પુલવામા હુમલામાં ISIની ભૂમિકા નકારી શકાય નહીં: અમેરિકન નિષ્ણાતો
બ્રુકિંગ્સ ઈન્સ્ટીટ્યુટ થિન્ક-ટેન્કમાં વિદ્વાન રિડેલે જણાવ્યું કે, એક હુમલો કે જેના નિશાન પાકિસ્તાનમાં મળે છે, આ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના કાર્યકાળનો પ્રથમ મોટો પડકાર છે
Trending Photos
વોશિંગટનઃ દક્ષિણ એશિયાની બાબતો સાથે જોડાયેલા અમેરિકન નિષ્ણાતોએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે થયેલા આતંકવાદી હુમલામાં જૈશ-એ-મોહમ્મદની સંડોવણીએ તેમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની ભૂમિકા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, આતંકવાદી હુમલાથી સમજી શકાય છે કે, અમેરિકા જૈશ-એ-મોહમ્મદ અને અન્ય આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનને રાજી કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ઈમરાન ખાન માટે મોટો પડકાર
અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના એક પૂર્વ વિશ્લેષક બ્રૂસ રિડેલે જણાવ્યું કે, "આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. આથી આ હુમલાના માસ્ટરમાઈન્ડના સમર્થનમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની ભૂમિકા સામે ગંભીર સવાલ ઊભા થાય છે." બ્રુકિંગ્સ ઈન્સ્ટીટ્યુટ થિન્ક-ટેન્કમાં વિદ્વાન રિડેલે જણાવ્યું કે, એક હુમલો કે જેના નિશાન પાકિસ્તાનમાં મળે છે, આ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના કાર્યકાળનો પ્રથમ મોટો પડકાર છે.
ભારત-પાક વચ્ચે વધશે તણાવ
ઓબામા સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એક પૂર્વ અધિકારી અનીશ ગોયલે જણાવ્યું કે, આ ભયાનક હુમલાથી સમજી શકાય છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ કેવી રીતે હજુ પણ કાશ્મીરમાં સક્રિય છે. તેમણે જણાવ્યું કે, 'હુમલાના તુરંત બાદ તેની જવાબદારી લેવાનો દાવો કરીને જૈશ-એ-મોહમ્મદ સ્પષ્ટ રીતે સંકેત આપી રહ્યું છે કે, તે આ વિસ્તારમાં આતંક ફેલાવતો રહેશે અને ભારત-પાક વચ્ચે તણાવ વધારતો રહેશે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, આ હુમલાના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કાશ્મીરમાં સક્રિય તમામ આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવાનું દબાણ વધવાની સંભાવના છે.
ભારતીય સેનાના 44 જવાન શહીદ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ખાતેના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલામાં CRPFના 44 જવાન શહીદ થયા હતા અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે