પોતાની ડેબ્યુ મેચમાં જ આ લેગ સ્પિનરે મચાવ્યો તરખાટ, ગુગલીથી ધોની પણ થાપ ખાઈ ગયો
મુંબઇ ભલે મેચ હારી ગઈ પરંતુ એક યુવા લેગ સ્પિનરે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
Trending Photos
મુંબઇ: ચેન્નાઈ સુપરકિંગ્સે બે વર્ષ બાદ આઈપીએલ 11માં ધમાકેદાર વાપસી કરી અને મુંબઇ ઈન્ડિયન્સને હરાવ્યું. શનિવારે મુંબઇને ઘરઆંગણે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સીઝનની પહેલી મેચમાં એક રોમાંચક મુકાબલામાં હાર આપી. મુંબઇએ પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સામે 166 રનોનો લક્ષ્યાંક રાખ્યો હતો. બે વારના પૂર્વ વિજેતા ચેન્નાઈએ ડ્વયાન બ્રાવોના 30 બોલમાં ચાર ચોગ્ગા અને સાત છગ્ગાની તોફાની ઈનિંગ ઉપરાંત ઈજાગ્રસ્ત કેદાર જાધવના અણનમ 24 રનના દમ પર એક બોલ બાકી હતો ત્યારે જ લક્ષ્યાંક હાંસલ કરી નાખ્યો.
મુંબઇ ભલે મેચ હારી ગઈ પરંતુ એક યુવા લેગ સ્પિનરે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ સ્પિનરનું નામ છે મયંક માર્કંડેય. મયંકે આ સીઝનથી આઈપીએલમાં ડેબ્યુ કર્યું છે પંરતુ તેણે પોતાની પહેલી જ મેચમાં ધમાલ મચાવી દીધી. તેણે ચાર ઓવરમાં 23 રન લઈને 3 વિકેટ લીધી. માર્કંડેયને આઈપીએલની હરાજીમાં મુંબઇ ઈન્ડિયન્સે માત્ર 20 લાખમાં ખરીદ્યો હતો.
પહેલી ઓવરની ત્રીજી બોલ પર વિકેટ પાડી
મયંકે પોતાની ડેબ્યુ મેચમાં પહેલી ઓવરના ત્રીજા બોલે વિકેટ લઈને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે અંબાતી રાયડુને 22 રન પર એલબીડબલ્યુ આઉટ કરીને ઈતિહાસ રચ્યો. વિશ્વ ક્રિકેટમાં એવા બહુ ઓછા બોલરો છે જેમણે પોતાની ડેબ્યુ મેચમાં પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હોય.
અંબાતી રાયડુની વિકેટ લીધા બાદ પોતાની પહેલી ઓવરના 5માં બોલ પર એક વાર માર્કંડેયએ ગુગલી બોલ નાખ્યો. સામે કેદાર જાધવ બેટ્સમેન હતો. માર્કંડેયએ તેની પણ વિકેટ લઈ જ લીધી હતી પરંતુ તેની અપીલને અમ્પાયરે ફગાવી દીધી. દુર્ભાગ્યપૂર્ણ વાત એ હતી કે મુંબઇ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ તક હતી છતાં ડીઆરએસ લીધો નહીં. ત્યારબાદ બોલ ટ્રેકિંગમાં જોવા મળ્યો કે બોલ વિકેટને ટચ કરી રહ્યો હતો. જો રોહિત શર્માએ રિવ્યુ લીધો હોત તો માર્કંડેય પોતાની ડેબ્યુ મેચમાં પહેલી જ ઓવરમાં બે વિકેટ લેનાર વિશ્વના એકમાત્ર બોલર બની જાત.
ધોની પણ થાપ ખાઈ ગયો
ધોની ખુબ અનુભવી બેટ્સમેન છે. સ્પિનર સામે બહુ સારી રીતે રમે છે પરંતુ તે પણ મયંકની ગુગલીને જાણી શક્યો નહીં. રૈનાના આઉટ થયા બાદ મેદાન પર આવેલ ધોની માત્ર 5 રન બનાવી શક્યો. મયંકના એક ઉત્તમ બોલ પર એલબીડબલ્યુ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે