ગુજરાતના આ શહેરમાં તમારી પ્રોપર્ટી હોય તો સાચવજો, ખોટા દસ્તાવેજ બનાવીને છેતરવાનું કૌભાંડ પકડાયું
Rajkot Property Scam : રાજકોટના સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજના આધારે ચાલતું પ્રોપર્ટી કૌભાંડ પકડાયું છે, જેમાં મૂળ માલિકના નામ જ બદલી દેવાતા હતા, 40 વર્ષ કે તેથી જૂની પ્રોપર્ટીમાં કરાતા હતા આ કૌભાંડ
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં અસલી કચેરીમાં નકલીનો ખેલ!..જી.હા સબ રજિસ્ટાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજનું કૌભાંડ સામે આવ્યું. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જયદીપ ઝાલા સહિતના 3 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. જયદીપ ઝાલા કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો. આરોપીઓએ કિંમતી દસ્તાવેજોનો કપટ પૂર્વક નાશ કર્યો હતો. આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા. 17 જેટલા બોગસ દસ્તાવેજો કર્યા હોવાનું ખુલ્યું. આરોપીઓએ મૂળ કોપીમાં છેડછાડ કરી હોવાનું ખુલ્યું.
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવી જમીન માલીક બદલી દેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં ઓપરેટરો દ્વારા 40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજોમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા તો કેટલાકમાં તો માલિકો જ બદલાવી દેવાયા હતા. પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી. જૂઓ કેવી રીતે આચર્યું કૌભાંડ અમારા આ રિપોર્ટમાં..
- જમીનોના દસ્તાવેજમાં પણ કૌભાંડ..
- 1972 પહેલાના દસ્તાવેજોમાં આચર્યું કરોડોનું કૌભાંડ!
- ડીઝીટલમાં કરી છેડછાડ, ઓરીજીનલ હાર્ડ કોપી ફાડી નાંખી!
- પણ નોંધણી રજીસ્ટરે ખોંલી નાખી પોલ..
- ત્રણ શખ્સો પૈકી એક પોલીસ સકંજામાં..
રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આજ સુધી ખુલ્લેઆમ લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠતી હતી. જોકે હવે તો રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો પણ બોગસ રીતે થવા લાગ્યા છે. આવું અમે નથી કહેતા. આ તો રાજકોટ પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, રાજકોટના મઘરવાડાના જમીનધારકની જમીનના દસ્તાવેજમાં તેમના ઉપરાંત કોઇ અજાણી વ્યક્તિનું બારોબાર નામ ઉમેરી દેવાયાની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં જમીન માલિક દ્વારા અરજી કરવામાં આવી હતી. આ મામલે કચેરીના સબ રજિસ્ટ્રાર અતુલ દેસાઇ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતાં એક જ દસ્તાવેજ નહીં, પરંતુ અનેક દસ્તાવેજોમાં ચેડાં થયાનું ખુલ્યું હતું અને કચેરીમાં જ નોકરી કરતા શખ્સોએ આ ખેલ પાડ્યાનો પણ ભાંડાફોડ થયો હતો. આ મામલે સબ રજિસ્ટ્રાર દેસાઇએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં કચેરીમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં જયદીપ ઝાલા, અગાઉ નોકરી કરી ચૂકેલા હર્ષ સાહોલિયા અને કિશન ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયદીપ ઝાલા સહિતના આરોપીઓએ વર્ષ 1972 એટલે કે, 40 વર્ષ કે તેથી વધુ જૂના દસ્તાવેજોમાં ચેડાં કરી તેની જગ્યાએ ડીઝીટલ કોપીમાં નામ ઉમેરી નવા દસ્તાવેજ સ્કેન કર્યા હતા અને ઓરિજિનલ દસ્તાવેજનો નાશ કરી નાંખ્યો હતો. પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
આ રીતે કૌભાંડ આચરવામાં આવતું
જયદીપ ઝાલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે અને હર્ષ અગાઉ નોકરી કરતો હતો. કચેરીમાં 40 વર્ષથી જૂના દસ્તાવેજો પડ્યા હતા તેના કાગળો રદ્દી જેવા થઇ ગયા હતા. કેટલાકમાં તો વાંચવું પણ મુશ્કેલ લાગતું હતું. આવા દસ્તાવેજો તથા જે જૂના દસ્તાવેજોમાં વર્ષોથી કોઇ એન્ટ્રી પડી ન હોય તેને શોધીને સ્કેન કરી તેમાં નવા નામ ઉમેરી દેતા હતા. જયદીપ અને તેની ગેંગે 17 થી વધુ નકલી દસ્તાવેજ બનાવી નાખ્યા હતા. આ પૈકીની કેટલીક મિલકતો પર કબજો થયાની શંકા સેવાઇ રહી છે
ઓપરેટર જયદીપ ઝાલા અને તેના મળતિયાએ નકલી દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ આચર્યાની મંગળવારે સાંજે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરાતાં જ પીઆઇ ભાર્ગવ ઝનકાંતે જયદીપને બોલાવતા જયદીપ સ્કૂટર લઇને પોલીસ મથકે પહોંચ્યો હતો. પાર્કિંગમાં પાર્ક કરાયેલા સ્કૂટરની ડેકી પોલીસે ખોલતાં જ અંદરથી દારૂની એક બોટલ અને રૂ.1,17,800 રોકડા મળી આવ્યા હતા. જોકે અન્ય આરોપીઓ હર્ષ સાહોલિયાના રહેઠાણ પર દરોડો કરતા હર્ષ ફરાર થઇ ગયો હતો પરંતુ તેના ઘરમાંથી સ્ટેમ્પ પેપર, જિલ્લા કલેકટર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીના રબ્બર સ્ટેમ્પ મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે, આ કૌભાંડ માત્ર સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 પૂરતું જ ન રહી અન્ય કચેરીઓમાં પણ હોવાની શંકા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેટલા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે