DCvsSRH: દિલ્હીએ રચ્યો ઈતિહાસ, પ્રથમવાર આઈપીએલ ફાઇનલમાં પહોંચી કેપિટલ્સ
આઈપીએલની ક્વોલિફાયર-2 મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને પરાજય આપી પ્રથમવાર ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી છે.
Trending Photos
અબુધાબીઃ દિલ્હી કેપિટલ્સ (DC)એ શાનદાર પ્રદર્શન કરી ક્વોલિફાયર-2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 17 રને પરાજય આપીને આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી છે. દિલ્હીની ટીમ અત્યાર સુધી એકમાત્ર એવી ટીમ હતી જે આ પહેલા ક્યારેય ફાઇનલમાં પહોંચી નથી. હવે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 10 નવેમ્બરે આઈપીએલ ફાઇનલ રમાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવી શકી હતી.
દિલ્હી કેપિટલ્સ પ્રથમવાર ફાઇનલમાં
દિલ્હી કેપિટલ્સની ટીમે ઈતિહાસ રચી દીધો છે. તે પ્રથમ વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા 12 વર્ષના ઈતિહાસમાં પહેલા દિલ્હી ડેયરડેવિલ્સ અને પછી દિલ્હી કેપિટલ્સની ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમે આ સફળતા મેળવી છે.
મોટા લક્ષ્ય સામે હૈદરાબાદની ખરાબ શરૂઆત
દિલ્હી કેપિટલ્સે આપેલા 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ઈનિંગની બીજી ઓવરમાં રબાડાએ મોટો ઝટકો આપ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નર માત્ર બે રન બનાવી રબાડાની ઓવરમાં બોલ્ડ થયો હતો. આમ ટીમને માત્ર 12 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરમાં ફેંકવા આવેલા માર્કસ સ્ટોયનિસે પ્રિયમ ગર્ગ (17) અને મનીષ પાંડે (21)ને બે બોલમાં આઉટ કરીને હૈદરાબાદને બેકફૂટ પર ધકેલી દીધું હતું. હૈદરાબાદે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા હતા.
વિલિયમસનની અડધી સદી
હૈદરાબાદે 44 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ક્રિઝ પર કેન વિલિયમસન અને જેસન હોલ્ડર હતા. આ બંન્નેએ પાછલી મેચમાં ટીમને જીત અપાવી હતી. પરંતુ ટીમનો સ્કોર 90 રન પર પહોંચ્યો ત્યારે જેસન હોલ્ડર (11)ને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. ત્યારબાદ કેન વિલિયમસને સતત બીજી અડધી સદી ફટકારી હતી. કેને 35 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. વિલિયમસન 45 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 67 રન બનાવી માર્કસ સ્ટોયનિસનો શિકાર બન્યો હતો.
અબ્દુલ સમદે શાનદાર બેટિંગ કરતા 16 બોલમાં બે ચોગ્ગા અને બે ચોગ્ગાની સાથે 33 રન બનાવ્યા હતા. રાશિદ ખાન 7 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. આ બંન્ને સફળતા રબાડાને મળી હતી. શ્રીવસ્ત ગોસ્વામી શૂન્ય રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો.
રબાડાની ચાર વિકેટ
દિલ્હી કેપિટલ્સ તરફથી 19મી ઓવર ફેંકવા આવેલા કગિસો રબાડાએ એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પહેલા અબ્દુલ સમદ, રાશિદ ખાન અને શ્રીવત્સ ગોસ્વામીને આઉટ કર્યા હતા. મેચમાં રબાડાએ 4 ઓવરમાં 29 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે ટૂર્નામેન્ટમાં તેના નામે 29 વિકેટ થઈ ગઈ છે. પર્પલ કેપ તેની પાસે આવી ગઈ છે. આ સિવાય સ્ટોયનિસે 3 ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
દિલ્હીની દમદાર શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીએ આજે નવી ઓપનિંગ જોડી સાથે શરૂઆત કરી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી માર્કસ સ્ટોયનિસ અને શિખર ધવને ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ શરૂઆતથી હૈદરાબાદના બોલરો પર પ્રહાર કરતા પાવરપ્લેમાં 65 રન જોડી દીધા હતા. દિલ્હીને 86 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. માર્કસ સ્ટોયનિસ (38)ને રાશિદ ખાને આઉટ કર્યો હતો. સ્ટોયનિસે 27 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
શિખર ધવનના સીઝનમાં 600 રન પૂરા
શિખર ધવને ફરી એકવાર દમદાર બેટિંગ કરી હતી. તેણે પ્રથમ વિકેટ માટે સ્ટોયનિસ સાથે 86 અને બીજી વિકેટ માટે અય્યર સાથે 40 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ હેટમાયર સાથે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવને 50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 78 રન બનાવ્યા હતા. આ સાથે ધવન આ સીઝનમાં કેએલ રાહુલ બાદ 600 રન પૂરા કરનાર બીજો ખેલાડી બની ગયો છે. 78 રનની ઈનિંગની સાથે ધવનના સીઝનમાં 603 રન થઈ ગયા છે.
અંતમાં હેટમાયરની આક્રમક બેટિંગ
કેપ્ટન શ્રેય્યસ અય્યર (21)ને હોલ્ડરે આઉટ કર્યો હતો. શિમરોન હેટમાયરે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરતા 22 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 42 રન બનાવ્યા હતા. રિષભ પંત 2 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને રાશિદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે