ્યા હતા અને 'ઓજોકુલ ગ્લેશિયર'ની પ્રતિકાત્મક અંતિમવિધિ યોજી હતી. આ કાર્યક્રમમાં આઈસલેન્ડના વડાપ્રધાન કેટરીન જકોબસ્ડોટિર, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારના કમિશનર મેરિ રોબિનસન, સંશોધકો, વિદ્યાર્થીઓ અને દેશના નાગરિકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન કેટરીને જણાવ્યું કે, "તેમને આશા છે કે, આ અંતિમવિધિ માત્ર આઈસલેન્ડના લોકો જ નહીં, પરંતુ સમગ્ર દુનિયા માટે પ્રેરક હશે, કેમ કે આપણે અહીં જે જોઈ રહ્યા છીએ તે જળવાયુ પરિવર્તનનો માત્ર એક ચહેરો છે."
આઈસલેન્ડવાસીઓએ પથ્થર પર લગાવી તક્તી
ઓજોકુલ ગ્લેશિયરની આ અંતિમવિધિમાં સામેલ થયેલા લોકોએ એક પથ્થર ઉપર તક્તી પણ લગાવી હતી અને લોકોને જળવાયુ પરિવર્તન પ્રત્યે જાગૃત થવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં નાના બાળકોથી માંડીને વયસ્ક લોકો પણ સામેલ થયા હતા અને દરેકના ચહેરા પર દુઃખ સ્પષ્ટ રીતે દેખાતું હતું.
તક્તી પર લખ્યું છે "ભવિષ્યને એક પત્ર"
ઓજોકુલ ગ્લેશિયરના ગાયબ થઈ જવાની યાદમાં એક પથ્થર પર જે તક્તી લગાવી હતી તેના પર લખ્યું હતું "ભવિષ્યને પત્ર- A letter to the Future". તક્તી પર વધુમાં લખ્યું છે કે, "આગામી 200 વર્ષમાં અમારા તમામ ગ્લેશિયર ઓજોકુલના માર્ગે જ જવાના છે. આ તક્તી સાથે અમે સ્વીકારીએ છીએ કે શું થઈ રહ્યું છે અને હવે અમારે શું કરવાની જરૂર છે." આ સાથે જ તેના ઉપર “415 ppm CO2” પણ લખવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે, છેલ્લા મે મહિનામાં પૃથ્વીના વાતાવરણમાં માપવામાં આવેલું કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ.
વિશ્વનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે યોજાઈ અંતિમવિધિ
જળવાયુ પરિવર્તન તરફ લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે પૃથ્વી પરથી ઓજોકુલ ગ્લેશિયરના ગાયબ થવાની અંતિમવિધિ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનારા યુનિવર્સિટી ઓફ બર્લિનના પ્રોફેસર જુલિયન વાઈજઝે જણાવ્યું કે, તેઓ તેમની પત્ની અને 7 વર્ષના બાળકને પણ અહીં લઈને આવ્યા છે. તેમનું બાળક એ સમજી શકે કે પૃથ્વી પર કેવી રીતે વિનાશ સર્જાઈ રહ્યો છે.
લોકો બેનર લઈને આવ્યા
ઓજોકુલ ગ્લેશિયરની અંતિમવિધિના આ કાર્યક્રમમાં કેટલાક લોકો બેનર પણ લઈને આવ્યા હતા. એક 10-12 વર્ષના બાળકે હાથમાં પકડેલા બેનર પર લખ્યું હતું કે, "હવે ઈમરજન્સી બ્રેક ખેંચવાનો સમય આવી ગયો છે". બીજા એક વ્યક્તિએ પકડેલા બેનર પર લખ્યું હતું, "હવે ઈમરજન્સી જાહેર કરો".
700 વર્ષ જૂનો હતો ઓજોકુલ ગ્લેશિયર
ટેક્સાસની રાઈસ યુનિવર્સિટીના એન્થ્રોપોલોજીના પ્રોફેસર સાયમન હોવેએ જણાવ્યું કે, "જળવાયુ પરિવર્તનના કારણે સમગ્ર દુનિયામાંથી ગાયબ થયેલા ગ્લેશિયરનું આ સૌ પ્રથમ સ્મારક છે. આ સ્મારક દ્વારા અમે દુનિયાને ચેતવણી આપવા માગીએ છીએ કે હવે પૃથ્વ વિનાશ તરફ આગળ વધી રહી છે." અહીં આવેલા આયર્લેન્ડના પૂર્વ વડાપ્રધાન મેરી રોબિનસને જણાવ્યું કે, "ગ્લેશિયરનું ગાયબ થવું આપણા માટે બહુ મોટી ચેતવણી છે. આપણે તાત્કાલિક ધોરણે નક્કર કાર્યવાહી કરવાની જરૂર છે."
Trending Photos