)
Monsoon 2024: ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 02 જળાશયો એલર્ટ પર અને 01 જળાશય વોર્નિંગ પર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. આ ઉપરાંત SSNNL વિભાગના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં, ઈસરોના અધિકારી દ્વારા જૂન માસમાં સંભવિત વરસાદની શક્યતાઓ અંગે ફોરકાસ્ટની તેમજ કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટીગમાં CWC-Mahi & Tapi Division, ફોરેસ્ટ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS વિભાગના તથા ઈન્ડિયન આર્મીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.