મુશર્રફને ભલે ફાંસીની સજા થઈ, પરંતુ PAK સેના જે ઈચ્છશે તે જ તેમની સાથે થશે
સ્પેશિયલ કોર્ટના આદેશ બાદ પાકિસ્તાનની સેનાએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે 40 વર્ષ સુધી સેના અને પાકિસ્તાનની સેવા કરનાર ગદ્દાર ન હોઈ શકે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પૂર્વ સેનાધ્યક્ષ પર દેશદ્રોહનો આરોપ સાબિત થયો છે. પરંતુ પાકિસ્તાનની સેનાનો સાથ મળ્યા બાદ એ વાતમાં દમ ઓછો લાગે છે કે પરવેઝ મુશર્રફને મોતની સજા થશે.
Trending Photos
ભારતમાં કેટલાક લોકો હિંસક પ્રદર્શન કરીને બંધારણને બચાવવાનો દાવો કરી રહ્યાં છે પરંતુ પાકિસ્તાન (Pakistan) માં બંધારણના ભંગ બદલ પૂર્વ રાષ્ટ્રપતિને ફાંસીની સજા થઈ છે. પાકિસ્તાનના રાજકારણમાં ષડયંત્ર હંમેશાથી એક મહત્વની ભૂમિકા ભજવતું જોવા મળ્યું છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) આવા જ ષડયંત્રવાળા રાજકારણનો જીવતો જાગતો પુરાવો છે. પાકિસ્તાનની ખાસ કોર્ટે 77 વર્ષના પરવેઝ મુશર્રફને રાજદ્રોહના મામલે ફાંસીની સજા સંભળાવી છે. સૌથી પહેલા આપણે જોઈએ કે મુશર્રફ પર કયા આરોપ લાગ્યા છે અને 77 વર્ષની ઉંમરે મુશર્રફ પોતાના જીવનના સૌથી મુશ્કેલ પડકારનો સામનો કરી શકશે ખરા? 9 વર્ષ સુધી પાકિસ્તાન પર શાસન કરનારા પરવેઝ મુશર્રફ પર પાકિસ્તાનમાં વર્ષ 2007માં ઈમરજન્સી લગાવીને બંધારણનો ભંગ કરવાનો આરોપ છે. વર્ષ 2013માં તેમના પર કેસ ચલાવાયો હતો. વર્ષ 2014માં આ કેસમાં મુશર્રફને દોષિત ગણવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વર્ષ 2016માં મુશર્રફે પાકિસ્તાન છોડી દીઉ અને ત્યારથી તેઓ દુબઈમાં રહીને પોતાની સારવાર કરાવી રહ્યાં છે.
પાકિસ્તાન (Pની સ્પેશિયલ કોર્ટે મુશર્રફને આદેશ આપ્યો હતો કે તેઓ 5 ડિસેમ્બર 2019ના રોજ કોર્ટમાં પોતાનું નિવેદન જમા કરાવે. ત્યારબાદ દુબઈની એક હોસ્પિટલમાંથી પરવેઝ મુશર્રફે એક વીડિયો સંદેશ રેકોર્ડ કરીને ન્યાયિક આયોગને મોકલી દીધુ. આ વીડિયોમાં તેમણે પોતાના ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપતા જણાવ્યું કે આ હાલાતમાં તેઓ પાકિસ્તાન જઈને પોતાનું નિવેદન નોંધાવી શકે તેમ નથી.
અલ્લાહ, આર્મી, અને અમેરિકા
એક કહેવત છે કે અલ્લાહ, આર્મી અને અમેરિકા, આ ત્રણેયની મરજીથી જ પાકિસ્તાનમાં તમામ નિર્ણયો લેવાય છે. પરંતુ કદાચ પરવેઝ મુશર્રફ સાથે આ ત્રણેય નથી. પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે બંધારણની Article 6 હેઠળ મુશર્રફને મોતની સજા સંભળાવી છે. પાકિસ્તાનના કાયદાના જાણકારોના જણાવ્યાં મુજબ વર્ષ 1973માં બનેલા આ કાયદા હેઠળ પહેલીવાર કોઈને ફાંસીની સજા થઈ છે. મુશર્રફે પાકિસ્તાનમાં ઈમરજન્સી કેમ લગાવી હતી? વર્ષ 1998માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનના સેનાધ્યક્ષ બનાવ્યાં હતાં. પરંતુ વર્ષ 1999માં જનરલ પરવેઝ મુશર્રફે તખ્તાપલટ કરીને પાકિસ્તાનની સત્તા પચાવી પાડી હતી. ત્યારબાદ વર્ષ 2008 સુધી તેમણે પાકિસ્તાનમાં શાસન કર્યું હતું.
વર્ષ 2007માં પરવેઝ મુશર્રફે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઈફ્તિખાર મુહમ્મદ ચૌધરીને પદથી હટાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ વકીલોએ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તત્કાલિન રાષ્ટ્રપતિ મુશર્રફે પાકિસ્તાનમાં ઈમરજન્સી લાગુ કરી હતી. વર્ષ 2013માં તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમના પર બંધારણને નેવે મૂકી નેતાઓ અને જજોની ધરપકડનો આરોપ છે.
વર્ષ 2014માં તેમને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. તેના વિરુદ્ધ મુશર્રફની અપીલ બાદ પણ આ કેસ ચાલતો રહ્યો અને હવે કેસમાં સજા સંભળાવવામાં આવી છે. વિશેષ કોર્ટના 3 જજોએ 2-1થી આ ચુકાદો આપવામાં આવ્યો છે. મુશર્રફ આ સજા વિરુદ્ધ આગામી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. પરંતુ નિયમ મુજબ પડકારવા માટે તેમણે પાકિસ્તાન જવું પડશે. હવે સવાલ એ છે કે દુબઈથી પરવેઝ મુશર્રફને પાકિસ્તાન કેવી રીતે લાવવામાં આવશે? આવા મામલાઓમાં UAE અને પાકિસ્તાન વચ્ચે કોઈ સ્પષ્ટ સંધિ નથી. એટલે કે જો પરવેઝ મુશર્રફની ફાંસીની સજા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ યથાવત રાખે તો પણ તેમને પાકિસ્તાન લાવવા એટલા સરળ નથી.
એક મુદ્દો એ પણ છે કે ઈમરાન ખાને ગત મહિને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સારવાર માટે લંડન જવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં કૌભાંડોના આરોપમાં ફસાયેલા નવાઝ શરીફને 7 વર્ષની સજા થઈ છે. તેમને મળેલી મંજૂરીમાં એ શરત પણ સામેલ છે કે બીમારી ઠીક થયા બાદ તેમણે પાકિસ્તાન પાછા ફરીને પોતાની સજા પૂરી કરવી પડશે. આવી સ્થિતિમાં દુબઈમાં પોતાની બીમારીની સારવાર કરાવી રહેલા પરવેઝ મુશર્રફને ઈમરાન ખાન કેવી રીતે પાછા લાવશે?
પાકિસ્તાની સેના નારાજ
આ બધા વચ્ચે સ્પેશિયલ કોર્ટના આદેશ બાદ પાકિસ્તાનની સેનાએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે 40 વર્ષ સુધી સેના અને પાકિસ્તાનની સેવા કરનાર ગદ્દાર ન હોઈ શકે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પૂર્વ સેનાધ્યક્ષ પર દેશદ્રોહનો આરોપ સાબિત થયો છે. પરંતુ પાકિસ્તાનની સેનાનો સાથ મળ્યા બાદ એ વાતમાં દમ ઓછો લાગે છે કે પરવેઝ મુશર્રફને મોતની સજા થશે.
