પાકિસ્તાને ફરી એક વખત ચલાવ્યું જુઠ્ઠાણુ, કંઈક આવી આપી પ્રતિક્રિયા
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાની નિંદા તો કરી, પરંતુ તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો ઈનકાર કરી દીધો હતો
Trending Photos
ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ફરી એક વખત પોતાનું જુઠ્ઠાણું ચલાવ્યું છે અને એક નો એક રાગ આલાપ્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની પાકિસ્તાને નિંદા તો કરી, પરંતુ સાથે જ એવું જણાવ્યું કે, તપાસ કર્યા વગર આ હુમલાના તાર ઈસ્લામાબાદ સાથે જોડાયા હોવાના ભારતના આરોપ યોગ્ય નથી.
પાકિસ્તાને કલાકો સુથી મૌન રહ્યા બાદ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અડધી રાત બાદ એક નિવેદન આપ્યું છે. જેમાં કહેવાયું છે કે, "જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલો હુમલો 'ગંભીર ચિંતાનો વિષય છે'. અમે હંમેશાં ઘાટીમાં હિંસક ઘટનાઓની નિંદા કરી છે."
આ સાથે જ પાકિસ્તાને એ આરોપ પણ નકારી દીધા કે આ હુમલાના તાર તેના દેશ સાથે જોડાયેલા છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "અમે તપાસ કર્યા વગર આ હુમલાને પાકિસ્તાન સાથે જોડવાના ભારત સરકારના કોઈ પણ વ્યક્તિ કે મીડિયાનાં પ્રયાસોને ફગાવી દઈએ છીએ."
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે ભારતના સીઆરપીએફના કાફલા પર એક હીચકારો હુમલો થયો હતો, જેમાં 44 જવાન શહીદ થયા હતા. આ હુમલાના થોડા સમયમાં જ પાકિસ્તાનમાં જ સક્રિય આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદે' હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી. તેમ છતાં પાકિસ્તાન ભારતના આરોપોનો ઈનકાર કરી રહ્યું છે તે આશ્ચર્યની વાત છે.
ચીન હજુ પણ પાકિસ્તાનની પડખે
ચીને શુક્રવારે પુલવામા આતંકવાદી હુમલાની નિંદા તો કરી પરંતુ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવાની ભારતની અપીલનું સમર્થન કરવાનો ફરીથી ઈનકાર કરી દીધો હતો.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું કે, "અમે આતંકવાદના કોઈ પણ પ્રકારના સ્વરૂપની આકરી નિંદા કરીએ છીએ અને તેનો વિરોધ કરીએ છીએ. આશા છે કે, સંબંધિત ક્ષેત્રીય દેશ આતંકવાદનો સામનો કરવા માટે એક-બીજાને સહયોગ આપશે અને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા ભેગામળીને કામ કરશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે