Vibrant Gujarat: કોઈએ ₹2 લાખ કરોડ, કોઈએ ₹38000 કરોડ... અંબાણી, અદાણી, ટાટા, સુઝુકીએ ગુજરાત માટે ખોલી દીધી તિજોરી

investment in gujarat : વાઈબ્રન્ટ ગુજરાતમાં ટાટા, મિત્તલ, સુઝુકીનો ગુજરાતમાં પોતાનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ખુલ્લો કર્યો. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ફોર્ચ્યુન 500માંની ગણાતી ટોપ કંપનીના વડાઓએ મોટા રોકાણની જાહેરાત કરી 
 

Vibrant Gujarat: કોઈએ ₹2 લાખ કરોડ, કોઈએ ₹38000 કરોડ... અંબાણી, અદાણી, ટાટા, સુઝુકીએ ગુજરાત માટે ખોલી દીધી તિજોરી

Vibrant Gujarat: ગુજરાતને લીલાલહેર થવાની છે. મોદીની હાજરીમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશ અને દુનિયાની કંપનીઓના સીઈઓએ ભાગ લીધો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને ટાટા સન્સે ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. માઇક્રોન, સુઝુકી જેવી મોટી કંપનીઓએ પણ ગુજરાતમાં તેમની રોકાણ યોજનાઓનું અનાવરણ કર્યું છે.

Vibrant Gujarat: ગુજરાતમાં હાલમાં સૌથી મોટો પ્રસંગ ચાલી રહ્યો છે. UAEના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન બન્યા છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસર પર UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ સહિત વિશ્વના ઘણા નેતાઓ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગ નેતાઓએ ભાગ લીધો હતો. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા ગ્રુપના એન ચંદ્રશેકરન, લક્ષ્મી મિત્તલ અને નિખિલ કામત જેવા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો હતો. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કંપનીઓએ ગુજરાત માટે મોટા રોકાણની જાહેરાત કરી હતી. અદાણી, મારુતિ સુઝુકી, ટાટા, રિલાયન્સ જેવી મોટી કંપનીઓએ ગુજરાતમાં તેમની રોકાણ યોજનાઓ જાહેર મંચ પરથી જાહેર કરી છે.

ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ 
રિલાયન્સ માટે ગુજરાત એ બીજુ ઘર છે. આજની સમીટમાં મુકેશ અંબાણીએ મસમોટી જાહેરાતો કરી હતી અને એકબાદ એક 5 વચન આપ્યા હતા. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ભાષણની શરૂઆત 'મોદી હૈ તો મુમકીન હૈ' શબ્દોથી કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત હંમેશાથી તેમની કર્મભૂમી રહી છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાંથી ત્રીજા ભાગનું રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું છે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે રિલાયન્સ આગામી 10 વર્ષ સુધી ગુજરાતના ગ્રીન એનર્જી સેક્ટરમાં તેનું રોકાણ ચાલુ રાખશે. 2030 સુધીમાં રિલાયન્સ ગુજરાતના લગભગ અડધા ભાગની ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરશે. રિલાયન્સે જામનગરમાં 5000 એકર વિસ્તારમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આ રોકાણથી ગ્રીન જોબ્સનું સર્જન થશે.

2025 સુધીમાં રૂ. 55 હજાર કરોડના રોકાણનું લક્ષ્ય 
અદાણીના દિવસો બદલાઈ રહ્યાં છે. આજે અદાણી ગ્રુપે ગુજરાત માટે મોટા રોકાણની જાહેરાત કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાના સંબોધનમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારત 2047 સુધીમાં પૂર્ણ રીતે વિકસિત થઈ જશે. અદાણી જૂથ વર્ષ 2025 સુધીમાં રૂ. 55 હજાર કરોડના રોકાણના લક્ષ્ય સાથે કામ કરી રહ્યું છે, જેમાંથી રૂ. 50 હજાર કરોડનું રોકાણ થઈ ગયું છે. અદાણી ગ્રુપ કચ્છના ખાવડામાં 30 GW નો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપશે. આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેમાં 1 લાખ લોકોને રોજગારી પણ મળશે. તેમણે કહ્યું કે અમે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો 30 GW ક્ષમતાનો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે. અદાણી આ પ્રોજેક્ટમાં મોટા પાયે રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જીનો પ્રોજેક્ટ છે. 

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, 'ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે ભારત આગામી 25 વર્ષના લક્ષ્યો પર કામ કરી રહ્યું છે. ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું છે. આ 25 વર્ષનો કાર્યકાળ એ ભારતનો અમૃતકાળ છે... આ અમૃતકાળમાં આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે, તેથી તેનું મહત્વ વધુ વધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-UAE સંબંધોને વધુ ગાઢ બનાવવાનો શ્રેય સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને આપ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, "ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આજે ભારતે વિશ્વને વિશ્વાસ અપાવ્યો છે કે આપણે સમાન લક્ષ્યો નક્કી કરી શકીએ છીએ અને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, ભારતની વફાદારી, ભારતના પ્રયાસો અને ભારતની સખત મહેનત. કામ આજના વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કહ્યું છે કે અમે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધીમાં અમે ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ટાટાના EV પ્રોજેક્ટ માટે ગુજરાત બીજું ઘર 
ટાટાની નેનો પણ ગુજરાતના સાણંદમાં આવી હતી. ટાટા જૂથનો ગુજરાત સાથે જૂનો નાતો છે. ટાટાસનના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ગુજરાત અને ટાટા વચ્ચેના સંબંધો વર્ષો જૂના છે. ટાટા 1939 થી ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં ટાટાની 21 કંપનીઓ છે, ગુજરાતમાં 50000થી વધુ ટાટા કર્મચારીઓ કામ કરે છે. તેમણે કહ્યું કે ગુજરાત ટાટાના EV પ્રોજેક્ટ માટે ઘર જેવું છે. તેમણે કહ્યું કે ટાટા બરોડાથી ધૌલેરા સુધી C295 સંરક્ષણ વિમાન વિકસાવશે. તેમણે કહ્યું કે આગામી બે મહિનામાં 20-GW બેટરી સ્ટોરેજ ફેક્ટરી ગુજરાતમાં કાર્યરત થશે. તેમણે કહ્યું કે સાણંદ અમારા તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે ટેકનોલોજીનું ઘર બની રહ્યું છે. અમે વધારાની ક્ષમતા સાથે ત્યાં અમારી હાજરીને વિસ્તારીશું. જેને પગલે ગુજરાતને પણ જબરદસ્ત ફાયદો થશે.

સુઝુકી મોટર્સ કરશે 38200 કરોડનું રોકાણ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા મારુતિ સુઝુકી મોટર્સના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે કંપની આ વર્ષના અંત સુધીમાં પ્રથમ બેટરી ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરશે. જેને ગુજરાતમાંથી લોન્ચ કરવામાં આવશે. સુઝુકી મોટર ગુજરાતમાં રૂ. 3200 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે કંપની ગુજરાતમાં નવી પ્રોડક્શન લાઇન માટે રૂ. 3200 કરોડનું રોકાણ કરશે, જ્યારે બીજા પ્લાન્ટ માટે રૂ. 35000 કરોડનું રોકાણ કરશે. એકંદરે, સુઝુકીએ ગુજરાતમાં રૂ. 38200 કરોડની મોટી રોકાણ યોજના રજૂ કરી હતી.

ડીપી વર્લ્ડ 3 બિલિયનનું કરશે રોકાણ
અમીરાતની લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં $3 બિલિયનનું વધારાનું રોકાણ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની કંપની કંડલા પોર્ટ પર 2 મિલિયન કન્ટેનરની ક્ષમતાવાળું કન્ટેનર ટર્મિનલ બનાવશે. આ સિવાય આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે તેમની કંપની વર્ષ 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી સ્થાપશે. માઈક્રોનના સીઈઓ સંજય મલ્હોત્રાએ તેમના સેમિકન્ડક્ટર પ્લાન વિશે માહિતી આપી હતી. આમ વાઈબ્રન્ટ ગુજરાત રોકાણકારો માટે સૌથી મોટો મંચ બની રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news