માલધારી સમાજમાં વાળીનાથ ધામનું આટલું મહત્વ કેમ છે, બીમાર પશુઓને ટોકરી મંતરાવવાનો શું છે ભેદ, જાણો ઈતિહાસ
Mehsana Valinath Mahadev Pran Pratishtha Mohotsav : મહેસાણાના વાળીનાથ ધામમાં PMના આગમનની તડામાર તૈયારીઓ... હેલિકોપ્ટર ઉતરી શકે તે માટે તૈયાર કરાયા 4 હેલિપેડ.... પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ વાળીનાથ મહાદેવ મંદિરનું કરશે લોકાર્પણ..
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણાના તરભ ખાતે આવેલ શિવધામ તીર્થધામ અખાડામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને ગુજરાતના બીજા ક્રમના આશરે 500 કિલોગ્રામથી પણ વધારે વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે આ શિવધામ તીર્થભૂમિનો શું છે ઈતિહાસ જાણીએ.
મહેસાણાના વિસનગર તાલુકાના ગામ તરભમાં લોકોના આસ્થાનું પ્રતીક સમા શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. આજથી લગભગ 900 વર્ષ પહેલાં હાલની જગ્યા ઉપર વિરમગીરીજી બાપુનું આગમન થયેલું. પૂજ્ય શ્રી વિરમગીરીજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા. તેઓ ઉત્તર ગુજરાતમાં લોકોમાં પરસ્પર પ્રેમ ભક્તિ અને ધાર્મિક શ્રધ્ધા જાગૃત કરી રહ્યા હતા. જેમના નામ ઉપરથી ગામનું નામ તરભ પડ્યું. ભક્તરાજ તરભોવન રબારીના આગ્રહને વશ થઈને વિરમગીરિજી બાપુ હાલના વાળીનાથ ધામ ખાતે પધાર્યા હતા. વિરામગીરીજી બાપુને સ્વપ્નમાં જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથની મૂર્તિ અને ધૂણીના દર્શન થયા હતા. બાપુએ જમીનમાં દટાયેલી મૂર્તિ બહાર કાઢી ધામધૂમથી તેની પ્રતિષ્ઠા કરી. તેમજ ત્યાં આવેલા રાયણના વૃક્ષ નીચે ચીપિયાથી ધરતી ખોદીને અખંડ ધુણી પ્રગટાવી હતી. ત્યારથી આજ સુધી અહી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડે છે.
જાણકારો આ મૂર્તિ મૈત્રક યુગની હોવાનું કહે છે. તેમજ વાળીનાથ ભગવાનની મૂર્તિ સ્વરૂપે શિવ બિરાજમાન છે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ ભગવાન શિવ મૂર્તિ સ્વરૂપે છે. વર્ષો પહેલા ગણપતિ અને ચામુંડા માતાની મૂર્તિ પણ મળી હતી.
શું છે વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં
- 1100 કુંડી હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ સાત દિવસ ચાલશે
- ભારતવર્ષના શંકરાચાર્યો,સંતો - મહંતો,મોટીવેશનલ સ્પીકર ઉપસ્થિત રહેશે
- સામાજીક - રાજકીય ધર્મપ્રેમીઓ તથા ભારતભરમાંથી અખિલ ભારતીય રબારી સમાજ દર્શનાર્થે પધારશે
- 250 એકરમાં સમગ્ર આયોજન તથા ત્રીસ હજાર થી વધુ સ્વયં સેવકો ખડેપગે સેવા આપશે
- ભારતભરની પવિત્ર નદીઓ, સરોવર તથા સમુદ્રના જળથી વાળીનાથ મહાદેવ શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવશે
અહી દરેક સમાજના લોકો આસ્થાથી આવે છે. પરંતુ મોટી સંખ્યામાં માલધારી સમાજ અહી દર્શન માટે આવે છે. માલધારી સમાજ તેમની ગુરૂગાદી માને છે. મંદિરનું નિર્માણ થયું ત્યારથી માલધારી સમાજના લોકો સેવક તરીકે અહીં સેવા આપી રહ્યાં છે. તેમજ પૂજ્ય વીરમગીરીજી માલધારી સમાજના આગ્રહથી પધરામણી કરી હોવાથી માલધારી સમાજ વિશેષ આસ્થા ધરાવે છે. આ ઉપરાંત માલધારી સમાજ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી તેમના પાળેલા ગાયો અને ભેંસોમાં કોઈ બીમારી આવે તો તેઓ વાળીનાથ અખાડામાં આવેલ સિધ્ધ ધૂણીમાં ટોકરી મંતરાવીને લઈ જતા. જેથી તેમના પ્રાણીઓનો રોગ મટી જતો હોવાનું ભક્તો જણાવે છે. તેથી પણ તેઓ ખૂબ આસ્થા ધરાવે છે. કેટલાય ભક્તો ટોકરી મંતરાવવા આવતા હોય છે.
