સાયબર ફ્રોડના કેસમાં ઉછાળો! ફોન કોલ અને મેસેજમાં આવેલી લિંક ખોલતા જ એકાઉન્ટ થઈ જશે ખાલી...
જો તમારા મોબાઇલમાં રીંગ રણકે અને અજાણ્યા નંબર હોય તો થઈ જજો સાવધાન...આ ફોન કોલ સાયબર હેકરનો પણ હોઈ શકે છે. જે તમને વાતોમાં ફસાવીને તમારૂં બેંક એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં કરી શકે છે ખાલી.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો થયો છે. ક્યાંક મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી આવતો ફોન તો ક્યાંક મેસેજમાં આવેલી લિંક આપને પહોંચાડી શકે છે નુકસાન...આપની જરાક ચૂક આપના બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. આ અમે આપને એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, સાયબર ક્રાઇમના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે જે ચિંતાજનક છે. જૂઓ સાયબર ક્રાઇમ કરતા હેકરો કેવી રીતે આપે છે ફ્રોડને અંજામ અમારા આ રિપોર્ટમાં..
જો તમારા મોબાઇલમાં રીંગ રણકે અને અજાણ્યા નંબર હોય તો થઈ જજો સાવધાન...આ ફોન કોલ સાયબર હેકરનો પણ હોઈ શકે છે. જે તમને વાતોમાં ફસાવીને તમારૂં બેંક એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં કરી શકે છે ખાલી...ગુજરાતમાં કોઇ એવી વ્યક્તિ નહિ હોય જેના મોબાઇલ ફોનમાં ફેક કોલ નહિ આવતા હોય,કોઇ સ્કિમના બ્હાને,કોઇ લોનના બ્હાને,કોઇ લાલચ આપીને તો ક્યારેક મદદના બ્હાને આપને ફોન આવે છે અને તમને જાણ પણ ન હોય તે રીતે આપનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. સાયબર ચાંચીયાઓ કઇ કઇ રીતે લોકોને છેતરી રહ્યા છે તેની મોડસ ઓપરેન્ડીનો ઝી 24 કલાક કરશે પર્દાફાશ...
રાજકોટ શહેરની વાત કરીએ તો દરરોજ 80 જેટલી અરજીઓ સાયબર ફ્રોડની આવે છે. ગત વર્ષે 3500 જેટલી ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી જેમાં 14.50 કરોડની છેતરપિંડી થઇ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 7 મહિનામાં જ 2900 ફરિયાદ નોંધાઇ છે જેનો આંકડો રૂ. 16.50 કરોડ સુધી પહોંચ્યો છે. હજુ તો વર્ષના અંત સુધીમાં આ આંકડો વધવાની શકયતા છે. આ આંકડા પરથી આપ સમજી શકો છો કે સાયબર હેકરોની જાળ કેટલે સુધી ફેલાયેલી છે અને તેઓ દરરોજ કેટલા રૂપિયાની ગોલમાલ કરે છે.આ આંકડાઓ માત્ર રાજકોટ શહેરના છે જ્યારે આ પરથી ગુજરાતની સ્થિતિ સમજી શકાય છે.
કઇ કઇ રીતે થાય છે છેતરપિંડી
હવે એ પણ જાણી લો સાયબરની આ માયાજાળ કઇ કઇ રીતે થાય છે. પોલીસના કહેવા પ્રમાણે હાલમાં ઇનવેસ્ટમેન્ટને લગતી છેતરપિંડીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કિસ્સાઓમાં લોકો 1 લાખ રૂપિયાથી લઇને લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે.
છેતરપિંડીની કેવી હોઈ છે મોડસ ઓપરેન્ડી?
- 1. ઓટીપી આધારીત છેતરપિંડી-કોઇ ડેટાને અપડેટ કરાવવા કે KYCના રીતે ઓપીટી માંગીને બેંક ટ્રાન્ઝેકશન કરવા
- 2. એપ્લિકેશન આધારીત છેતરપિંડી-જેમાં કોઇ મદદ માટે મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેની મદદથી ઓપીટી અને અન્ય પર્સનલ ઇન્ફોર્મેશન મેળવીને છેતરપિંડી કરવી
- 3. ન્યૂડ વિડીયો,મોર્ફ ફોટો-સોશિયલ મિડીયાની મદદથી જે તે વ્યક્તિના નંબર પર ન્યૂડ કોલ કરીને વિડીયો રેકોર્ડિંગ કરવું,ફોટાને મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવવા
- 4. રોકાણ અંગેના ફ્રોડ- આજકાલ સૌથી વધારે ફ્રોડ આ થઇ રહ્યા છે. જેમાં..
- -ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું
- -લાઇક,શેર વધારીને રૂપિયા કમાવી આપવાની લાલચ
- -શેર બજારમાં રોકાણ કરાવી આપવાની લાલચ
- -મોંધીદાટ કાર,કિંમતી વસ્તુઓ ઓછા ભાવે આપવી દેવાની લાલચ
- 5. ઇન્સટન્ટ લોન અપાવી દેવાની લાલચ આપી છેતરપિંડી
માત્ર રાજકોટમાં સાત મહિનામાં સાડા સોડ કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે.પોલીસના કહેવા પ્રમાણે આ છેતરપિંડીમાં રિકવરી આંક 15 થી 20 ટકા છે.એ પણ એવા કિસ્સાઓ કે જેમાં ફરિયાદીએ તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી હોય અને છેતરપિંડીના રૂપિયા કોઇપણ બેંકમાં હોય જેના કારણે ટ્રાન્ઝેકશન અટકાવી શકાય છે અને આ રૂપિયા પરત મેળવી શકાય છે.જો કે આ એક દેશવ્યાપી મોટું નેટવર્ક છે
સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં, ઝમતાર સૌથી વધુ ફ્રોડ આંચરનાર
માત્ર ગુજરાત જ નહિ પરંતુ આખા દેશમાં સાયબર ફ્રોડની જાળ ફેલાયેલી છે. દેશના ઝારખંડાના ઝમતારા,દેવડા,બિહાર,દિલ્લી એનસીઆર,પશ્વિમ બંગાળમાં સાયબર ક્રાઇમની ટોળકીઓ સક્રિય છે. જે દેશભરમાં ઓનલાઇન છેતરપિંડી આચરે છે.પોલીસના કહેવા પ્રમાણે જ્યારે છેતરપિંડીની તપાસમાં બહારના રાજ્યનું પગેરૂં મળે તો ત્યાં આ ટોળકીને પકડવી લગભગ અશક્ય છે જેના કેટલાક કારણો છે
1.નકલી દસ્તાવેજોનો ઉપયોગ
આ ટોળકી દ્રારા જે પણ મોબાઇલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તેમાં નકલી દસ્તાવેજો રજૂ કર્યા હોય છે જેથી તેનું પરફેક્ટ લોકેશન જાણી શકાતું નથી.
2.બેંક એકાઉન્ટમાં ખોટી માહિતી
આ સાયબર ચાંચિયાઓ દ્રારા જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તે ડમી નામથી હોય છે.એટલું જ નહિ જ્યારે કોઇ એકાઉન્ટ હેક કર્યું હોય તો ફટાફટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને રૂપિયા ઉપાડી લે છે,દરરોજ 50 લાખ જેટલી મોટી રકમ એટીએમથી ઉપાડવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.
3.સ્થાનિક પોલીસનો અસહયોગ
જો ક્યારેક પોલીસને કોઇ સચોટ માહિતી મળે અને તે માહિતીના આધારે બીજા રાજ્યમાં તપાસ માટે ટીમ જાય તો સ્થાનિક પોલીસનો સહયોગ મળતો નથી અને પરીણામે બહારના રાજ્યની પોલીસ હોવાથી પોલીસ પર હુમલાના પ્રયાસો થાય છે. આમ ગુજરાત બહાર ચાલતા સાયબર હેકરોના નેટવર્કને કારણે ગુજરાત દરરોજ કરોડો રૂપિયા ગુમાવી રહ્યું છે
લોકોએ શું રાખવી તકેદારી
સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં તમારી સહેજ ચૂક મોટું નુકસાન કરી શકે છે જેથી દરેક લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.જો તમારી સાથે કોઇ છેતરપિંડી થઇ હોય તો તમે તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કરવો અથવા તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઇએ.આપની ફરિયાદના આધારે પોલીસ તાત્કાલિક રિપોર્ટ કરશે અને આ રૂપિયાનું બેંક ટ્રાન્સઝેકશન અટકી જશે. અજાણ્યા નંબર પરથી આવેલા ફોન કોલ્સમાં કોઇ માહિતી આપવી નથી,જો કોઇ રોકાણને લઇને માહિતી હોય તો તેને રૂબરૂ મળવાનો આગ્રહ રાખવો અને તમામ વ્યવહારો રૂબરૂમાં દસ્તાવેજો લઇને કરવા આપના મોબાઇલ નંબર ગમે તે સ્ટોર પર કે ગમે તે લાલચમાં આવીને કોઇ સાથે શેર ન કરવા આપના મોબાઇલમાં આવતી કોઇપણ અજાણી લીંકને ડાઉનલોડ ન કરવી,તેનો ઓપન ન કરવી.
રાજકોટમાં અંદાજીત 35 જેટલા રેવન્યુના વકીલો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી સામે આવી છે. જેમાં મિલકતના દસ્તાવેજો કરતી વખતે વકીલો ગરવી - 2 વેબસાઈટ પર મિલકતનો દસ્તાવેજ કરતા સમયે આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટ આપતા જ બેન્ક એકાઉન્ટમાંથી 9999 રૂપિયા ઉપડી જતા હતા. રાજકોટના રેવન્યુ બાર એસોસિએશનના વકીલોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વકીલોએ જણાવ્યું હતું કે, સરકારનું સાયબર ક્રાઇમ વિભાગ પાસે આધુનિક સુવિધા અને મશીનરી હોવા છતાં પણ આ ગુનાઓ અટકતા નથી. જોકે સરકારે આધારકાર્ડ લિંક કર્યા હોવાથી જ આ પ્રકારના સાયબર ક્રાઇમના કેસમાં વધારો થયો છે. આધારકાર્ડ લિંક અપ હોય તો 10 હજાર કરતા ઓછા રૂપિયા OTP વગર પણ ઉપડી શકતા હોય છે. આજ મોડેશ ઓપરેન્ડી વકીલોમાં પણ લાગુ પડી છે.
સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં તમારી સહેજ ચૂક મોટું નુકસાન કરી શકે છે જેથી દરેક લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.જો તમારી સાથે કોઇ છેતરપિંડી થઇ હોય તો તમે તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કરવો અથવા તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઇએ.આપની ફરિયાદના આધારે પોલીસ તાત્કાલિક રિપોર્ટ કરશે અને આ રૂપિયાનું બેંક ટ્રાન્સઝેકશન અટકી જશે. જોકે રાજ્યમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે,પરંતુ જો સાવચેતી અને સતર્કતા રાખવામાં આવે તો છેતરપિંડીથી બચી શકાય છે.સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત આવવાનો રેશિયો 15 થી 20 ટકા છે ત્યારે આપની સતર્કતા આપને સાયબર હેકરોના ચુંગાલમાંથી બચાવી શકશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે