મોરબીમાં ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે ચાલુ, ટુંક સમયમાં અહેવાલ સરકારને સોંપાશે

જિલ્લાની અંદર ચાલુ વર્ષે ખરીફ પાક લેવા માટે થઈને કુલ મળીને ૩.૨૩ લાખ હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં છેલ્લા એક પખવાડીયા દરમ્યાન મોરબી જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે ખેતીના મોટાભાગના પાકોને નુકસાન થયેલ છે.

મોરબીમાં ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે ચાલુ, ટુંક સમયમાં અહેવાલ સરકારને સોંપાશે

હિમાંશુ ભટ્ટ/મોરબી: જિલ્લાની અંદર ચાલુ વર્ષે ખરીફ પાક લેવા માટે થઈને કુલ મળીને ૩.૨૩ લાખ હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં છેલ્લા એક પખવાડીયા દરમ્યાન મોરબી જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે ખેતીના મોટાભાગના પાકોને નુકસાન થયેલ છે. અંદાજે ૬૬.૫૦૦ હેકટર કરતાં વધુ જમીનની અંદર અત્યારે તલ, કપાસ, મગફળી, અડદ, બાજરી, એરંડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી કરીને ખેડૂતોને થયેલા નુકસાનની સાચી માહિતી એકત્રિત કરવા માટે મોરબી જિલ્લામાં અત્યારે કુલ મળીને ૫૧ જેટલી ટીમો બનાવીને તેના આધારે સર્વે કરવામાં આવી રહ્યો છે. પરંતુ છેલ્લા લગભગ ત્રણ-ચાર દિવસથી વરસાદનો એક છાંટો પણ મોરબી જિલ્લામાં નથી પડ્યો તેમ છતાં પણ આજની તારીખે ઘણા વિસ્તારોની અંદર ખેતર સુધી ન પહોંચી શકાય તેટલા વરસાદી પાણી ભરેલા છે. તો વરસાદી પાણીના કારણે રસ્તાઓ તૂટી ગયા છે. જેથી કરીને સર્વેની ટીમો ખેતર સુધી પહોંચી શકતી ન હોય તેવા ક્ષેત્રોમાં અંદાજે જે કંઈ નુકસાન છે તેના આંકડા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જે ખેતર સુધી પહોંચી શકાય છે, ત્યાંના સંપૂર્ણ સો ટકા સચોટ આંકડા હાલમાં જીલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ જે ખેડૂતોના ખેતરમાં ૩૩ ટકા કરતા વધુ નુકસાન હશે તેને બિન પિયત જમીન માટે પ્રતિ હેક્ટરના ૬૫૦૦ અને પિયત વાળી જમીન હોય તો પ્રતિ હેક્ટરના ૧૩,૫૦૦ લેખે સરકાર દ્વારા વધુમાં વધુ ૨ હેકટર સુધીની સહાય ચૂકવવામાં આવશે. મોટાભાગના ખેડૂતોના ખેતરની અંદર જે તે સમયે વરસાદી પાણી ભારે વરસાદ હતો, ત્યારે ભરાયા હતા અને ત્યારબાદ તૂરત જ વરસાદી પાણી નીકળી ગયા હતા. જેના કારણે ખેતરની અંદર નુકસાનનું પ્રમાણ ઓછુ છે. જો કે, ત્રણ દિવસ કરતા વધારે પાણી ખેતરમાં રહેલા હોય તો પાકને નુકશાન થાય છે.

સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન જે વરસાદ નોંધાતો હોય છે તે જે કોઈ તાલુકા સેન્ટર ઉપર મુકવામાં આવેલા વરસાદ માપક યંત્રના આધારે નક્કી કરવામાં આવે છે. તેના આધારે સમગ્ર તાલુકાના વરસાદના આંકડા જાહેર થતા હોય છે, પરંતુ કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર જો ભારે વરસાદ થયો હોય તો તેની જે કાંઈ  સ્થાન વર્તિત  આપત્તી હોય છે. જેની માહિતી જે તે મામલતદાર દ્વારા ખેતીવાડી વિભાગના આપવામાં આવતી હોય છે. કોઈ તાલુકાની અંદર વધુ વરસાદ હોય તો તેની માહિતી અને તેને લગતું જાહેરનામું કલેકટર દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ ખેતીવાડી વિભાગને ડીડીઓ દ્વારા સૂચના આપવામાં આવે છે અને ત્યાર પછી જે કાંઈ ખેતીના પાકોને થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવતો હોય છે. જો વાત કરીએ ગત વર્ષથી તો વર્ષ ૨૦૧૯ની અંદર મોરબી જિલ્લામાં સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ અંતર્ગત ૧.૦૮ લાખથી વધુ ખેડૂત ૧૧૩ કરોડ થી વધુની રકમ કૃષિ સહાય પેકેજ અંતર્ગત ચૂકવવામાં આવી હતી. હાલમાં જે કંઈ સર્વેની કામગીરી ચાલુ છે તે આગામી સાત દિવસ ની અંદર પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ તેના આધારે સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે. સરકારને રિપોર્ટિંગ કરવામાં આવ્યા બાદ સરકારની સુચના મુજબ ખેડૂતોને મળવા પાત્ર નથી. સહાય સરકારમાંથી ફંડ આવે એટલે ચૂકવવાની કામગીરી શરૂ થશે.

ચાલુ વર્ષે મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીના પાકમાં જે કંઈ નુકસાન થયું છે તેના માટે વહેલી તકે સરકારમાં રિપોર્ટિંગ થાય તે અનિવાર્ય છે. જે તે ગામના સરપંચો, ખેડૂત આગેવાનો અને ખેડૂતો સર્વે માટે જતી ટીમોને સહકાર આપે તે અનિવાર્ય છે નહીં તો સર્વેની કામગીરી મોડી થશે અને ત્યારબાદ સહાયની રકમ આપવામાં પણ વિલંબ થશે તેવું હાલમાં મોરબી જીલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. વધુમાં તેમણે મોરબી જિલ્લાના ખેડૂતોને અપીલ કરતા કહ્યું છે કે, સરકાર દ્વારા ખેડુતોને ૩૩ ટકા નુકસાન મુજબ સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. જે ખેડુતને ૩૩ ટકા નુકસાન હશે તેને અને જેને ૧૦૦ ટકા નુકસાન થશે તેને સરખી જ સહાય કરવામાં આવશે. ખેડૂતોએ પોતાના પાક જો બચાવી શકાય તેમ હોય તો તેને બચાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news