બનાસકાંઠાના પશુપાલકોને રક્ષાબંધન ફળી! બનાસ ડેરીએ ભાવ વધારા સાથે જાહેર કર્યો ચોખ્ખો નફો

Banas Dairy : બનાસડેરીમાં આ વર્ષે દૂધમાં કિલો ફેટે ભાવ વધારો 989 રૂપિયા આપવાનો નિર્ણય કરાયો, આ વર્ષે દુધનો ભાવફેર  1973 કરોડ રૂપિયા ભાવ ફેર અપાયો. આ વર્ષે 18.52 % ભાવ નફા તરીકે અપાશે જે ગણતરી કરતા 19 ટકા થશે તો મંડળી અને ડેરીનો મળીને 22 ટકા જેટલો નફો પશુપાલકોને મળશે

બનાસકાંઠાના પશુપાલકોને રક્ષાબંધન ફળી! બનાસ ડેરીએ ભાવ વધારા સાથે જાહેર કર્યો ચોખ્ખો નફો

Banaskantha News : એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને 56મી વાર્ષિક સાધારણ સભા દિયોદરના સણાદરના બનાસ સંકુલ ખાતે હજારો પશુપાલકોની ઉપસ્થિતમાં યોજાઇ હતી. જ્યાં બનાસડેરી ચેરમેન શંકર ચૌધરીએ જિલ્લાના 5 લાખ પશુપાલકો માટે ઐતિહાસિક દુધના ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાં 2022-23માં કિલો ફેટે 948નો ભાવ અપાયો હતો, તો આ વર્ષે પશુપાલકોને કિલો ફેટે 989 રૂપિયાનો ભાવ વધારો આપવાની જાહેરાત કરી હતી. જેમાં ગયા વર્ષનો ભાવ ફેર 1952 કરોડ હતો, જે આ વખતે નવો ભાવ ફેર 1973 કરોડ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી પશુપાલકોને દૂધ મંડળી અને બનાસડેરી તરફથી 22 ટકા જેટલો નફો મળશે. જેને લઈને પશુપાલકોમાં ખુશી ફેલાઈ છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનારી 10 મહિલા પશુપાલકોને સન્માનિત કરાઈ હતી, જેમાં વર્ષે કરોડો રૂપિયાનું દૂધ ભરાવનારી મહિલાઓનો સમાવેશ થાય છે.

જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવી સૌથી વધુ વાર્ષિક આવક મેળવનાર મહિલાઓ 

1. નવલબેન ચૌધરી (નગાણા વડગામ )-1.63 કરોડ રૂપિયા
2. જવેરી તસલીમબેન (બસુ, વડગામ )-1.59 કરોડ રૂપિયા
3. રાજપૂત દરિયાબેન(શેરપુરા ડીસા )-1.35 કરોડ રૂપિયા
4. લોહ નીતાબેન(સગ્રોસણા પાલનપુર )-1.31 કરોડ રૂપિયા 
5. સાલેહ મિસરા અમીન(બસુ વડગામ )-1.25 કરોડ રૂપિયા

ઓછું ભણેલી મહિલાઓ ઘરે બેસીને લાખો કરોડો કમાય છે 
બનાસડેરીની 56મી સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું કે, ડેરીમાં અનેક નવા કામો કરવાના છે. જિલ્લામાં જ્યાં પાણીની અછત હતી ત્યાં નવી ક્રાંતિ લાવી છે. માત્ર શિક્ષિત મહિલાઓ જ કમાય તેમ નથી અહીં ઓછું ભણેલી અને અભણ મહિલાઓ પણ ઘરે બેઠા લાખો કરોડો કમાઈ રહી છે. જિલ્લાની મહિલાઓએ ગામમાં ક્રાતિ કરી આખા દેશને નવો રાહ ચીંધ્યો છે. 7 વર્ષ પહેલા મેં બહેનોને સ્ટેજ ઉપર બેસાડવાની શરૂઆત કરી છે. આપણે વર્ષે 10 કરોડ વૃક્ષોને ઉછેરવાનું કામ કરી જળ સંચયનું કામ કર્યું છે. 

તેમણે કહ્યું કે, બહેનોએ ઘરે બેઠા લાખો સિડબોલ બનાવ્યા અને તે પર્વતો ઉપર નાખીને વૃક્ષા રોપણ કર્યું. બે વર્ષ પહેલાં મેં જિલ્લામાં ચંદનના ઝાડ વાવવાની વાત કરી હતી, તો લોકોએ મારી મજાક કરી હતી, પણ આજે લોકો ચંદનની ખેતી કરી રહ્યા છે. જિલ્લામાં દરેક ખેડૂત ફક્ત 100 ચંદનના વૃક્ષ વાવે તો એમનો દીકરો મોટો થાય અને લગ્ન કરવા હોય કે ધંધો કરવો હોય તો 15-20 વર્ષ પછી 20 કરોડ મેળવી શકે. ચંદનના છોડ લાવવા માટે બનાસડેરી પશુપાલકોને મદદ કરશે. આજે અહીં આવેલા દરેક પશુપાલકોને બે ચંદનના છોડ આપવામાં આવશે. બનાસ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલેજી થી 20 થી 25 લીટર દૂધ આપતી પશુઓની ઓલાદ પેદા કરાશે. 250 વિઘા જમીન લઈને 10 હજાર ગાયોની વાચરડીઓ એમ્બ્રિયો ટેકનોલોજીના કારણે આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે. ભારત સરકાર અને રાજ્યસરકાર દ્વારા પશુપાલકો માટે કરોડોની સબસીડી અપાઈ રહી છે.

શંકર ચૌધરીએ કહ્યું કે, રખડતાં આખલાઓ અકસ્માત સર્જે છે તેનો ઉપાય શું તો આપણે ફક્ત વાછરડીઓ જ પેદા થાય તેવી ટેકનોલોજી શરૂ કરી દીધી છે. અને હવે ફક્ત વાછરડીઓ જન્મે તેવા ડોઝ આપવાની શરૂઆત ફક્ત ગણતરીના દિવસોમાં જ કરવાના છીએ. અને તે સમગ્ર ભારતમાં સસ્તા દરે ડોઝ આપીશું. ગૌમૂત્ર અને તેમાંથી પૈસા મળી શકે અને તે 5 લીટર રૂપિયે લઈ શકાય અને તે દવા માટે ઉપયોગમાં આવે છે માટે આપણે શિતકેન્દ્રો ઉપર દેશી ગાયના ઝરણ લેવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ડીએપી અને યુરિયાના કારણે જમીનો ખરાબ થઈ રહી છે. જમીનને ફળદ્રુપ કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની સાથે મળીને બનાસ બાયો ફર્ટિલાઈઝર   રિસર્ચ અને ડેવલોપમેન્ટ લેબોરેટરી થરાના ખીમાણામાં શરૂ કરી અને રોજના 5 હજાર લીટર બેક્ટેરિયા પેદા કરવાનું કામ કર્યું બસ તે જમીનમાં નાખો અને જમીન પહેલા જેવી ફળદ્રુપ થઈ જશે. આપણે માટી ટેસ્ટ લેબ બનાવી ..જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. 

બનાસ ડેરીની સફળતા વિશે શંકર ચૌધરીએ આગળ કહ્યું કે, હવે બનાસકાંઠામાં મગફળી ખેડૂતો વાવે છે અને તે રાજકોટ અને બહાર જિલ્લામાં જાય છે પણ હવે બનાસડેરીએ મગફળી માટેનો પ્લાન્ટ તૈયાર કર્યો છે જ્યાં મગફળી પીલાશે. જિલ્લાના યુવાનો આગળ આવો સહકારી સંસ્થાની શરૂઆત કરો કોઈ પ્લાન્ટ નાખો. હું તમારી પડખે ઉભો રહીશ પરિણામ ચોક્કસ મળશે જ. સહકારી ક્ષેત્રમાં યુવાનો આગળ વધે તે માટે આપણે એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઉભું કરવા જઈ રહ્યા છીએ. બનાસડેરી ગાંધીનગરમાં IAS, IPS બને તે માટે ઇન્સ્ટિટ્યૂટ બનાવશું અને ત્યાં દેશના સારા કોચ લાવીને ટ્રેનિંગ આપીશું અને આ વર્ષમાં જ તેની શરૂઆત કરીશું. બટાટામાં આપણને જે ખેડૂતોએ આપણા પ્લાન્ટમાં બટાકા ભરાય હતા એને આપણે પૈસા ચૂકવ્યા હતા જોકે તે બાદ નફામાં પૈસા વધતા આપણે તેમને 10 ટકા રૂપિયા ભાવ ફેર પરત આપવાનો નિર્ણય કર્યો છે. આવા દૂધ સિવાય ખેતીમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news