બળદેવ ગીરીજી બાપુએ સેવેલ સ્વપ્ન અનુસાર પુરાણા વાળીનાથ મહાદેવના મંદિરમાંથી સમગ્ર ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ બાદ બીજા ક્રમે આ શિવમંદિર બની રહ્યું છે. સોમનાથ મહાદેવની આમન્યા જાળવી તેના શિખરથી નીચેના શિખરનું ભવ્ય શિવમંદિર આશરે 40 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચામાં બનીને તૈયાર કરાયું છે. જેની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી યોજાવાની છે અને લાખો લોકો તેમાં પધારવાના છે.
નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તેમાં સ્થાપિત થનારા આશરે 500 કિલોગ્રામથી વધારે વજનના શિવલિંગની શિવાયાત્રા ચાલી રહી છે. તેમાં મંદિરના 14 માં મહંત શ્રી જયરામગિરી બાપુ શિવલિંગ સાથે 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા કરી રહ્યા છે. જે હાલમાં ગુજરાતમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો યાત્રામાં સ્વયંભૂ ઉમટી પડે છે. છેલ્લા એક મહિનાથી શિવયાત્રા શરૂ થઈ હતી અને યાત્રા ગુજરાતભરમાં ફરી ભક્તોને પ્રતિષ્ઠામાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું.
વાળીનાથ ભગવાનના નવા મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વાળીનાથ ધામમાં અત્યારે હજારો લોકો દર્શનાર્થે પધારે છે. જેમના માટે અત્યારથી જ જમવા રોકાવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજુબાજુના ગામના યુવાનો દિવસ નક્કી કરી સ્વયંભૂ સેવા આપવા આવી રહ્યા છે. જેમાં સેવકો રસોડા સહિત અન્ય જગ્યાએ આસ્થાથી સેવા કરી રહ્યાં છે.
વાળીનાથ ધામમાં આવેલ પૌરાણિક મંદિર અને આશ્રમ 900 વર્ષથી અડીખમ ઊભેલી રાયણ અને તેની નીચે આવેલ અખંડ ધૂણીનો આગવો મહિમા રહેલો છે અને લોકો તેનામાં ખાસ આસ્થા ધરાવે છે. આશરે 250 થી 300 એકરમાં ફેલાયેલા વાળીનાથ ધામમાં ભવ્ય ગૌશાળા અને અશ્વ શાળા આવેલી છે. જેના ઇતિહાસમાં ગૌશાળા લાડકી વાછરડીના વંશજ અને અશ્વશાલા રેમી ઘોડીના વંશજ છે, જે વાળીનાથ ધામમાં ખૂબ પૂજનીય છે.
વાળીનાથ નામ કેવી રીતે પડયું
દંતકથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચતા ત્યારે ભગવાન શિવ ગોપીના સ્વરૂપમાં રાસલીલામાં ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને તેમના નાક કે કાનમાં પહેરેલ વાળીના લીધે તેમના સ્વરૂપને ઓળખી લીધા હતા. ત્યારે ભગવાન શિવનું નામ વાળીનાથ તરીકે ઓળખાયું.
માલધારી સમાજની વિશેષ આસ્થા વાળીનાથ ધામમાં કેમ ??
વાળીનાથ ધામની સ્થાપના બાદ મોટી સંખ્યામાં માલધારીઓ ગુરુની સેવા પૂજન કરી વિશેષ આસ્થા ધરાવે છે. વર્ષો પહેલા માલધારી સમાજમાં જ્યારે શિક્ષણનું પ્રમાણ નહિવત હતું ત્યારે શ્રી બળદેવગિરીજી દ્વારા પુસ્તક પરબ શરૂ કરાવી હતી. રબારી સમાજના યુવાનોને શિક્ષિત કરવાનું કાર્ય કર્યું અને કન્યા અને કુમાર છાત્રાલય શરૂ કર્યા હતા.
ગુજરાતમાં અતિ ભવ્ય બીજા ક્રમમાં જેની ગણના થઈ રહી છે તેવા વાળીનાથ મહાદેવ મંદિર ની 16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જેમાં આશરે 30 લાખ જેટલા લોકો ભગવાનના ધામમાં દર્શનાર્થે આવશે તેવું અનુમાન છે. જેમની સેવા માટે 30 હજાર કરતાં વધારે સ્વયં સેવકો ખડેપગે રહેશે.લોકોમાં એક અતૂટ આસ્થા વાળીનાથ ધામ પ્રત્યે રહેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે