સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના; હજુ પણ જીવંત છે રંગભેદ, અલગ જાતિના કહીને અંતિમ સંસ્કાર કરવા ના દીધા

પંચમહાલના ઘોઘંબામાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના બની છે. ગામના લોકોએ સ્મશાનમાં મૃતક મહિલાના અંતિમ સંસ્કાર માટે મનાઈ કરી દીધી હતી. જેના કારણે બે દિવસ સુધી મૃતદેહ ઘરમાં રાખ્યા બાદ પરિવારને ખેતરમાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.

સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના; હજુ પણ જીવંત છે રંગભેદ, અલગ જાતિના કહીને અંતિમ સંસ્કાર કરવા ના દીધા

ઝી બ્યુરો/પંચમહાલ: પંચમહાલથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘોઘંબાના કંકોડાકોઈ ગામે મોતનો મલાજો જળવાયો નહોતો. જી હા...જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા એક મહિલાની અંતિમવિધિ અટકાવી દેવામાં આવી હતી. કંકોડાકોઈ ગામના નાયક પરિવારની મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મોત થયું હતું. અમરેલીના ધાસા ગામે મજૂરી કામે ગયેલા સુમિત્રાબેનનું પ્રસૂતિ બાદ 12માં દિવસે શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું હતું. ત્યારબાદ સુમિત્રાબેનની અંતિમવિધી માટે તેમના વતન કંકોડાકોઈ ગામે લાવવામાં આવ્યા હતા, જ્યાં ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવાની ગામના કેટલાક લોકો દ્વારા મનાઈ કરવામાં આવી હતી. 

ગામના સ્મશાનમાં અંતિમવિધિ ન કરવા દેવામાં આવતા મૃતદેહને બે દિવસ ઘરમાં રાખ્યા બાદ પોતાની માલિકીના ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. સમગ્ર મામલે પરિજનો દ્વારા કોઇપણ ફરિયાદ કે રજૂઆત કરવાનો ઈન્કાર કર્યો હતો. 21મી સદીમાં પણ જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા લોકો મોતનો મલાજો જાળવતા નથી તેનું આ ઉદાહરણ છે . 

સળગતા સવાલો
જોકે અહીં એ સવાલ થાય કે લોકો ચંદ્ર સુધી પહોંચી ગયા પરંતુ હજુ પણ જાતિવાદને પ્રાધાન્ય કેમ? શું મૃત્યુ પછી પણ વ્યક્તિની જાતિને ગણવામાં આવે છે? શું માણસના મૃત્યુ પછી પણ જાતિવાદ જીવંત રહે છે? ક્યારે જાતિવાદ નામના દૂષણનો અંત આવશે? અલગ જાતિના કહીને અંતિમ સંસ્કાર અટકાવવા કેટલાં યોગ્ય? 21મી સદીમાં પણ લોકો કેમ જાતિવાદને આપે છે મહત્વ? ક્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે?

ઝી 24 કલાકની તપાસમાં મોટો ઘટસ્ફોટ
ઘોઘંબાના કંકોડાકોઈ ગામે નાયક સમાજની મહિલાની અંતિમવિધિ ન કરવા દેવા મામલે ગામ અને સમાજના અગ્રણીઓ તેમજ પરિવારજનો અને મૃતક મહિલાના પતિ સાથે ઝી 24 કલાકે વાત કરી હતી. સોશિયલ મીડિયામાં વહેતા થયેલ મેસેજને પરિવારજનો સહિત તમામ લોકોએ રદિયો આપ્યો હતો. નીચી જ્ઞાતિ હોવાથી અંતિમવિધિ ન કરવા દેવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી સાબિત થઈ છે. ઝી 24 કલાકની પડતાલમાં સત્ય હકીકત સામે આવી છે. સમાજ નું સ્મશાન અન્ય ગામમાં સાત કિલોમીટર દૂર હોઈ અને ત્યાં સુધી પહોંચવા માટે ઘણો સમય લાગતો હોવાથી પોતાના ગામમાં જ સ્મશાન બનાવવાની માંગણી હતી. જે બાબતે જગ્યા નક્કી કરવા અંગે વાટાઘાટો ચાલી રહી તે દરમ્યાન નાયક સમાજની મહિલાનું મોત થતા તેમની અંતિમ વિધિ માટે ગૂંચવાડો ઉભો થયો હતો. જે જાહેર જગ્યાએ પરિવારજનો અંતિમ વિધિની તૈયારી કરતા હતા, ત્યાં નજીકમાં ધાર્મિક સ્થાન હોવાથી ગ્રામજનોએ અંતિમવિધિ માટે ના પાડી હતી. જો કે જગ્યા તો ફાળવી દેવામાં જ આવી છે અને ટૂંક સમયમાં જ સ્મશાન પણ બની જશે. તેવું સરપંચ સહિત આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી. 

મહત્વનું છે કે કંકોડાકોઈ ગામમાં નાયક પરિવારની એક મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મોત થયું હતું. જેના પછી પરિવારના લોકો તેના મૃતદેહને લઈને અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા. પરંતુ ગામના કેટલાંક લોકોએ અલગ જાતિના હોવાનું કહીને તેમને અટકાવ્યા હતા અને અંતિમ સંસ્કાર  કરવા દેવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે પરિવારે બે દિવસ સુધી મૃતક મહિલાના મૃતદેહને ઘરે રાખવો પડ્યો હતો. જોકે આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા કોઈપણ ફરિયાદ કે રજૂઆત કરવાનો ઈન્કાર  કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news