ગુજરાતમાં નેતાઓના વર્ચસ્વની લડાઈમાં ભાજપના ઘરમાં કજિયાં, આ 8 લોકસભા બેઠક પર ખખડી રહ્યાં છે વાસણો

Gujarat Politics: ગુજરાતમાં શિસ્તબદ્ધ અને સવા કરોડ સભ્યો ધરાવતી પાર્ટી ભાજપમાં ઘરના કજિયાં શાંત થવાનું નામ લઈ રહ્યાં છે. આંતરિક કાવાદાવાથી હાઈ કમાન્ડ પણ કંટાળ્યું છે. પ્રદેશના નેતાઓ પોતાની બાજી સંભાળવામાં વ્યસ્ત રહેતા સ્થિતિ એટલી બધી વકરી ચૂકી છે કે ચૂંટણીમાં કોંગ્રેસનો પડકાર નહીં, ભાજપને ભાજપ જ સતાવી રહી છે, નેતાઓ એકબીજાને પાડી દેવામાં વ્યસ્ત બન્યા છે. 

ગુજરાતમાં નેતાઓના વર્ચસ્વની લડાઈમાં ભાજપના ઘરમાં કજિયાં, આ 8 લોકસભા બેઠક પર ખખડી રહ્યાં છે વાસણો

Gujarat Politics : ઘર ફૂટે ઘર જાય એમ આંતરિક ક્લેશમાં ભાજપ પોતાનો ટાર્ગેટ ન ગુમાવે એ સૌથી મોટી ચિંતાનો વિષય પાર્ટી માટે બન્યો છે. ઘરમાં વાસણ હોય તો ખખડે તે કહેવત હવે ભાજપના ફીટ એટલા માટે બેસતી નથી કારણ કે અહીં વ્યક્તિગત વર્ચસ્વની લડાઈ છે જેનો ભોગ ભાજપ પાર્ટી બની રહી છે. સ્થાનિક નેતાઓ ઘરના કજિયાં ડામવામાં સફળ રહ્યાં નથી. એક નેતાને કારણે ક્ષત્રિયોનો વિવાદ એટલો વધી ગયો છે કે પાર્ટીના તમામ ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં અસર થઈ રહી છે. રાજકોટમાં અસ્મિતા સંમેલન બાદ ગુજરાતમાં સમીકરણો બદલાયા છે. 

પાર્ટીમાં લાગેલી આ આગ બુઝાવવા પ્રદેશ નેતૃત્વ ફેલ

વડોદરાથી શરૂ થયેલો આ કકળાટ, સાબરકાંઠા આણંદ, રાજકોટ, અમરેલી, આણંદ, વલસાડ, પોરબંદર થઈને જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ પાર્ટીને નડી રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડ લોકસભાની ચૂંટણી હોવાથી બીજા રાજ્યો પર ફોકસ કરી રહી છે પણ એક સપ્તાહ બાદ મોદી અને અમિત શાહનું ધ્યાન ગુજરાત પર હશે આ સમયે હાઈકમાન્ડ કેટલાક નેતાઓનો વારો પાડી લે તેવી પૂરી સંભાવના છે. પાર્ટીમાં લાગેલી આ આગ બુઝાવવા પ્રદેશ નેતૃત્વ ફેલ ગયું છે. ભાજપ ડેમેજ કંટ્રોલમાં સફળ ન રહેતાં પાર્ટીને નુક્સાન થઈ રહ્યું છે. હવે આગામી દિવસોમાં ભાજપને કેટલું નુક્સાન કરાવે છે એ તો સમય જ બતાવશે કે 

નેતાજીને સીડીથી કરાઈ રહ્યાં છે ટાર્ગેટ...

આણંદમાં નેતાજીને કથિત સીડીના બહાને ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. આ પહેલાં એમની ટિકિટ કાપવાના પણ પ્રયાસો થયા હતા. જેમાં દિલ્હી હાઈકમાન્ડનું તેડું પણ આવ્યું હતું. ભલે નેતાજી નનૈયો ભણી રહ્યાં અને કોઈ પણ વિવાદમાં સામેલ ન હોવાનું જણાવી રહ્યાં છે પણ આગ વિના ધૂમાડો ન ઉઠે એ સૌ કોઈ જાણે છે.  કેન્દ્ર સરકારના એક અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના જમીન સંપાદનની કાર્યવાહીમાં જે આક્ષેપો થયા તેમાં એક કેન્દ્રીય મંત્રી પર પણ છાંટા ઉડયા છે. આ કેસમાં પ્રદેશ કક્ષાના એક નેતાની ખૂબ અંગત વ્યક્તિએ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળે છે. સીડી મામલે સૌ કોઈ ચૂપ છે પણ ગુજરાતમાં અહીં સરા જાહેર ચર્ચા છે. 

સાબરકાંઠા : સાબરકાંઠામાં ઠાકોર ઉમેદવાર જાહેર થયા બાદ ઉઠેલા વિવાદને અંતે પાર્ટીએ ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. આમ છતાં શોભનાબેન સામે વિરોધ ભલે શાંત થયો પણ અંદરો અંદર વિખવાદો હજુ યથાવત છે. સીએમ સામે બારૈયાનો કકળાટ છતાં પાર્ટી હવે ફરીવાર ઉમેદવાર બદલવાના મૂડમાં નથી.પહેલેથી જ ભાજપ સાથે સંકળાયેલા સિનિયર નેતાઓના નામ આ વિવાદમાં ઢસડાઇ રહ્યા છે. અહીં ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે અને પત્રિકાકાંડ પણ ચલાવ્યો છે.  

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ છે.  પાર્ટીએ અહીં જે નેતાને ટિકિટ આપી છે તે  મૂળ કાંગ્રેસી એવા ચંદુ શિહોરા મોરબીના છે. એમની ઉમેદવારી માટે એવું કહેવાય છે કે પાર્ટીના ઉપાધ્યક્ષ જયંતી કવાડિયાએ પરાણે સુરેન્દ્રનગરના માથે થોપતાં સ્થાનિક નેતાઓમાં નારાજગી છે. કોગ્રેસે અહીં ઋત્વીક મકવાણાને ટિકિટ આપતાં અહીં રસાકસી જામી છે. ક્ષત્રિય સમાજનો સૌથી વધારે વિરોધ આ બેઠક પર છે. 

વલસાડ : વલસાડમાં ધવલ પટેલનું રાજકારણ પુરૂ કરવામાં આયાતીનો થપ્પો લગાવીને શરૂઆતમાં જબરદસ્ત રાજકારણ શરૂ થયું હતું.  સ્થાનિકો માટે સાવ અજાણ્યા ઉમેદવાર હોવાની વાતે શરૂ થયેલો વિવાદ ભાજપના આંતરિક ઝઘડાની ફળશ્રુતિ હતી. હવે નવયુવાન નેતા સાંસદ બને તો બાકીના નેતાઓને પોતાનું મહત્વ પૂરું થઈ જવાની બીક છે તેથી અહીં હુંસાતુંસી વધી હતી. વાત એટલે સુધી પહોંચી હતી કે ધવલ પટેલની પણ ટિકિટ બદલાશે પણ ભાજપે વિવાદને ડામી દીધો છે. વલસાડ એ ભાજપનો ગઢ ગણાય છે. કોંગ્રેસ અહીં અનંત પટેલને ઉતાર્યા હોવાથી આ બેઠક પર રસાકસી રહે તેવી સંભાવના છે. 

રાજકોટ: રૂપાલાના વિવાદિત પ્રવચનનો વીડિયો જાણી જોઈને વાયરલ કરાયો હતો. આ એક નોર્મલ કાર્યક્રમ હતો જેમાં મીડિયાની હાજરી પણ ન હતી પણ રૂપાલાના આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થઈ ગયો છે. જેને કારણે ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી. આ વીડિયોને ચોક્કસ લોકો સુધી પહોંચાડવા માટે રાજકોટના ભાજપના જ નેતાએ નવું સિમ કાર્ડ અને નવો મોબાઇલ એક કાર્યકરને અપાવીને સ્પીચ વાઇરલ કરવાનો કારસો રચ્યો હોવાની ચર્ચા છે. આ મામલે દિલ્હી સુધી રિપોર્ટ પહોંચ્યા છે. આ મુદ્દે પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોધરાનું નામ ઉછળતાં તેમને સ્પષ્ટતા કરવી પડી હતી. આમ રાજકોટમાં પણ ઘરના ભેદીએ જ લંકામાં આગ ચાંપી છે. 

અમરેલી: અમરેલીમાં કાછડિયા અને વેકરિયાના સમર્થકો વચ્ચેની લડાઈ કોઈથી ભૂલાય તેવી નથી. પહેલીવાર ભાજપ નેતાઓના કાર્યકરો મારા મારી સુધી પહોંચ્યા હતા. ચૂંટણીની બેઠક બાદ ભરી બજારમાં બે નેતાના જૂથના કાર્યકરો મારામારી બાદ તેમને દાખલ કરવા પડે તેટલી સ્થિતિ ગંભીર હતી. આ બંને જૂથો એકબીજા સાથે હિસાબ ચૂકતા કરવાની તકમાં છે. અહીંથી ભરત સુતરિયા સામે પણ વિરોધ નવો નથી. અમરેલીમાં અંદરો અંદરની ટાંટિયાખેંચ જાહેરમાં આવી ગઈ છે. 

કચ્છ: ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા એ સીઆરના ખાસ અંગત હોવાની સાથે બિનવિવાદિત રહ્યા છે. પરંતુ સ્થાનિક ભાજપના નેતાઓ જ તેમની પ્રગતિ આડે રોડા નાંખવા બાંયો ચડાવીને બેઠાં છે. કચ્છના ગામડાંમાં રૂપાલાના વિરોધના નામે ચાવડાને પ્રવેશ કરતા અટકાવાઇ રહ્યા છે, તેમાં પણ આંતરિક રાજકારણ છે. આમ ભલે ચાવડાનું પલ્લું ભારે હોય પણ જેમને ટિકિટની આશા હતી એ રૂપાલા વિવાદનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. 

વડોદરા: આ બેઠકને ભાજપનો ગઢ ગણાય છે પણ અહીં જૂથવાદ ચરમસીમાએ હોવાથી નેતાઓ એકબીજાનો હિસાબ ચૂકતે કરવામાં વ્યસ્ત બન્યા છે. ભાજપે અહીં ઉમેદવાર બદલી કાઢ્યા છતાં પણ નેતાઓ એકબીજાને કાપવાના મૂડમાં છે. અહીં ભાજપના નેતાઓ વચ્ચે તકરારો કાયમી બની ગઈ છે. જેને પગલે શહેરના વિકાસમાં પણ રોડાં નાખી રહ્યાં છે. વડોદરામાં સૌથી પહેલો વિખવાદ શરૂ થયો હતો. જે આખા રાજ્યમાં ફેલાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news