કેનેડા બાદ હવે ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયાએ આપ્યો આંચકો, વિદેશમાં ભણવાનું સપનું તૂટી જશે

Australia student visa : હવે ગુજરાતીઓનું વિદેશમાં ભણવાનું સપનું અધૂરું રહી શકે છે. ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડીને 2.7 લાખ કરવાનો નિર્ણય લીધો છે. ઑસ્ટ્રેલિયન સરકારે દેશમાં ઇમિગ્રેશનને મર્યાદિત કરવા માટે આ નિર્ણય લીધો છે, જેની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો મોટી સંખ્યામાં છે.

કેનેડા બાદ હવે ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયાએ આપ્યો આંચકો, વિદેશમાં ભણવાનું સપનું તૂટી જશે

Indian students canbera : કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશમાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી દીધી છે કે તે 2025માં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરશે. ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે જણાવ્યું હતું કે આ શ્રેણીમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો તેમજ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન સરકારના આ પગલાંથી વિદેશ જવાની આશા રાખતા વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે.

ઇમિગ્રેશનના નિયમોથી લોકો નારાજ
 શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે કહ્યું કે હાલમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં કોરોના રોગચાળા પહેલાંની તુલનામાં લગભગ 10 ટકા વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. ખાનગી વ્યાવસાયિક અને તાલીમ સંસ્થાઓમાં આ સંખ્યા 50 ટકા વધુ છે. તાજેતરના સર્વેક્ષણોએ દર્શાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના મતદારોએ ઇમિગ્રેશન વિશે ચિંતા વ્યક્ત કરી છે, જે એક વર્ષથી ઓછા સમયમાં ચૂંટણીને અસર કરી શકે છે. જોકે, આંતરરાષ્ટ્રીય શિક્ષણ 2022-23માં અર્થતંત્રમાં A$36.4 બિલિયનનું યોગદાન આપવાનો અંદાજ હતો.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભારત સૌથી મોટા સ્ત્રોતોમાંનું એક રહ્યું છે. જો કે, 2024માં ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં નોંધણી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે, જે વધતા ખર્ચ, રહેઠાણની પડકાર અને અન્ય દેશોની વધતી સ્પર્ધા જેવા પરિબળોને કારણે છે. 

પંજાબના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે
ઑસ્ટ્રેલિયાના માઇગ્રેશન એજન્ટ્સ રજિસ્ટ્રેશન ઑથોરિટીના સભ્ય સુનિલ જગ્ગીએ NDTVને જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લગતા નવીનતમ કાપ તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે છે. હવે યુનિવર્સિટીઓ દેશ અને પછી રાજ્ય પ્રમાણે ક્વોટાનું વિતરણ કરશે. ફેબ્રુઆરીમાં એડમિશન લેવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ જાહેરાતની અસર થશે. પંજાબના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે. 

એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત સરકારે વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ ઓસ્ટ્રેલિયાની સરકાર સમક્ષ રજૂ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન શિક્ષણ મંત્રીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

5 વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા
ઓસ્ટ્રેલિયા સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વર્ષોથી વધઘટ જોવા મળી છે. 2019માં ઓસ્ટ્રેલિયામાં 1,15,107 ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા હતા. આ આંકડો 2020 માં થોડો ઘટીને 114,842 થયો અને 2021 માં ઘટીને 99,227 થયો. 

વર્ષ 2022માં પણ કોઈ ખાસ વધારો થયો ન હતો અને આ સંખ્યા 99,374 પર સ્થિર રહી હતી. વર્ષ 2023માં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી, જે 126,487 પર પહોંચી હતી. જોકે, 2024માં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે, 118,109 વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news