LSG vs RR: રાજસ્થાન રોયલ્સની જીત સાથે શરૂઆત, લખનૌને 20 રને હરાવ્યું

IPL 2024: સંજૂ સેમસનની શાનદાર બેટિંગ બાદ ટ્રેન્ટ બોલ્ટની પાવરપ્લેમાં ઘાતક બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2024ની ચોથી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવી શાનદાર શરૂઆત કરી છે. 
 

LSG vs RR: રાજસ્થાન રોયલ્સની જીત સાથે શરૂઆત, લખનૌને 20 રને હરાવ્યું

જયપુરઃ સંજૂ સેમસનની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2024માં જીત સાથે શરૂઆત કરી છે. રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 20 રને પરાજય આપ્યો છે. જયપુરમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 193 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 173 રન બનાવી શકી હતી. 

લખનૌ સુપર જાયન્ટ્સની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌની શરૂઆત ખરાબ રહી હતી. ટ્રેન્ટ બોલ્ટે ડિ કોક (4) અને દેવદત્ત પડિક્કલ (0) ને આઉટ કર્યા હતા. ત્યારબાદ આયુષ ભદોનીને 1 રને નાંદ્રે બર્ગરે આઉટ કર્યો હતો. લખનૌએએ 11 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ દીપક હુડ્ડા 13 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 26 રન બનાવી આઉટ થયો હતો.

કેએલ રાહુલ અને પૂરનની અડધી સદી
લખનૌએએ 60 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેએલ રાહુલ અને પૂરને 85 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 44 બોલમાં 4 ચોગ્ગા અને બે સિક્સ સાથે 58 રન બનાવી આઉટ થયો હતો. માર્કસ સ્ટોયનિસ પણ 3 રન બનાવી આઉટ થયો હતો. નિકોલસ પૂરન 41 બોલમાં 64 રન બનાવી અણનમ રહ્યો હતો. 

રાજસ્થાન રોયલ્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટ સૌથી સફળ બોલર રહ્યો હતો. બોલ્ટે 4 ઓવરમાં 35 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય નાંદ્રે બર્ગર, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને સંદીપ શર્માને એક-એક સફળતા મળી હતી. 

જયપુરની ઈનિંગનો રોમાંચ
રાજસ્થાન રોયલ્સ માટે કેપ્ટન સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરતા અણનમ 82 રન ફટકાર્યા હતા. સંજૂ સેમસન 52 બોલમાં 6 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 82 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ સિવાય રિયાન પરાગે 29 બોલમાં 1 ફોર અને ત્રણ સિક્સ સાથે 43 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલે 12 બોલમાં 24 રન ફટકારી રાજસ્થાનને સારી શરૂઆત અપાવી હતી. જોસ બટલર 11 રન બનાવી આઉટ થયો હતો. 

શિમરોન હેટમાયર 5 રન બનાવી રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. આ સિવાય ધ્રુવ જુરેલે અણનમ 12 બોલમાં 20 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી નવીન-ઉલ હકે 4 ઓવરમાં 41 રન આપી બે સફળતા મેળવી હતી. આ સિવાય મોહસીન ખાન અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news