IND vs SA: માર્કરમ-મિલરની અડધી સદી, રોમાંચક મેચમાં આફ્રિકાએ ભારતને 5 વિકેટે હરાવ્યું

T20 World Cup 2022: ડેવિડ મિલર અણનમ 59 રન અને એડન માર્કરમના 52 રનની મદદથી આફ્રિકાએ પર્થમાં ભારતને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

IND vs SA: માર્કરમ-મિલરની અડધી સદી, રોમાંચક મેચમાં આફ્રિકાએ ભારતને 5 વિકેટે હરાવ્યું

પર્થઃ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022 (ICC T20 World Cup 2022) માં ભારતે પ્રથમ પરાજયનો સામનો કરવો પડ્યો છે. પર્થમાં આજે સાઉથ આફ્રિકા સામે રોમાંચક મેચમાં ભારતે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. અંતિમ ઓવરમાં સાઉથ આફ્રિકાએ જીત મેળવી હતી. આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને એડન માર્કરમે શાનદાર અડધી સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાએ 19.4 ઓવરમાં 5 વિકેટે 137 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે આફ્રિકાની ટીમ ગ્રુપ-2માં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

પ્રથમ ઓવરમાં અર્શદીપ સિંહનો ધમાકો
ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવર કરવા આવેલા અર્શદીપ સિંહે પહેલાં ડિ કોક (1) અને બાદમાં રીલી રોસો (0) ને આઉટ કરી ભારતને સતત બે સફળતા અપાવી હતી. ત્યારબાદ મોહમ્મદ શમીએ છઠ્ઠી ઓવરમાં આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવુમા (10) ને કાર્તિકના હાથે કેચઆઉટ કરાવી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. 

એડન માર્કરમની શાનદાર અડધી સદી
આફ્રિકાની ટીમે 24 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ એડન માર્કરમે શાનદાર બેટિંગ કરી હતી. માર્કરમે 38 બોલમાં 6 ચોગ્ગા અને એક સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. એડન માર્કરમ 41 બોલમાં 52 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. મિલર અને માર્કરમ વચ્ચે ચોથી વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ હતી. 

ડેવિડ મિલરની વિજયી ઈનિંગ
આફ્રિકા માટે સૌથી વધુ રન ડેવિડ મિલરે બનાવ્યા હતા. મિલરે 46 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે અણનમ 59 રન ફટકારી આફ્રિકાને શાનદાર જીત અપાવી હતી. મિલરે માર્કરમ સાથે 76 રનની ભાગીદારી પણ કરી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ 6 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી અર્શદીપે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને આર અશ્વિને એક-એક વિકેટ ઝડપી હતી. 

ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પાંચમી ઓવરમાં બંને ઓપનરને ગુમાવી દીધા હતા. કેપ્ટન રોહિત શર્મા 14 બોલમાં 1 ફોર અને એક સિક્સ સાથે 15 રન બનાવી આઉટ થયો હતો. તો કેએલ રાહુલ માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. આ બંને સફળતા એન્ગિડીને મળી હતી. ભારતે પાવરપ્લેમાં 2 વિકેટે 33 રન બનાવ્યા હતા. 

લુંગી એન્ગિડીનો તરખાટ
આફ્રિકાએ પર્થના મેદાન પર ચોથા ફાસ્ટ બોલર લુંગી એન્ગિડીને મેદાનમાં ઉતાર્યો હતો. એન્ગિડીએ પોતાની પ્રથમ ઓવરમાં રાહુલ અને રોહિતને આઉટ કરી દીધા હતા. ત્યારબાદ તેણે કેપ્ટન વિરાટ કોહલી (12) ને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. હાર્દિક પંડ્યા પણ માત્ર 2 રન બનાવી એન્ગિડીનો શિકાર બન્યો હતો. લુંગી એન્ગિડીએ ચાર સફળતા મેળવી હતી. 

સૂર્યકુમાર યાદવે સંભાળી ઈનિંગ
ભારતીય ટીમે 49 રન પર પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. દીપક હુડ્ડા શૂન્ય રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે દીનેશ કાર્તિક સાથે મળી છઠ્ઠી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમારે આ વિશ્વકપમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. સૂર્યાએ 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 40 બોલમાં 68 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમારે પોતાની ઈનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 

દિનેશ કાર્તિક 15 બોલમાં છ રન બનાવી પાર્નેલનો શિકાર બન્યો હતો. આર અશ્વિને સાત રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર 4 અને અર્શદીપ બે રન બનાવી અણનમ રહ્યાં હતા. આફ્રિકા તરફથી એન્ગિડીએ 29 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય પાર્નેલે 4 ઓવરમાં 15 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. એક વિકેટ નોર્ત્જેને મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news