ઇતિહાસમાં પ્રથમવાર રથયાત્રામાં વિઘ્ન! જગન્નાથજીનો રથ ખેંચવાનું દોરડું તૂટ્યું, છતાં ભક્તોની આસ્થા ન તૂટી
રથ ખેંચવાનું દોરડું ભલે તૂટ્યું હોય પરંતુ રથયાત્રામાં અતૂટ શ્રધ્ધા સાથે જોડાયેલા ભક્તોની આસ્થા નહોતી તૂટી. ભક્તોએ દોરડું તૂટતાંની સાથે જ રથ ન રોકાય તેના માટે ત્વરિત માનવ સાંકળ રચી હતી.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરા શહેરને સંસ્કારી નગરી કેહવામા આવે છે એટલા માટે જ આ શહેરમાં દરેક તહેવાર તેમજ ધાર્મિક પ્રસંગો ની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. વડોદરા પોતાની સાંસ્કૃતિક છબી ને કારણે અલગ તરી આવે છે ત્યારે અહી દર વર્ષે અષાઢી બિજ ના દિવસે ભગવાન જગન્નાથ જી ની ભવ્ય રથ યાત્રા નું આયોજન કરવામાં આવે છે. આજરોજ વડોદરા શહેર ખાતે ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા 42 મી રથ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ની સંખ્યા માં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ જય જગન્નાથ ના નાદ સાથે શહેર ના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.
વડોદરા શહેર ના રેલવે સ્ટેશન ખાતે થી બપોરે ત્રણ વાગ્યે ભગવાન જગન્નાથ જી ની ભવ્ય રથ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ધીરેધીરે રથ યાત્રા કાલાઘોડા તરફ આગળ વધી હતી દરમિયાન એમ.એસ યુનિવર્સિટી ની બિલકુલ બહાર જ રથ યાત્રા ને મોટું વિઘ્ન નડ્યું હતું. એક તરફ હજારોની સંખ્યામાં ઉમટેલા ભાવિ ભક્તો ધન્યતા અનુભવવા માટે દોરડા વળે રથ ખેંચવાનો લ્હાવો ચૂકવા નહોતા માંગતા તેવામાં અચાનક જ રથ ખેંચવા માટેના મજબૂત દોરડાના બે ટુકડા થઈ ગયા હતા.
રથ ખેંચવાનું દોરડું ભલે તૂટ્યું હોય પરંતુ રથયાત્રામાં અતૂટ શ્રધ્ધા સાથે જોડાયેલા ભક્તોની આસ્થા નહોતી તૂટી. ભક્તોએ દોરડું તૂટતાંની સાથે જ રથ ન રોકાય તેના માટે ત્વરિત માનવ સાંકળ રચી હતી અને રથને આગળ ધપાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી હતી.
ઉલ્લેખનીય છે કે એમ એસ યુનિવર્સિટી પાસે ચાલુ યાત્રામાં જ અચાનક રથનું દોરડું તૂટતાં રથને જોરદાર ઝટકો વાગ્યો હતો. જેના કારણે ભગવાન સાથે રથમાં સવાર આગેવાનો તેમજ ભક્તોના જીવ તાળવે ચોંટયા હતા. પરંતુ જગતના નાથ એવા જગન્નાથની કૃપાથી કોઈને પણ ઇજા પહોંચી નહોતી.
શહેરમાં ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રામાં શહેરના નાગરિકો સહિત વિદેશી ભક્તો પણ જોડાયા હતા. મેયર સહિતના પદાધિકારીઓએ સુવર્ણ ઝાડુથી યાત્રાનો માર્ગ સાફ કર્યો હતો અને બાદમાં રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉલેખનીય છે કે વર્ષમાં માત્ર એક વખત જ્યારે ભગવાન જગન્નાથ ભક્તો ને દર્શન આપવા માટે નગર ચર્યા એ નીકળતા હોય છે ત્યારે ભગવાન ની એક ઝલક જોવા માટે હજારો ભક્તો રાજમાર્ગ પર ઉતરી આવતા હોય છે.જેથી જ રાજમાર્ગો પરના ભક્તો માટે 35 ટન શીરાના પ્રસાદ ની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીના રથને કલાકારોએ ભાતીગળ રંગોથી દૈદીપ્યમાન કર્યો હતો ત્યારે આ રથ એ પોતાનું આગવું આકર્ષણ જમાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે