ENG vs NZ: મિચેલ-નીશામની ધમાકેદાર ઈનિંગ, રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં

આખરે ન્યૂઝીલેન્ડે 2019ના વિશ્વકપ ફાઇનલનો બદલો લઈ લીધો છે. આઈસીસી ટી20 વિશ્વકપ 2021ની રોમાંચક સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ટાઈટલની દાવેદાર ઈંગ્લેન્ડે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 

ENG vs NZ: મિચેલ-નીશામની ધમાકેદાર ઈનિંગ, રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં

અબુધાબીઃ ન્યૂઝીલેન્ડે ડેરિલ મિચેલ () અને જિમી નીશામ (11 બોલમાં 27 રન)ની ધમાકેદાર ઈનિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપ-2021 (T20 World Cup 2021) ની પ્રથમ સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડને (ENG vs NZ, Semifinal) પાંચ વિકેટે પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે કીવી ટીમ આઈસીસી ટી20 વિશ્વકપમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 166 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 19 ઓવરમાં 5 વિકેટે 167 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

ડેરિલ મિચેલના કરિયરની પ્રથમ અડધી સદી
ડેરિલ મિચેલે પોતાના ટી20 કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. મિચેલે 41 બોલમાં 3 ફોર અને બે સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ડેરિલ મિચેલ 47 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો. 

પાવરપ્લેમાં ક્રિસ વોક્સની ધાતક બોલિંગ
167 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર માર્ટિન ગુપ્ટિલ ઈનિંગની પ્રથમ ઓવરમાં માત્ર 4 રન બનાવી ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈનિંગની ત્રીજી ઓવરમાં ક્રિસ વોક્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (5)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને મોટી સફળતા અપાવી હતી. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં 2 વિકેટે 36 રન બનાવ્યા હતા. 

ડેવોન કોનવે અને ડેરિલ મિચેલે ટીમને સંકટમાંથી ઉગારી
ન્યૂઝીલેન્ડે 13 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ડેરિલ મિચેલ અને ડેવોન કોનવેએ ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. ડેવોન કોનવે સારી લયમાં જોવા મળી રહ્યો હતો. પરંતુ કોનવેને 46 રનના સ્કોર પર લિયામ લિવિંગસ્ટોને બટલરના હાથે સ્ટમ્પિંગ કરાવીને ઈંગ્લેન્ડની મેચમાં વાપસી કરાવી હતી. કોનવે 38 બોલમાં પાંચ ફોર અને એક ફટકારી આઉટ થયો હતો. 

ત્યારબાદ જિમી નીશામે ડેરિલ મિચેલ સાથે મળીને માત્ર 17 બોલમાં 40 રન બનાવી કીવીની વાપસી કરાવી હતી. નીશામ માત્ર 11 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 27 રન બનાવી રાશિદની ઓવરમાં આઉટ થયો હતો. 

લિયામ લિવિંગસ્ટોને કરાવી ઈંગ્લેન્ડની વાપસી
એક સમયે ડેવોન કોનવે અને ડેરિલ મિચેલની જોડી ઈંગ્લેન્ડ માટે સંકટ બની રહી હતી. પરંતુ પાર્ટટાઇમ સ્પિનર લિયામ લિવિંગસ્ટોને મેચમાં ઈંગ્લેન્ડની વાપસી કરાવી હતી. લિવિંગસ્ટોને પહેલા ડેવોન કોનવેને સ્ટમ્પિંગ કરાવ્યો ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ (2)ને કેચઆઉટ કરાવ્યો હતો. લિવિંગસ્ટોને 4 ઓવરમાં માત્ર 22 રન આપી બે વિકેટ ઝડપી હતી. 

ઈંગ્લેન્ડની સાધારણ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ માટે આજે જોસ બટલર અને જોની બેયરસ્ટોએ ઈનિંગની શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં ઈંગ્લેન્ડની શરૂઆત ધીમી રહી હતી. ટીમને 37 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. જોની બેયરસ્ટો (13) છઠ્ઠી ઓવરમાં એડન મિલ્નેને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે પાવરપ્લેમાં 1 વિકેટે 40 રન બનાવ્યા હતા. પાવરપ્લે બાદ 9મી ઓવરમાં જોસ બટલર (29) રન બનાવી ઈશ સોઢીનો શિકાર બન્યો હતો. બટલરે 24 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 

મોઇન અલી અને મલાને સંભાળી ઈનિંગ
ઈંગ્લેન્ડે 58 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ડેવિડ મલાન અને મોઈન અલીએ ત્રીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. ડેવિડ મલાન 30 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 41 રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. તો મોઈન અલીએ ટી20 વિશ્વકપમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. મોઈન અલી 37 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 51 રન બનાવી અણનમ રહ્યો હતો. 

મોઈન અલીએ લિયામ લિવિંગસ્ટોન સાથે ચોથી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. લિવિંગસ્ટોન  10 બોલમાં 1 સિક્સ અને એક ફોર સાથે 17 રન બનાવી નીશામનો શિકાર બન્યો હતો. કેપ્ટન ઈયોન મોર્ગને અણનમ 4 રન બનાવ્યા હતા. 

ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદી, એડન મિલ્ને, ઈશ સોઢી અને જેમ્સ નીશામે એક-એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news