હકીકતમાં મુશર્રફને ફાંસીની સજા થઈ છે. તેની પાછળ પાકિસ્તાનની બદલાવાળી રાજનીતિ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે મુશર્રફ દૂધે ધોયેલા છે. વર્ષ 1999માં પાકિસ્તાનના તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફે કારગિલમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર થયેલા સંઘર્ષમાં પાકિસ્તાન હાર્યું હતું.
કારગિલ યુદ્ધ
કારગિલ યુદ્ધના થોડા મહિનાઓ બાદ તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને સેનાધ્યક્ષ પદેથી હટાવ્યાં હતાં. એટલું જ નહીં વિદેશ પ્રવાસેથી પાછા ફરેલા જનરલ મુશર્રફના પ્લેનને પાકિસ્તાનમાં ઉતરવા પણ દીધુ નહતું. સેનાએ ગણતરીના કલાકોમાં તખ્તાપલટ કરીને પાકિસ્તાનની સત્તા પર મુશર્રફને બેસાડી દીધા હતાં. પાકિસ્તાનમાં લોકો મુશર્રફ પર હત્યાનો આરોપ પણ લગાવતા રહ્યાં છે.
વર્ષ 2006માં સેનાએ હુમલો કરીને બલુચિસ્તાનના રાષ્ટ્રવાદી નેતા નવાબ અકબર ખાન બુગતીની હત્યા કરી હતી. કહેવાય છે કે આ હુમલા પાછળનો તત્કાલિન આદેશ રાષ્ટ્રપતિ મુશર્રફે જ આપ્યો હતો. ત્યારબાદ બલુચિસ્તાનમાં પાકિસ્તાનના જુલ્મો અને તેમના વિરુદ્ધ વિરોધ વધતો ગયો. બલુચિસ્તાનની આઝાદીનો સંઘર્ષ આજે પણ ચાલુ છે.
પરવેઝ મુશર્રફ પર વધુ એક આરોપ એ છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાનો તેમણે આદેશ આપ્યો હતો. વર્ષ 2007માં પાકિસ્તાનના રાવલપિંડીમાં એક ચૂંટણી રેલી સંબોધવા આવેલા બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ હતી. પરંતુ મુશર્રફે આ આરોપો ફગાવ્યાં હતાં.
મુશર્રફ પાકિસ્તાનની સત્તા છોડ્યા બાદ 2008થી લઈને 2013 સુધી પાકિસ્તાનની બહાર રહ્યાં હતાં. લગભગ 5 વર્ષ બાદ પાકિસ્તાનમાં ચૂંટણી અગાઉ મુશર્રફ પાછા ફર્યા હતાં. આ જવર્ષે તેમના પર દેશદ્રોહ કેસની સુનાવણી માટે ખાસ કોર્ટ બનાવવામાં આવી હતી. આ સમય તેમના જીવનનો સૌથી ખરાબ સમય હતો.
સેના અને તખ્તાપલટ
પાકિસ્તાનમાં ફાંસીની સજાને એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવાય છે. એવું લાગે છે કે જેવા સત્તામાંથી બહાર ઝાય છે કે નેતાઓ માટે જેલના દરવાજા ખુલી જાય છે. વર્ષ 2018માં પૂર્વ પીએમ નવાઝ શરીફને 7 વર્ષની જેલની સજા થઈ હતી. કદાચ આ જ કારણે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મુશર્રફના પક્ષમાં નિવેદન આપ્યું છે. જ્યારે 20 વર્ષ પહેલા 1999માં મુશર્રફે જ નવાઝ શરીફ સરકારનો તખ્તાપલટ કર્યો હતો. ત્યારબાદ આજે પણ નવાઝ અને મુશર્રફ સાથે જોવા મળે છે.
હાલ પાકિસ્તામાં ઈમરાન ખાન પીએમ છે પરંતુ તેમને પણ ઈલેક્ટેડ નહીં પરંતુ સિલેક્ટેડ વડાપ્રધાન કહે છે. કહેવાય છે કે તેઓ એક કઠપૂતળીની જેમ પાકિસ્તાનની સેનાના આદેશોનું પાલન કરે છે. પાકિસ્તાનમાં ગત 72 વર્ષમાં લગભગ 31 વર્ષ સુધી સૈન્ય શાસન રહ્યું છે. જેની શરૂઆત પાકિસ્તાનના આઝાદી મળ્યાના 11 વર્ષ બાદ જ શરૂ થઈ ગઈ હતી.
વર્ષ 1958માં જનરલ અયુબ ખાને પહેલીવાર માર્શલ લો લગાવ્યો હતો. જે પાકિસ્તાનમાં સેનાના તાનાશાહીવાળા શાસનની શરૂઆત હતી. વર્ષ 1977માં પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઝિયા ઉલ હકે તત્કાલિન વડાપ્રધાન ઝૂલ્ફિકાર અલી ભૂટ્ટોનો તખ્તાપલટ કર્યો હતો. વર્ષ 1979માં ઝૂલ્ફિકાર અલી ભૂટ્ટોને ફાંસીને સજા અપાઈ હતી. ભૂટ્ટો પર આરોપ હતો કે તેમણે પોતાના રાજકીય વિરોધીઓની હત્યા કરાવી હતી. એટલે કે ફક્ત 2 વર્ષથી ઓછા સમયના ગાળામાં ઝૂલ્ફિકાર અલી ભૂટ્ટો પર કેસ ચાલ્યો અને ચુકાદો પણ આવી ગયો હતો.
આ VIDEO પણ ખાસ જુઓ...
તે જ વખતે બેનઝીર ભૂટ્ટોની પણ ધરપકડ થઈ. વર્ષ 1977થી 1984 વચ્ચે તે અનેકવાર જેલમાં ગયા અને છૂટ્યા. ત્યારબાદ લંડન જઈને રહેવા લાગ્યા હતાં. ભ્રષ્ટાચારના આરોપોના કારણે જ બેનઝીરે વર્ષ 1999માં પાકિસ્તાન છોડ્યું. જો કે વર્ષ 2007માં પાકિસ્તાનમાં એક ચૂંટણી રેલીમાં તેમની હત્યા થઈ.
સેના ઈચ્છશે તે જ થશે
વર્ષ 1988માં જ્યારે જનરલ ઝિયાઉલ હકનું વિમાન બહાવલપુરના રણમાં પડ્યું ત્યારથી લઈને અત્યાર સુધી તેના અંગે અનેક ષડયંત્રો પર ખુબ ચર્ચા થઈ છે. અનેક લોકો હજુ પણ માને છે કે જનરલ ઝિયા ઉલ હકનું મોત એક સાધારણ વિમાન દુર્ઘટનામાં નહીં પરંતુ ષડયંત્રનું પરિણામ હતું.
આમ પણ પાકિસ્તાનમાં સેનાના જનરલો દ્વારા થતા તખ્તાપલટ કોઈ નવી વાત નથી. આ જ કારણ છે કે જનતા લોકતંત્ર પર ઓછો ભરોસો ધરાવે છે. વર્ષ 2012માં થયેલા એક રિસર્ચ મુજબ પાકિસ્તાનમાં ફક્ત 42 ટકા લોકો લોકતંત્રના પક્ષમાં હતાં. સમગ્ર દુનિયા જાણે છે કે પાકિસ્તાન લોકતંત્રથી ચાલતો દેશ નથી. પરંતુ ત્યાં સેના જે ઈચ્છે છે તે જ તે કરે છે. પાકિસ્તાનમાં સેના જેને ઈચ્છે તેને વડાપ્રધાન બનાવે છે અને જેને ઈચ્છે તેને રસ્તેથી હટાવે છે. પરવેઝ મુશર્રફની સાથે પણ એ જ થશે જે પાકિસ્તાનની સેના ઈચ્છશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે