IPL 2018: સતત પાંચમી જીત સાથે હૈદરાબાદે મેળવી પ્લેઓફની ટિકિટ
રોમાંચક મેચમાં બેંગલોરને પાંચ રને હરાવી હૈદરાબાદે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. જ્યારે બેંગલોરની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવા પર આવી ગઈ છે.
- હૈદરાબાદનો 10મી મેચમાં આઠમો વિજય
- અંતિમ પાંચ મેચમાં સતત પાંચમો વિજય
- હૈદરાબાદનો બોલર્સોનું શાનદાર પ્રદર્શન
Trending Photos
હૈદરાબાદઃ અંતિમ ઓવરમાં ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેજર્સ બેંગલોરને પાંચ રને હરાવીને પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. બેંગલોરને અંતિમ બે ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. પરંતુ 19મી ઓવરમાં સિદ્ધાર્થ કૌલ અને 20મી ઓવરમાં ભુવનેશ્વરની શાનદાર બોલિંગની મદદથી હૈદરાબાદે બેંગલોરને હરાવ્યું છે. હૈદરાબાદે જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 141 રન બનાવી શક્યું હતું. મનદીપ સિંહ અને કોલિન ડિ ગ્રાન્ડહોમે એક સમયે બેંગલોરને જીતની આશા જગાવી હતી પરંતુ હૈદરાબાદની બોલિંગ સામે તેઓ રન ફટકારવામાં નિષ્ફળ રહ્યાં હતા. બેંગલોર લગભગ આઈપીએલમાંથી બહાર થઈ ગયું છે.
આ પેહલા RCB માટે વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે શાનદાર શરૂઆત કરી પાર્થિવે 12 બોલમાં ચાર ફોર ફટકારી હતી, પરંતુ તેની ઈનિંગના 13માં બોલે તે એલબી આઉટ થયો. આ સફળતા શાકિબને મળી હતી. ત્યારબાદ મનન વોહરા (8) સંદીપ શર્માની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ગ્રાન્ડ હોમ 33 રન બનાવી અંતિમ બોલે આઉટ થયો હતો.
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જણાતો હતો. પરંતુ 39 રનના વ્યક્તિગત સ્કોર પર વિરાટ શાકિબની ઓવરમાં યૂસુફના હાથે કેચઆઉટ થયો હતો. યૂસુફે એક હાથે શાનદાર કેચ ઝડપ્યો હતો. એબી ડિવિલિયર્સ (5) રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ આજે પ્રથમ મેચ રમી રહેલ મોઇન અલી પણ (10) કૌલનો શિકાર બન્યો હતો. બેંગલોરે એક સમયે 84 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
આ પહેલા ટોસ હાર્યા બાદ યજમાન હૈદરાબાદે બેંગલોરને 147 રનનો ટાર્ગેટ આપ્યો. હૈદરાબાદ માટે કેપ્ટન વિલિયમસન (56) અને શાકિબ અલ હસને (35) રનની શાનદાર ઈનિંગ રમી. આ બે સિવાય અન્ય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. બેંગલોર માટે મોહમ્મદ સિરાજ અને ટિમ સાઉથીએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. આ સિવાય ઉમેશ યાદવ અને ચહલને એક-એક સફળતા મળી હતી. અંતિમ ઓવરમાં બેંગલોરે શાનદાર બોલિંગ કરી હતી. ચાર ઓવરમાં માત્ર 34 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. તેના બંન્ને ઓપનર 38 રનના સ્કોર આઉટ થઈ ગયા હતા. ધવન (13) અને એલેક્સ હેલ્સ (5) પહેલી બે ઓવરમાં સંભાળીને બેટિંગ કરી પરંતુ ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો. હેલ્સ 5 રન બનાવી સાઉથીની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
ત્યારબાદ વિલિયમસને ધવન સાથે મળીને ઈનિંગ સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સિક્સ મારવાના પ્રયત્નમાં ધવન બાઉન્ટ્રી પર કેચઆઉટ થયો અને હૈદરાબાદે તેની બીજી વિકેટ ગુમાવી હતી.
શિખર બાદ આવેલ મનીષ પાંડે (5) આ મેચમાં ફરી ફ્લોપ રહ્યો. તેણે આ ઈનિંગમાં માત્ર 7 બોલ રમ્યા અને કોહલીના હાથે કેચઆઉટ થયો હતો. આ સફળતા ચહલને મળી હતી.
3 વિકેટ પડ્યા બાદ શાકિબ અને વિલિયમસને હૈદરાબાદની ઈનિંગને સંભાળી હતી. આ વચ્ચે કેન વિલિયમસને પોતાના આઈપીએલ કેરિયરની 8મી અર્ધસદી પુરી કરી હતી. તે 56 રન બનાવી ઉમેશની બોલિંગમાં આઉટ થયો હતો. વિલિયમસન અને શાકિબે સાથે મળીને ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી.
કેપ્ટનના આઉટ થયા બાદ હૈદરાબાદનો ધબડકો થયો હતો. વિલિયમસન બાદ શાકિબ (35), યૂસુફ પઠાણ (12), સાહા (8), રાશિદ ખાન (1), સિદ્ધાર્થ કૌલ (1) અને સંદીપ શર્મા (0) રને આઉટ થયા હતા. અંતિમ ચાર ઓવરમાં હૈદરાબાદ માત્ર 34 રન બનાવી શક્યું અને પાંચ વિકેટ ગુમાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે