પટેલ દંપતીની હત્યા કરવા પાવાગઢથી છરી લાવ્યા હતા હત્યારા, ભાગ્યા બાદ એક રાત જંગલમાં વિતાવી હતી

પટેલ દંપતીની હત્યા કરવા પાવાગઢથી છરી લાવ્યા હતા હત્યારા, ભાગ્યા બાદ એક રાત જંગલમાં વિતાવી હતી
  • હત્યા કર્યા બાદ પટેલ દંપતીની જ કાર લઈને નાસી છૂટવાનો ઈરાદો હતો, પણ કાર સીધી બીજી ગિયરમાં પડી
  • ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા. તેઓ વૈષ્ણોદેવી એકઠા થયા હતા

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના પટેલ દંપતીની હત્યા પરથી પડદો ઉંચકાયો છે. લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરનારા પાંચેય આરોપી પકડાઈ ગયા છે. આ પાંચ આરોપીઓમાં ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ, રાહુલ ઉર્ફે ગુલું કમલેશ ગૌડ, આશિષ મુન્નેશ વિશ્વકર્મા અને બ્રીજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજનો સમાવેશ થાય છે. ત્યારે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સમગ્ર લૂંટ અને હત્યાનો કાંડ દહેજ માટે ખેલાયો હતો. બહેનના લગ્ન માટે દહેજ જોઈતુ હતું, અને તે માટે રૂપિયાની જરૂર હતી. જેથી ભરત ગૌડે આખો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેણે પોતાના સંબંધીઓને પણ સામેલ કર્યા હતા. ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત 5 આરોપી ઝડપી લેવામા આવ્યા છે. 

દંપતીના ઘરમાં બહેનની દહેજ માટે રૂપિયા મળી જશે તેવુ વિચાર્યું હતું 
ભરત ગૌડ એ અશોક પટેલના ઘરે સુથારી કામ કરતો હતો. ભરતના બેનના લગ્ન હોવાથી તેને પૈસાની જરૂર હતી, જે પુરી કરવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જેને કારણે તે બે દિવસથી ઘરની રેકી કરતો હતો. આરોપીઓ માનતા હતા કે હાલ નાઈટ કર્ફ્યૂ છે, તેમજ જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિગ વોક પર જતાં હતાં. આ અંગે પણ આરોપીઓને જાણ હતી. જેથી આ ઘરમાંથી જ બહેનની દહેજના રૂપિયા મળી જશે તે ઈરાદે તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ લૂંટનો પ્લાન બનાવતો ભાઈ હત્યારો બની ગયો હતો, અને આખરે હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. ઠંડા કલેજે અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેન પટેલની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા.

કાર સીધી બીજી ગિયરમાં પડતા દરવાજા સાથે અથડાઈ
જ્યોત્સનાબેન અને અશોક પટેલની હત્યા બાદ હત્યારાઓ દંપતીના ઘરની બહાર જ પાર્ક કરાયેલી કાર ચોરી કરીને નાસી છૂટવાની પેરવીમાં હતા. તેમણે ડ્રોઅરમાં પડેલી કારની ચાવી લઈ કાર ચાલુ કરી હતી. જો કે કાર સીધી બીજી ગિયરમાં પડતા બહારના દરવાજામાં અથડાઈ હતી. જેથી તેમણે કાર ત્યાં જ છોડી દીધી હતી. ત્યાર પછી તેઓ બાઈક લઈને મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. આ બાઈક વડોદરાથી ચોરી કર્યું હતું. આ હત્યા કેસ CCTV ફૂટેજથી ઉકેલી લીધો હતો. બંગલાની બહાર વાતચીત કરતા તમામ આરોપીઓ પોલીસ તપાસમાં સૌથી પહેલા સામે આવ્યા હતા. 

ahm_couple_murder_zee56.jpg

હત્યા માટે પાવાગઢથી છરી ખરીદી હતી 
આ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા. જેમાં તેઓ વૈષ્ણોદેવી એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાથી હિંમતનગર, ચિત્તોડગઢ રોકાયા હતા. જોકે પોલીસની ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા. પરંતુ વતનમાં પણ તેમને પકડાઈ જવાની બીક હતી. તેથી તેઓ પોતાના ઘરે રોકાયા ન હતા. તેના બાદ એક દિવસ જંગલ અને મંદિરમાં રાત વિતાવી હતી. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમના સુધી પહોંચી ગયું હતું. પોલીસે ખૂબ જ મહેનત કરી 5 આરોપીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમા હત્યા માટે વાપરેલી છરી પાવાગઢથી ખરીદી હોવાનુ સામે આવ્યુ છે. આ ગુનામા હાલમાં એક આરોપી રવિ શર્મા ફરાર છે. જેની તપાસ કરવામા આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news