ચારેબાજુથી ભારતને મળી રહેલા ટેકાથી ગભરાયું પાકિસ્તાન, UNને કહ્યું-'અમને ભારતથી બચાવો'
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે. જેમાં ભારત પર ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં નાખવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (એફઓ)એ શુક્રવારે 22 જાન્યુઆરીના રોજ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાને આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે હજુ તો એક દિવસ પહેલા જ સંયુક્ત રાષ્ટ્રની શક્તિશાળી સંસ્થાએ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદનું નામ લઈને જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકી સંગઠન દ્વારા અંજામ અપાયેલ જઘન્ય હુમલાની આકરી ટીકા કરી હતી. પાકિસ્તાને એમ પણ કહ્યું કે ભારત કોઈ પણ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે પુલવામા આતંકી હુમલા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવમાં જૈશ એ મોહમ્મદનું નામ અને હુમલાના કાવતરાખોરોને ન્યાયના દાયરામાં લાવવાની અપીલ સહિત તે વિશેષ ભાષાનો ઉપયોગ કરાયો છે જે ભારતે પોતાના સહયોગી દેશોના માધ્યમથી પ્રસ્તાવિત કરી છે. અધિકૃત સૂત્રોએ શુક્રવારે આ અંગે જાણકારી આપી.
ચીન સહિતના 15 સ્થાયી અને અસ્થાયી સભ્યોવાળી આ સુરક્ષા પરિષદે ભારત પ્રત્યે એકજૂથતા તથા સમર્થન જતાવવા માટે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના 'જઘન્ય અને કાયરતાપૂર્ણ' આતંકી હુમલાની 'કડક શબ્દો'માં ટીકા કરી.
UNSCના પ્રસ્તાવમાં એ વાતને પણ દોહરાવવામાં આવી કે દરેક પ્રકારના આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના સૌથી ગંભીર જોખમોમાંથી એક છે. સુરક્ષા પરિષદે આ ઘટનાના અપરાધીઓ, ષડયંત્રકારો, અને તેમને ફંડ ઉપલબ્ધ કરાવનારાને આ 'નિંદનીય કૃત્ય' માટે જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાયના દાયરામાં લાવવાની જરૂરિયાતને રેખાંકિત કરી. સંયુક્ત રાષ્ટ્રની 15 શક્તિશાળી દેશોની આ પરિષદે પોતાના નિવેદનમાં પાકિસ્તાનના આતંકી સમૂહ જૈશ એ મોહમ્મદનું પણ નામ લીધું.
આ પરિષદમાં ચીન વીટોની ક્ષમતા ધરાવતું સ્થાયી સભ્ય છે. તેણે પૂર્વમાં ભારત દ્વારા સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિ સામે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવાની માગણીના રસ્તામાં રોડો નાખ્યો હતો. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને તો આ હુમલામાં તેનો હાથ હોવાનો જ ઈન્કાર કર્યો છે. જ્યારે આખુ વિશ્વ જાણે છે કે જૈશ એ મોહમ્મદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન છે અને પાકિસ્તાની સેના સાથે તેના ગાઢ સંબંધ છે.
યુએનએસસી તરફથી જારી કરાયેલી એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા પરિષદના સભ્યો 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં જઘન્ય અને કાયરતાપૂર્ણ રીતે થયેલા આત્મઘાતી હુમલાની કડક નીંદા કરે છે. જેમાં ભારતના અર્ધસૈનિક દળના 40 જવાનો શહીદ થઈ ગયાં હતાં અને આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી. નિવેદનમાં આતંકવાદને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર જોખમોમાંથી એક ગણાવવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે