KXIP vs DC Match preview: બે યુવા કેપ્ટનો વચ્ચે જંગ, દિલ્હી અને પંજાબ આમને-સામને

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની બીજી મેચમાં દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર કિંગ્સ ઇલેવન પંજાબનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. ત્યારે બધાની નજર ભારતીય સ્ટારથી ભરેલી દિલ્હી કેપિટલ્સ પર રહેશે. 

KXIP vs DC Match preview: બે યુવા કેપ્ટનો વચ્ચે જંગ, દિલ્હી અને પંજાબ આમને-સામને

દુબઈઃ 2020 KXIP vs DC Match preview: દિગ્ગજ રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા અને અક્ષર પટેલ જેવા અનુભવી સ્પિનરોની હાજરીને કારણે દિલ્હી કેપિટલ્સનું આજે રમાનારી આઈપીએલ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પલડુ ભારે રહેશે. બંન્ને ટીમોની  આ સીઝનની પ્રથમ મેચ હશે, જ્યાં તેના યુવા કેપ્ટનો વચ્ચે પણ શાનદાર ટક્કર જોવા મળી શકે છે.

રાહુલ-અય્યરમાં કોણ સર્વશ્રેષ્ઠ
કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને ભવિષ્યના ભારતીય કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યાં છે. આ બંન્ને ટીમોના કોચ વિશ્વ સ્તરીય ખેલાડી રહ્યાં છે અને તેવામાં તેની રણનીતિ જોવી રસપ્રદ રહેશે. કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી અનિલ કુંબલે પાસેથી પ્રેરણા લેવા ઈચ્છશે તો દિલ્હી કેપિટલ્સના ખેલાડી રિકી પોન્ટિંગની યોજનાઓ મેદાન પર ઉતારવામાં કોઈ કસર છોડશે નહીં. બંન્ને ટીમોમાં મોટા શોટ લગાવનાર ખેલાડીઓની કોઈ કમી નથી, પરંતુ યૂએઈની ધીમી પિચો પર અશ્વિન, મિશ્રા અને અક્ષરની ત્રિપુટી પંજાબની ટીમ પર ભારે પડી શકે છે. આ મુકાબલો દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

દિલ્હીમાં યુવા-અનુભવનું સારૂ મિશ્રણ
બેટિંગના મોરચા પર દિલ્હી કેપિટલ્સમાં ભારતીય યુવા અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સારૂ મિશ્રણ છે, જેમાં પૃષ્વી શો, રિષભ પંત, શિખર ધવન સિવાય વિન્ડિઝનો શિમરોન હેટમાયર સામેલ છે. એવી લાઇનઅપમાં ભારતીય ટેસ્ટ વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેને તક મળવી મુશ્કેલ છે. ટીમે રાજસ્થાન રોયલ્સમાંથી તેને ખરીદ્યો હતો.

વિસ્ફોટક બેટિંગ માટે તૈયાર પંજાબ
કિંગ્સ ઇલેવન પંજાબની પાસે ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ અને ખુદ રાહુલ જેવા મોટા શોટ લગાવનાર ખેલાડી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં 108 રન બનાવીને ટીમને જીત અપાવનાર મેક્સવેલનો આત્મવિશ્વાસ જરૂર વધ્યો હશે. તેણે 2014મા જ્યારે આ ટૂર્નામેન્ટની કેટલીક મેચ યૂએઈમાં રમાઇ હતી, ત્યારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેક્સવેલે તે સીઝનમાં 16 મેચોમાં 552 રન બનાવ્યા હતા. કિંગ્સ ઇલેવનની પાસે ગેલ અને રાહુલના રૂપમાં ખતરનાક ઓપનિંગ જોડી છે, ત્યારબાદ મયંક અગ્રવાલનો નંબર આવે છે. 

ફાસ્ટ બોલિંગમાં પણ સ્પર્ધા
દિલ્હી કેપિટલ્સની ટીમ કગિસો રબાડાની સાથે બિગ બેશ લીગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ડેનિયલ સેમ્સને અંતિમ ઇલેવનમાં સામેલ કરી શકે છે, જેથી ઈશાંત શર્માએ બહાર બેસવુ પડી શકે છે. કિંગ્સ ઇલેવન પંજાબ માટે મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગ આક્રમણની આગેવાની કરશે, જ્યારે સ્પિન વિભાગની જવાબદારી અફઘાનિસ્તાનના મુઝીબ ઉર રહમાન પર રહેશે. તો યુવા સ્પિનર રવિ બિશ્નોઈ પણ પહેલી મેચમાં પોતાની છાપ છોડી શકે છે. અશ્વિન પાછલા સત્રના માંકડિંગ વિવાદને પાછળ છોડીને મિશ્રાની સાથે શાનદાર જોડી બનાવવા ઈચ્છશે. મિશ્રાના નામે આઈપીએલમાં 157 વિકેટ છે અને તે સૌથી વધુ વિકેટ ઝડપનારની યાદીમાં બીજા સ્થાને છે. 

બંન્ને ટીમો
કિંગ્સ ઇલેવન પંજાબઃ
કેએલ રાહુલ, કરૂણ નાયર, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, ક્રિસ ગેલ, દર્શન નાલકંડે, હરપ્રીત બ્રાર, કૃષ્ણપ્પા ગૌતમ, અર્શદીપ સિંહ, હાર્ડસ વિઝ્લોન, જે સુચિથ, મોહમ્મદ શમી, મુઝીબ ઉર રહેમાન, મુર્ગન અશ્વિન, ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, પ્રભસિમરન સિંઘ, દીપક હૂડા, જેમ્સ નીશમ, તાજિંદર ઢિલ્લોન અને ઇશાન પોરેલ.

દિલ્હી કેપિટલ્સઃ શ્રેયસ અય્યર, પૃથ્વી શો, રિષભ પંત, શિખર ધવન, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કગીસો રબાડા, સંદીપ લામિછાને, આર અશ્વિન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, શિમરોન હેટ્માયર , માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, લલિત યાદવ અને તુષાર દેશપાંડે, ડેનિયલ સેમ્સ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news