ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન માધવ આપ્ટેનું નિધન, તેમના નામે છે આ રેકોર્ડ


ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન માધવ આપ્ટેનું સોમવારે મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં નિધન થઈ ગયું, તેઓ 86 વર્ષના હતા. 


 

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન માધવ આપ્ટેનું નિધન, તેમના નામે છે આ રેકોર્ડ

મુંબઈઃ પૂર્વ ઓપનિંગ બેટ્સમેન માધવ આપ્ટેનું સોમવારે સવારે હાર્ટ એટેક આવવાથી મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આપ્ટેના પુત્ર વામન આપ્ટેએ પીટીઆઈને જણાવ્યું કે, પૂર્વ ઓપનરે સવારે છ કલાક અને 9 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 86 વર્ષના હતા અને 5 ઓક્ટોબરે 87 વર્ષના થવાના હતા. માધવ આપ્ટેએ ભારત તરફથી 7 ટેસ્ટ મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે એક અનોખો રેકોર્ડ છે. 

માધવ આપ્ટે એક ટેસ્ટ સિરીઝમાં 400થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ઓપનિંગ બેટ્સમેન હતા. તેમણે 1953મા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં 460 રન બનાવ્યા હતા. ત્યારે તેમણે 5 ટેસ્ટ મેચોની 10 ઈનિંગમાં (64, 52, 64, 9, 0, नाबाद 163 , 30, 30, 15, 33 રન) 51.11ની એવરેજથી 460 રન બનાવ્યા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 163* હતો. 

ભારતીય ટેસ્ટ ઓપનર તરીકે સર્વાધિક એવરેજ
(કરિયરમાં ઓછામાં ઓછા 500 રન)

56.75 - વિજય મર્ચન્ટ

50.29 - સુનીલ ગાવસ્કર

50.14 - વીરેન્દ્ર સહેવાગ

49.27 - માધવ આપ્ટે

44.04 - રવિ શાસ્ત્રી

માધવ આપ્ટેએ 7 ટેસ્ટ મેચોના નાના કરિયરમાં 49.27ની એવરેજથી 542 રન બનાવ્યા. જ્યારે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમણે 67 મેચોમાં 38.79ની એવરેજથી 3336 (6 સદી, 16 અડધી સદી) રન બનાવ્યા હતા. 

માધવ આપ્ટેને એક અન્ય દિગ્ગજ બેટ્સમેન વીનુ માંકડે ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી સોંપી હતી. બાદમાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈના કેપ્ટન પણ બન્યા હતા. આપ્ટે પોતાના કરિયર દરમિયાન પોલી ઉમરીગર, વિજય હજારે અને રૂસી મોદી જેવા દિગ્ગજ ખેલાડીઓની સાથે રમ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત સીસીઆઈ (Cricket Club of India)ના અધ્યક્ષ પણ રહ્યાં હતા. 

— Sachin Tendulkar (@sachin_rt) September 23, 2019

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે માધવ આપ્ટેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને તેમની સાથે જોડાયેલી યાદોને શેર કરી છે. સચિને લખ્યું- જ્યારે હું 14 વર્ષનો હતો, ત્યારે મને શિવાજી પાર્કમાં તેમની વિરુદ્ધ રમવા મળ્યું હતું. મને આજે પણ યાદ છે, જ્યારે 15 વર્ષી ઉંમરમાં તેમણે (આપ્ટે) અને ડુંગરપુર સર (રાજ સિંહ ડુંગરપુર)એ મને સીસીઆઈ માટે રમવા દીધો. તેમણે હંમેશા મારૂ સમર્થન કર્યું અને તેઓ મારા શુભચિંતક હતા. તેમની આત્માને શાંતિ મળે... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news