IPL 2018: મુંબઈએ ખોલાવ્યું વિજયનું ખાતું, બેંગલુરૂને 46 રને હરાવ્યું
આઈપીએલની 11મી સીઝનમાં આખરે મુંબઈએ પ્રથમ વિજય મેળવ્યો છે. સતત ત્રણ પરાજય બાદ પોતાના ઘરેલું મેદાનમાં રમતા મુંબઈએ બેંગલુરૂને પરાજય આપ્યો છે.
- રોહિત શર્મા આવ્યો ફોર્મમાં, 52 બોલમાં ફટકાર્યા 94 રન
- રોહિત અને લુઈસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી
- કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપીને ઝડપી ત્રણ વિકેટ
Trending Photos
મુંબઈઃ આઈપીએલની 11મી સીઝનમાં પણ આરસીબીની હારનો સિલસિલો મુંબઈ સામે પણ યથાવત રહ્યો છે. મુંબઈએ આપેલા 213 રનના લક્ષ્ય સામે બેંગલુરૂની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવી શકી હતી. આમ બેંગલુરૂનો 46 રને પરાજય થયો હતો. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 62 બોલમાં 7 ફોર અને 4 સિક્સની મદદથી અણનમ 92 રન ફટકાર્યા હતા.
214 રનના મુશ્કેલ લક્ષ્યને હાસિલ કરવા માટે બેંગલુરૂ તરફથી કેપ્ટન કોહલી અને ડિકોકે ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. 4 ઓવરમાં ટીમનો સ્કોર 40 રન પર પહોંચાડી દીધો હતો. ત્યારે ડિ કોકને મેક્લાઘને બોલ્ડ કરીને મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. આજ ઓવરમાં મેક્લાઘને ખતરનાક એબીડીને હાર્દિક પંડ્યાના હાથમાં ઝીલાવી ટીમને બીજી સફળતા અપાવી. ડિવિલિયર્સ માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો.
ત્યારબાદ મનદીપ સિંહ મેદાનમાં આવ્યો અને તેણે કોહલી સાથે 33 રનની ભાગીદારી કરી. ટીમનો સ્કોર 75 રને પહોંચ્યો ત્યારે મનદીપ (16) રન બનાવી કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો. આજ ઓવરમાં કોરી એન્ડરસન પણ શૂન્ય રને આઉટ થતા બેંગલુરૂની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું.
આ દરમિયાન એક છેડો સાચવી રમતા કોહલીએ પોતાની અર્ધસદી પુરી કરી હતી. તેની આ આઈપીએલમાં સતત બીજી અર્ધસદી છે. વોશિંગટન સુંદર (7), સરફરાજ ખાન (5) રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ ક્રિસ વોક્સ (11) અને ઉમેશ યાદવ (1) આઉટ થયા હતા. આ બંન્નેની વિકેટ બુમરાહે ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ તરફતી કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં (28/3) વિકેટ ઝડપી હતી. મેક્લાઘનને બે, માર્કંડેને 1 તથા બુમરાહને બે વિકેટ મળી હતી.
આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા (94) રનની ઈનિંગને કારણે મહેમાન ટીમની સામે 214 રનનો લક્ષ્ય રાખ્યો હતો. આ ઈનિંગમાં રોહિત સદી ચૂકી ગયો પરંતુ તેણે પોતાની શાનદાર ઈનિંગમાં 10 ચોગ્ગા અને 5 સિક્સ ફટકારી હતી. રોહિત સિવાય ઓપનિંગ બેટ્સમેન એવિસ લુઇસે (65) મુંબઈ માટે મહત્વની ઈનિંગ રમી હતી. લુઇસે પોતાની 42 બોલની ઈનિંગમાં 6 ચોગ્ચા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ ખરાબ રહી. મેચની શરૂઆતમાં આરસીબીના બોલર ઉમેશ યાદવે પ્રથમ બે બોલમાં મુંબઈના બે બેટ્સમેનો (સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન)ને બોલ્ડ કરી દીધા. ત્યારબાદ એવિન લુઈસ (65) રોહિત શર્મા સાથે મળીને મુંબઈને સંકટમાંથી ઉગાર્યું હતું. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી.
લુઈસ આક્રમક જણાતો હતો તેણે પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 5 સિક્સ ફટકારી 65 રન બનાવ્યા હતા. તેને કોરી એન્ડરસને આઉટ કર્યો હતો. ત્યારબાદ કૃણાલ પંડ્યા મેદાનમાં આવ્યો હતો. તેણે અને રોહિતે ચોથી વિકેટ માટે 40 રન જોડ્યા હતા. અહીં કૃણાલ 16મી ઓવરમાં (15) રન બનાવી રનઆઉટ થયો. ત્યાકબાદ પોલાર્ડ (5) આ મેચમાં ફરી નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા આવ્યો અને તેણે 5 બોલમાં 17 રન બનાવ્યા. તે અણનમ રહ્યો હતો. મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 213 રન કર્યા હતા.
બેંગલુરૂ તરફથી ઉમેશ યાદવ અને કોરી એન્ડરસનને બે-બે વિકેટ મળી જ્યારે વોક્સને 1 સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે