BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની નવી ટીમ આવી સામે, જાણો કોણ-કોણ છે સામેલ
ભારતીય ક્રિકેટ ટીમને નવી ઉંચાઈ પર પહોંચાડનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના હાથમાં ભારતીય ક્રિકેટની કમાન સોંપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. સૌરવના આ પદ પર ચૂંટાવાની ખબર રવિવારે રાત્રે પાક્કી થઈ ગઈ હતી, જેની જાહેરાત પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ રાજીવ શુક્લાએ સોમવારે કરી હતી. ગાંગુલીએ પોતાની નવી ટીમની સાથે એક તસવીર શેર કરતા તેની જાણકારી આપી છે.
ભારતીય ક્રિકેટ ટીમને નવી ઉંચાઈ પર પહોંચાડનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના હાથમાં ભારતીય ક્રિકેટની કમાન સોંપવામાં આવી છે. ગાંગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષ ચૂંટાયા બાદ સોશિયલ મીડિયા પર મળી રહેલી શુભેચ્છાનો જવાબ આપ્યો અને સાથે મંગળવારે પોતાની ટીમની તસવીર શેર કરી હતી. ગાંગુલીએ નવી ટીમ સાથે ટ્વીટર પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરને શેર કરવાની સાથે પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમની આગેવાની કરી ચુકેલા ગાંગુલીની હાલમાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી થઈ હતી. બીસીસીઆઈના અધ્યક્ષની ભૂમિકા માટે ગાંગુલી તૈયાર છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહને બીસીસીઆઈના સચિવ જ્યારે અનુરાગ ઠાકુરના ભાઈ અરૂણ સિંહને બીસીસીઆઈમાં કોષાધ્યક્ષનું પદ આપવાની સંભાવના છે.
પૂર્વ કેપ્ટન ગાંગુલીની ગણના ટીમ ઈન્ડિયાના સૌથી આક્રમક કેપ્ટન તરીકે થાય છે. ગાંગુલીએ મેચ ફિક્સિંગ વિવાદ બાદ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની જગ્યાએ આગેવાની સંભાળી હતી. ભારતીય ટીમને ગાંગુલીની આગેવાનીમાં શાનદાર સફળતા મળી હતી. આ સમયે બીસીસીઆઈની સામે ઘણા પડકારો છે. અનિયમિતતાને કારણે બોર્ડ સતત સવાલોના ઘેરામાં છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી પ્રશાસકોની સમિતિ સતત બીસીસીઆઈને સૂચન આપે છે. બોર્ડ અને સીઓએ વચ્ચે ઘણી વાતો પર સહમતી બની શકી નથી. ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદ આશા છે કે તમામ વસ્તુ સામાન્ય થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે