કોરોના કાળમાં આટલી અલગ હશે સ્ટાર્સની દિવાળી, જાણો કોણ શું કરી રહ્યું છે મિસ

મહામારીએ દિવાળી ઉજવવાનો અંદાજ પણ ચોક્કસથી બદલ્યો છે. દર વર્ષ જેવી દિવાળી આ વર્ષે નહીં હોય. ત્યારે આપણા ગુજરાતી કલાકારો કેવી રીતે દિવાળીની ઉજવણી કરવાના છે, જાણીએ એમની જ પાસેથી.

કોરોના કાળમાં આટલી અલગ હશે સ્ટાર્સની દિવાળી, જાણો કોણ શું કરી રહ્યું છે મિસ

ફાલ્ગુની, લખાની, અમદાવાદ:  કોરોના મહામારીએ સૌના જીવનમાં મોટા ફેરફાર લાવ્યા છે. આપણા જીવન જીવવાની રીત બદલી નાખી છે. હવે આ જ કોરોના કાળમાં આવી રહ્યો છે વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી. મહામારીએ દિવાળી ઉજવવાનો અંદાજ પણ ચોક્કસથી બદલ્યો છે. દર વર્ષ જેવી દિવાળી આ વર્ષે નહીં હોય. ત્યારે આપણા ગુજરાતી કલાકારો કેવી રીતે દિવાળીની ઉજવણી કરવાના છે, જાણીએ એમની જ પાસેથી.

કૌશાંબી ભટ્ટ
નેશનલ અવૉર્ડ વિજેતા અભિનેત્રી કૌશાંબી ભટ્ટ આમ તો શૂટમાં બિઝી હોય છે પરંતુ જેવી દિવાળીની રજા મળે કે તરત જ ફરવા ઉપડી જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી કૌશાંબી માતા સાથે દિવાળીમાં  ટ્રિપ પર જાય છે. જો કે, આ વર્ષ કોરોનાના કારણે આવું નહીં થઈ શકે. ZEE 24 કલાક સાથે વાત કરતા કૌશાંબી કહે છે કે, હું અમારી ટ્રિપ્સને સૌથી વધુ મિસ કરીશ. સાથે દિવાળીની તૈયારી વિશે કૌશાંબીએ કહ્યું કે, 'કોરોના મહામારીને જોતા અમે નક્કી કર્યું છે કે, બહુ બધા લોકો ઘરે ભેગા નહીં થઈએ અને મળવા પણ નહીં જઈએ. તમામ સાવચેતીઓ સાથે તહેવારોનું ઉજવણી કરીશું.'

પોતાનો દિવાળી પ્લાન અમારી સાથે શેર કરતા કૌશાંબીએ કહ્યું કે, આ વખતે હું મારા કઝિન્સ સાથે દિવાળી મનાવીશ. પરિવાર સાથે તહેવારો ઉજવવાની મજા જ કાંઈક અલગ છે. અમે મળીશું, મસ્તી કરીશું, પરંતુ તમામ સાવધાનીઓ સાથે. સાથે જ ચાહકોને અપીલ કરતા કૌશાંબીએ કહ્યું કે, કોરોનાની નેગેટિવિટી તમારા સુધી ન પહોંચવા દો, છૂટ મળવા માંડી એટલે તેને હળવાશમાં ન લો. તમામ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ઉજવણી કરો.

બંસી રાજપૂત
ગુજરાતી ટીવીના દર્શકો માટે બંસી રાજપૂત અજાણ્યું નામ નથી. એન્કરથી એક્ટર સુધીની તેમની સફરના દર્શકો સાક્ષી રહ્યા છે. કોરોના કાળમાં ઉજવાઈ રહેલી દિવાળીમાં શું મિસ કરશે, તે વિશે ZEE 24 કલાક સાથે વાત કરતા બંસીએ કહ્યું કે, 'મારા માટે આ દિવાળી યાદગાર રહેશે. કારણ કે વર્ષો બાદ મને એવો સમય મળ્યો છે જ્યારે હું ઘરે દિવાળી સેલિબ્રેટ કરીશ. આ દિવાળીમાં સાફ સફાઈથી લઈને ઉજવણી સુધી ઘરે છું. ત્યારે સાફ-સફાઈ કરતા મને મારી બાળપણની યાદો પાછી મળી. જે મારા માટે સૌથી યાદગાર અનુભવ છે.'

ફટાકડા ફોડવા પર બંસી કહે છે કે, આમ તો હું ફટાકડા નથી ફોડતી. પણ મને આતશબાજી અને કોઠી ગમે છે. દિવાળીમાં લોકો ફરવા જવાનું પણ પસંદ કરે છે, જેના પર બંસી કહે છે કે, કોરોનાના સમયમાં સાવચેતી સાથે ફરવું જોઈએ. સાથે જ બંસી ટેક્નોલોજીના માધ્યમથી ગેટ ટુ ગેધર કરવાનું અને સુરક્ષિત રીતે તહેવારો ઉજવવાનું સજેશન આપે છે.

મહેક ભટ્ટ
જાણીતી ગુજરાતી ધારાવાહિક સાવજ એક પ્રેમ ગર્જનામાં તોરલનું પાત્ર ભજવીને ફેમસ થયેલા મહેક ભટ્ટ પરિવાર સાથે ઘરમાં રહીને જ દિવાળીની ઉજવણી કરવાના છે. મહેકે તો આ વખતે ખાસ ઘરે મિઠાઈઓ બનાવી છે અને પોતે જ તેની ડિલીવરી કરે છે. જાતે દિવા પણ બનાવ્યા છે. જેને તેઓ લોકો સુધી પહોંચાડે છે.

મહેક કહે છે કે, આ વખતે તેઓ નવા વર્ષના દિવસે પરિવાર સાથેના મેળાવડાઓ ખાસ મિસ કરશે. જે હર્ષોલ્લાસ અને આનંદ સાથે સૌ કોઈ મળતા હોય છે, તે ઉષ્માને આ વખતે તેઓ મિસ કરશે. પરંતુ ટેક્નોલોજીની મદદથી તેઓ પરિવારજનો સાથે ગ્રુપ વીડિયો કૉલથી મસ્તી જરૂર કરશે.

કોરોના કાળમાં દિવાળી ઉજવવા માટે મહેક સંદેશ આપતા કહે છે કે, કોરોનાને નેગેટિવલી ન લો. આ જ કોરોનાના કારણે વર્ષો પછી તેમને પરિવાર સાથે સમય વિતાવવા મળ્યો છે. નાની-નાની વસ્તુઓની મજા માણો અને કોરોનાવાળી દિવાળીને યાદગાર બનાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news