IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, હાર્દિક પંડ્યાને બનાવ્યો ટીમનો કેપ્ટન

ઈન્ડિયન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. 
 

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, હાર્દિક પંડ્યાને બનાવ્યો ટીમનો કેપ્ટન

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સે સૌથી મોટી જાહેરાત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. હાર્દિકને રોહિત શર્માના સ્થાને ટીમની કમાન સોંપવામાં આવી છે. નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સથી ટ્રેડ કરી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 

મુંબઈ ઈન્ડિયન્સની મોટી જાહેરાત
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024 પહેલા જ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી દીધી છે. એટલે કે રોહિત શર્માને ટીમે કેપ્ટન પદેથી હટાવી દીધો છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. મહત્વનું છે કે રોહિત શર્મા 36 વર્ષનો છે. તેવામાં ફ્રેન્ચાઇઝીએ ભવિષ્યને જોતા હાર્દિક પંડ્યાને કમાન સોંપવાનો નિર્ણય કર્યો હોઈ શકે છે. આ સીઝનમાં હવે રોહિત શર્મા હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રમશે. 

ગુજરાતમાંથી હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં પહોંચ્યો
હાર્દિક પંડ્યા આઈપીએલમાં બે વર્ષ ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી ચુક્યો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે 2022માં ટ્રોફી જીતી હતી. જ્યારે 2023માં ટીમ રનર્સઅપ રહી હતી. આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેશ ડીલમાં ટ્રેડ કરી હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં  સામેલ કર્યો હતો. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત વર્ષ 2014માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે કરી હતી. 

11 સીઝનમાં 5 વખત ચેમ્પિયન
રોહિત શર્માને 2013ની સીઝનના મધ્યમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી અને રોહિતે ખિતાબ જીતી લીધો હતો. ત્યારબાદ 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ ઈન્ડિયન્સ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી. તેણે 11 સીઝન સુધી ટીમનું નેતૃત્વ કર્યું અને 5 વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી. મહેન્દ્ર સિંહ ધોની પછી રોહિત શર્મા IPLનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે 158 મેચોમાં મુંબઈની કેપ્ટનશિપ કરી અને 87 મેચ જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news