G-20માં દુભાસિયો હોવાનું કહી દિલ્હી જવા યુવકનું તરકટ, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી!
જો કે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઇ સીસીટીવી ફુટેજ કે અન્ય પુરાવા ન મળ્યા. જેથી પોલીસ એરપોર્ટ પર પહોંચી જ્યાં ફ્લાઇટના ટાઇમ અને આ આરોપીની હાજરી બાબતે તપાસ કરતા હકીકત જણાઇ નહોતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: પોલીસને હેરાન કરવા ગેરમાર્ગે દોરી પોલીસની જ મદદથી મફતમાં દિલ્લી જવા યુવકે NIAના અધિકારીની ઓળખ આપી પોતે લૂંટાયો હોવાનું નાટક કર્યું. જો કે પહેલા તો લૂંટની થિયરી પર પોલીસે તપાસ કરી પણ એરપોર્ટ પર પોલીસ ફ્લાઇટના ટાઇમ અને સીસીટીવી તપાસ્યા ત્યારે કોઇ પુરાવા ન મળ્યા. એટલે જ યુવક પર પોલીસને શંકા ગઇ અને નકલી અધિકારી બનેલા આ ગઠિયાનો ભાંડો ફુટી ગયો.
આ ઘટનામાં સામેલ યુવકનું નામ સુધીર છે. જે બોરાડામાં મુળ આંધ્રપ્રદેશનો છે પણ હાલ દિલ્લી રહે છે. સુધીર ગઇકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં ગયો અને લુંટ થઈ હોવાની ફરિયાદ કરવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી. સુધીર નામના યુવકે પોલીસને એવી હકીકત દર્શાવી કે તે એરપોર્ટ પર ઉતર્યો બાદમાં તેને ટેક્ષી વાળાની સાથે આવેલા કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો.
જો કે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઇ સીસીટીવી ફુટેજ કે અન્ય પુરાવા ન મળ્યા. જેથી પોલીસ એરપોર્ટ પર પહોંચી જ્યાં ફ્લાઇટના ટાઇમ અને આ આરોપીની હાજરી બાબતે તપાસ કરતા હકીકત જણાઇ નહોતી. યુવક જે વાત કરતો હતો તેની વિસંગતતા જણાતા પોલીસે તેની ઉલટ પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને તેણે પોલીસની મદદ મેળવી દિલ્લી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યુ હોવાની કબૂલાત કરી.
આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરી પોતે ડોમેસ્ટીક એરપોર્ટ ઉપર આવ્યો અને G-20માં દુભાસિયા તરીકે આવ્યો હોવાનું જણાવ્યું. બહાર રોડ ઉપર આવીને ટેકસીમા બેઠો ત્યારે ટેકસી ડ્રાઇવર અને ત્રણ લોકોએ સાથે મળીને તેને માર મારીને તેની બેગ અને આઇ.ફોન તેમજ પૈસાની લુંટ કરીને ભાગી ગયા હતા. આરોપી પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીમાં વર્ષ 2013થી 2017 દરમિયાન હેડ કમેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો, તેવી પણ વાર્તા કરતા પોલીસે તેની સામે નકલી અધિકારી તરીકેની ઓળખ આપવી અને ખોટી લૂંટની ઘટનાનો મેસેજ કરવા અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી.
પોલીસે ઓનલાઇન સોફ્ટવેરમાં આ શખ્સની તપાસ કરતા તે તમિલનાડુ ખાતે આવેલ પેરૂગુડી પો.સ્ટે.માં છેતરપીંડીના ગુનામાં પકડાયેલ હોવાનું પણ સામે આવ્યું હતું. આરોપીનો અન્ય કોઇ બદઇરાદો હતો કે કેમ અને વધુ કોઇ ગુનામાં ઝડપાયો હતો કે કેમ તે બાબતે હવે તપાસ શરૂ કરાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે