વિરાટ કોહલી vs સચિન તેંડુલકરઃ 13 વર્ષ પૂરા થવા પર વનડેમાં કોણ છે આગળ, જાણો

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજથી 13 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. વિરાટે શ્રીલંકા સામે વનડે મેચ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હવે 13 વર્ષ બાદ સચિન અને વિરાટના પ્રદર્શનની સરખામણી કરવામાં આવી છે. જુઓ કોણ છે આગળ...

વિરાટ કોહલી vs સચિન તેંડુલકરઃ 13 વર્ષ પૂરા થવા પર વનડેમાં કોણ છે આગળ, જાણો

નવી દિલ્હીઃ 18 ઓગસ્ટનો દિવસ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ખુબ ખાસ છે, કારણ કે 13 વર્ષ પહેલા આજના દિવસે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. 18 ઓગસ્ટ 2008ના વિરાટ કોહલીએ 19 વર્ષની ઉંમરમાં શ્રીલંકા વિરુદ્ધ દામ્બુલામાં પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કરતા પહેલા વિરાટે પોતાની આગેવાનીમાં ટીમને અન્ડર-19નું ટાઇટલ અપાવ્યું હતું. વિરાટે પર્દાપણ કર્યા બાદ પોતાના પ્રદર્શનથી થોડા વર્ષોમાં ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી. ત્યારબાદ તેની દમદાર બેટિંગને કારણે વિરાટની તુલના સચિન તેંડુલકર સાથે થવા લાગી. આજે પણ સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવેલી 100 સદીના રેકોર્ડ તોડવાની વાત આવે છે તો સૌથી પ્રથમ નામ વિરાટનું આવે છે. તો આવો જાણીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 વર્ષ પૂરા થયા બાદ વનડેમાં બંને ખેલાડીઓમાંથી કોના આંકડા સારા છે. 

13 વર્ષ પૂરા કર્યા બાદ સચિને કુલ 291 મેચ રમી હતી, જેમાં 44.22ની શાનદાર એવરેજ અને 86.55ની સ્ટ્રાઇક રેટથી 11544 રન બનાવ્યા હતા. જેમાં 33 સદી અને 56 અડધી સદી સામેલ હતી. આ દરમિયાન સચિનનો બેસ્ટ સ્કોર અણનમ 186 રન હતો. તો વિરાટના આંકડા પર નજર કરીએ તો તેણે આ સમયગાળા દરમિયાન 245 મેચ રમી છે, જેમાં 59.07ની દમદાર એવરેજ અને 93.17ની સ્ટ્રાઇક રેટથી 12169 રન બનાવ્યા છે. તેમાં 43 સદી અને 62 અડધી સદી સામેલ છે. વિરાટે આ દરમિયાન એક ઈનિંગમાં સૌથી વધુ 183 રન બનાવ્યા છે. 

વાત કરીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી મોટા રેકોર્ડ એટલે કે 100 સદીની તો સચિન આ મામલામાં વિરાટથી ખુબ આગળ છે. વિરાટે 13 વર્ષોમાં 70 સદી ફટકારી છે અને તેને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવા માટે 31 સદીની જરૂર છે. વિરાટ અત્યારે લગભગ 33 વર્ષનો છે અને માનવામાં આવે કે વિરાટ 40 વર્ષ સુધી રમશે તો તેણે સચિનનો રેકોર્ડ તોડવા માટે દર વર્ષે 5 સદી ફટકારવી પડશે. આ સંભવ છે કારણ કે વિરાટ કોહલીની ફિટનેસ ખુબ સારી છે. તેની સાથે સમસ્યા તે છે કે વિરાટ કોહલી આશરે છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકપણ સદી ફટકારી શક્યો નથી. તેણે છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તા ટેસ્ટમાં સદી ફટકારી હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news