દાઉદના વળતા પાણી, છોડીને જતો રહ્યો 'જમણો હાથ'

એક જમાનામાં અબુ સાલેમને દાઉદને ડાબો  હાથ અને છોટા શકીલને જમણો હાથ ગણવામાં આવતા હતા

દાઉદના વળતા પાણી, છોડીને જતો રહ્યો 'જમણો હાથ'

મુંબઈ : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સૌથી વિશ્વાસપાત્ર અને જમણા હાથ જેવા ગણાતા છોટા શકીલે ડી કંપની સાથે સંબંધ તોડી નાખ્યો હોવાના સમાચાર છે. દાઉદની ગેંગમાં છોટા શકીલ નંબર 2 પર હતો અને છેલ્લા 30 વર્ષથી દાઉદની બહુ નજીક હતો.એક જમાનામાં અબુ સાલેમને દાઉદને ડાબો  હાથ અને છોટા શકીલને જમણો હાથ ગણવામાં આવતા હતા. અબુ સાલેમે એક તબક્કે દાઉદનો હાથ છોડી દીધા પછી છોટા શકિલને દાઉદનો સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ ગણવામાં આવતો હતો. દાઉદ ગેંગને લગતા કોઈપણ સમાચાર જાહેર થતા હતા ત્યારે મીડિયાને પ્રતિક્રિયા પણ છોટા શકીલ તરફથી જ મળતી હતી. 

મળ્યો છે ખાસ રિપોર્ટ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ગુપ્તચર એજન્સીઓ સાથે છોડાયેલા સુત્રના હવાલાથી રિપોર્ટ આપ્યો છે કે છોટા શકીલે હવે દાઉદનો સાથ છોડી દીધો છે. સુત્રોના હવાલાથી સમાચાર મળ્યા છે કે છોટા શકીલે હવે કરાચીનો ક્લિફ્ટન એરિયા પણ છોડી દીધો છે. છોટા શકીલે 1980ના દાયકામાં ભારતથી ભાગ્યા પછી આ એરિયામાં જ પોતાનો બેસ  બનાવ્યો હતો. હવે તેના નવા લોકેશનની તપાસ ચાલી ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે દાઉદની ગેંગમાં તેના નાના ભાઈ અનીસ ઇબ્રાહિમના વધી રહેલા કદને કારણે છોટા શકીલે આ પગલું ભર્યુ છે. હકીકતમાં છેલ્લા ત્રણ દાયકાથી છોટા શકીલ જ દાઉદના નામે ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. દાઉદે પરિવાર પાસે સ્પષ્ટતા પણ કરી દીધી હતી કે ગેંગના મામલામાં દખલગીરી કરવાનો તેમને કોઈ હક નથી. જોકે, અનીસ આ સ્પષ્ટતાને ઘોળીને પી ગયો છે અને પોતાની જ જીદ પ્રમાણે વર્તન કરે છે. આ નવા સંજોગોમાં દાઉદ અને શકીલ વચ્ચે મતભેદ થઈ ગયા છે.

પાકિસ્તાન ચિંતામાં
બ્યુરોના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ લેટેસ્ટ ઘટનાક્રમથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ચિંતામાં પડી ગઈ છે. તે હવે દાઉદ અને છોટા શકીલ વચ્ચે ફરી સુલેહ થાય એવા પ્રયાસો કરવા લાગી છે કારણ કે જો તેમની વચ્ચે ફુટ પડશે તો આઇએસઆઇની ભારત વિરોધી હરકતો પર લગામ લાગી શકે છે. નોંધનીય છે કે આઇએસઆઇએ 1993માં દાઉદ ગેંગના સહારે મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું. આ કેસમાં છોટા શકીલ પણ મહત્વનો આરોપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news