પૂરના તાંડવમાં ઈટલીથી ફ્રાંસ સુધી મચ્યો કોહરામ, અનરાધાર વરસાદથી પૂરના પાણીમાં ડૂબ્યું મેક્સિકો
એક તરફ દુનિયાના દેશોમાં મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે. ત્યારે આયરલેન્ડ પર એસ્લે વાવાઝોડા કોહરામ મચાવી રહ્યું છે. અડધી રાત્રે જ્યારે એસ્લે વાવાઝોડું સાલ્થિલ શહેર પાસેના દરિયાકાંઠે ટકરાયું ત્યારે ભયંકર પવન ફૂંકાયો.
Trending Photos
નવી દિલ્હી: મેઘરાજા છે કે ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા. ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં મેઘરાજા મૂશળધાર વરસી રહ્યા છે. એવું નથી કે ભારતમાં જ મેઘરાજા કોપાયમાન છે. ઈટલીથી લઈને ફ્રાંસ સુધીના દેશોમાં મેઘરાજા અનરાધાર વરસીને રીતસરનું તાંડવ મચાવી રહ્યા છે.
દુનિયાના ઘણા દેશોમાં વરસાદ, પૂર અને વાવાઝોડા સ્વરૂપે કુદરતનો કેર લોકો પર વરસ્યો છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જના કારણે મોસમનો મિજાજ બગડ્યો છે. જેના કારણે ઈટલીથી લઈને ફ્રાંસ સુધી મૂશળધાર વરસાદના કારણે પૂરનું ખતરનાક તાંડવ જોવા મળી રહ્યુ છે.
ગાંડીતૂર બનેલી નદીઓ હવે શહેરના પોશ વિસ્તારોમાંથી ડરામણી રીતે વહેવા લાગી છે. તો આયરલેન્ડમાં લેન્ડફોલ કર્યા બાદ એસલે વાવાઝોડા હવે લોકોનું જીવવું હરામ કરી રહ્યું છે.
વરસાદ અને પૂરની વિનાશલીલાના આ દ્રશ્યો ફ્રાંસ દેશના ગિફ્રે-રૉન શહેરના છે. અહીં અનરાધાર વરસાદ વરસ્યા બાદ હવે રોન નામની નદી ગાંડી બની છે. એટલું જ નહીં રોન નદી શહેરમાં ઘૂસીને શહેરના રસ્તાઓ પર વહેવા લાગી છે. તો રહેણાંક વિસ્તારમાં ઘૂસેલી રોન નદી લોકોના ઘરોમાં પણ ઘૂસી ગઈ છે. ગિફ્રે શહેરના રસ્તા પર અડધા વાહનો ડૂબી જાય એટલા પાણી ફરી વળ્યાં છે.
ફ્રાંસમાં પૂરના પાણીનું તાંડવ જોઈને શહેરના પોશ વિસ્તારમાં રહેતા લોકો પણ ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. લોકોના ઘર હોય, દુકાન હોય બધુ જ પાણીના કબજામાં જોવા મળી રહ્યુ છે. એટલે કે અહીંના લોકો પર રીતસરનો કુદરતનો કોહરામ વરસી રહ્યો છે.
પૂર અને વરસાદની વિનાશલીલા ન્યૂ મેક્સિકોમાં પણ જોવા મળી રહી છે. કેમ કે મેક્સિકોમાં આવેલા ખતરનાક પૂરના ખૌફનાક દ્રશ્યો સામે આવ્યા છે. રેસવેલ શહેરમાં આવેલા પૂરના તાંડવમાં નાના વાહનો તો ઠીક મોટી મોટી કાર પણ પત્તાના જેમ તણાઈ ગઈ. પ્રચંડ પૂરના પાણીમાં તણાયેલી અનેક કારનો ખડકલો રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. ગણતરીના કલાકમાં જ ખાબકેલા અનરાધાર વરસાદના કારણે રોસવેલ શહેરમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે.
ઈટલીમાં પણ મેઘરાજાના તાંડવથી વરસેલા અનરાધાર વરસાદના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. મૂશળધાર વરસાદ બાદ આવેલા પૂરના પાણીએ ઈટલીના બોલોગ્ના શહેરને જાણે પોતાના કબજામાં લઈ લીધું છે. શહેરના રસ્તાઓ જાણે પાણીથી લબાલબ જોવા મળી રહ્યા છે. જે રીતે રસ્તાઓ પર પાણીનો કબજો છે, તે જોઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ફેલાયેલો છે.
ઈટલીમાં કુદરતના કહેર સામે લોકો તો લાચાર છે. સાથે સાથે પ્રાણીઓ પણ કુદરતના કહેરથી બચી શક્યા નથી. કેમ કે ઈટલીના રેગિયો એમિલ્યામાં પૂરના પાણીમાં ફસાયેલા શ્વાનને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવાની ફરજ પડી.
આકાશમાંથી થયેલા આફતના વરસાદના આ દ્રશ્યો બ્રિટનની રાજધાની લંડનના છે. અનરાધાર વરસાદના કારણે પશ્ચિમી લંડનના ચીસવીકમાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. એક સમયે રસ્તા પર સડસડાટ જતી ગાડીઓ આજે પાણીની વચ્ચે ડૂબેલી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે મચેલી તબાહી જોઈને લંડનના લોકો દહેશતમાં છે.
એક તરફ દુનિયાના દેશોમાં મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે. ત્યારે આયરલેન્ડ પર એસ્લે વાવાઝોડા કોહરામ મચાવી રહ્યું છે. અડધી રાત્રે જ્યારે એસ્લે વાવાઝોડું સાલ્થિલ શહેર પાસેના દરિયાકાંઠે ટકરાયું ત્યારે ભયંકર પવન ફૂંકાયો. વાવાઝોડાના રસ્તામાં જે પણ આવ્યું તેને વાવાઝોડું પોતાની સાથે જ ઉડાવીને લઈ ગયું... એટલું જ નહીં દરિયાના પાણી શહેરના રસ્તાઓ પર ફરી વળ્યાં હતા. આયરલેન્ડના દરિયાકાંઠાના વિસ્તારોમાં મૂશળધાર વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. એક તરફ એસ્લે વાવાઝોડું અને બીજી તરફ ડરામણા વરસાદી પાણી જોઈને લોકોને જાણે યમરાજના દર્શન થઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે