વડોદરાવાસીઓને નવી આફત! શહેરમાં પાણી ઓસર્યા બાદ શું આવી સૌથી મોટી આફત?
વિશ્વામિત્રીએ વડોદરામાં કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય છે. આ જ મગરો હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘૂસી પોતાની હાજરી પુરાવી રહ્યા છે.
Trending Photos
Vadodara Heavy Rains: વડોદરામાં મુશળધાર વરસાદ અને જળમગ્ન થયેલી વિશ્વામિત્રીએ એવો વિનાશ વેર્યો છે કે હવે તેના દ્રશ્યો સામે આવ્યા છે. ચારે બાજુ તારાજી જોવા મળી રહી છે, તો જેના માટે વિશ્વામિત્રી ઓળખાય છે તે મગરો હવે શહેરમાં ઘૂસી ગયા છે. ક્યાંક ઘરમાં તો ક્યાંક રોડ પર મગરો ફરી રહ્યા છે. તો ક્યાં છત પર મગરો દેખાઈ રહ્યા છે. કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે કાળા માથાનો માનવી કંઈ જ નથી કરી શક્તો. તેને માત્ર લાચાર બનીને કુદરતના કોપને જોવાનો જ હોય છે.
હવે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હવે તારાજીના જે દ્રશ્યો તે તમે જુઓ દુકાનદારને લાખોનું નુકસાન થયું છે. પાણી થોડા ઓસરતાં દુકાનદાર પોતાનો થોડો ઘણો જે સામાન બચ્યો તેને બહાર કાઢી રહ્યો છે. તો પાણીના અધધ પ્રવાહમાં તણાયેલા વાહનો અલગ અલગ વિસ્તારમાં પહોંચી ગયા છે. અનેક લોકો એવા છે જેમને એ નથી ખબર કે તેમનું વાહન આખરે છે ક્યાં? તો આ તારાજીમાં દેવદૂત બની છે આપણી ભારતીય સેના જવાનો જવાનો પાણી વચ્ચે પહોંચીને લોકોને ભોજન પહોંચાડી રહ્યા છે. તો વિશ્વામિત્રીના મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં ડરનો માહોલ છવાયો છે.
- વડોદરામાં વિશ્વામિત્રીએ વેર્યો વિનાશ
- શહેરમાં નજર કરીએ ત્યાં તારાજી
- પાણી ઓસર્યા પણ મુશ્કેલી હવે શરૂ થઈ
- વિશ્વામિત્રીના મગરો શહેરમાં ઘૂસ્યા
- શહેર ઘૂસેલા મગરોથી શહેરીજનોમાં ડર
વિશ્વામિત્રીએ વડોદરામાં કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય છે. આ જ મગરો હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘૂસી પોતાની હાજરી પુરાવી રહ્યા છે. આ વિશાળકાય મગર શહેરની શાન કહેવાતી એમ.એસ.યુનિવર્સિટીમાં ઘૂસ્યો છે. આર્ટ્સ ફેકલ્ટી પાસે ઘૂસેલો આ 9 ફૂટનો મગર કોઈનો પણ જીવ લઈ શકે છે...મગર જ્યારે યુનિવર્સિટીમાં જોવા મળ્યો તો દોડધામ મચી ગઈ હતી. જો કે તાત્કાલિક વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ અને મગરનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું...વન વિભાગને પણ આ મગરને પકડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મગર જલદી પકડમાં આવે તેમ ન હતો. જો કે કલાકોને મહેનત બાદ આખરે તેનું સફળ રેસ્ક્યૂ કરાયું હતું.
જે મગર નદી અને પ્રાણી સંગ્રાહલયમાં જોવા મળતાં હોય છે તે મગર વડોદરામાં લોકોના ઘરમાં જોવા મળી રહ્યા છે. વિશ્વામિત્રીના પાણી વડોદરા શહેરમાં ઘૂસતાં તેની સાથે મગરોએ પણ પોતાનું સરનામું બદલ્યું અને તેમણે શહેરીજનો વચ્ચે ધામા નાંખ્યા...દ્રશ્યોમાં દેખાતો વિશાળકાય મગર કામનાથ નગરમાં ઘૂસ્યો છે. 15 ફૂટનો આ મગર સતત જગ્યા બદલી રહ્યો હતો...ફાયર વિભાગની ટીમે આખરે નરહરી હોસ્પિટલ પાસેથી રેસ્ક્યૂ કર્યું. રેસ્ક્યૂ ટીમને આ મગરને પકડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી.
વડોદરામાં વિશ્વામિત્રીનું પાણી કેવું અને કેટલું ભરાયું હશે તે આ દ્રશ્યો પરથી જ તમે સમજી જશો એક વિશાળ મગર ઘરની છત પર ચડી ગયો છે. પુરનું પાણી આખુ ઘર ડૂબી તેટલું અહીં હતું. તેના જ કારણે મગર છત પર પહોંચી ગયો છે. અકોટા સ્ટેડિયમના આ દ્રશ્યો ખુબ જ ડરામણાં છે. મગરના દ્રશ્યો જોવા મળતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે બાદમાં રેસ્ક્યૂ ટીમે દોરડાની મદદથી મગરને નીચે ઉતાર્યો અને ફરી નદીમાં છોડી દીધો હતો.
વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઓસરતાં લોકોને રાહતનો શ્વાસ લીધો. પણ હવે જ્યારે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે તો મગરો શહેરમાં બિન્દાસ્ત ફરી રહ્યા છે. 10 ફૂટનો આ વિશાળકાય મગર અવસર પાર્ટી પ્લોટ વિસ્તારમાં જોવા મળ્યો હતો. ઘૂંટણ સુધી ભરાયેલા પાણી વચ્ચે આ મગર મોજ પાણી રહ્યો હતો. પરંતુ આ મગર શહેરીજનો માટે ડરનું કારણ હતો...રેક્સ્યૂ ટીમે તાત્કાલિક મગરનું રેસ્ક્યૂ કર્યું. આ મગર રહેણાંક વિસ્તારના રોડ પર આમ તેમ ફરી રહ્યો હતો. જો કે ભારે જહેમત પછી મગરને ઝડપી પાંજરે પુર્યો હતો.
વડોદરામાં વિશ્વામિત્રીના મગરની સૌથી ભયાનક આ તસ્વીર જુઓ. મગરના જડબાં ડભોઈના રાજપુરા ગામનો 35 વર્ષનો એક યુવાન છે. અમિત વસાવા નામના યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો. વન વિભાગે ઘણાં પ્રયાસો યુવાનને બચાવવાના કર્યા. પરંતુ યુવાનને બચાવી ન શકાયો. રેસ્ક્યૂ ટીમ માંડ માંડ લાશને મગરના જડબાંમાંથી છોડાવી પરંતુ ત્યાં સુધી લાશ અસ્તવ્યસ્ત હાલતમાં થઈ ગઈ હતી. આ ઘટના પરથી જ સમજી શકાય છે કે મગરનો આતંક વડોદરામાં કેવો છે?
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને મગરોની નદી પણ કહેવાય છે. વડોદરામાં જ્યારે જ્યારે પુર આવે ત્યારે ત્યારે પાણી કરતાં વધારે ખતરો મગરોને રહેતો હોય છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. નદીના મગરો શહેરમાં ઘૂસી જતાં લોકોનો જીવ લઈ રહ્યા છે. વડોદરા શહેર હવે મગરગ્રસ્ત બની ગયું છે. કોપાયમાન થયેલી કુદરત હવે ખમૈયા કરે અને લોકોને રાહત આપે તે જરૂરી બન્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે