નવા નિયમોના લીધે ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાંયે જેવા ઘાટ: જાણો જિલ્લા-તાલુકા અને પાલિકાની ચૂંટણીમાં કોણ બનશે વિભીષણ?
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઠીક પહેલાં ઉમેદવારી માટે નવા નિયમો જાહેર કર્યાં. નવા નિયમોને કારણે ભાજપમાં અસંતુષ્ટો એક્ટિવ થઈ ગયા છે. મનપાની ચૂંટણીઓ બાદ આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓમાં દાવેદારી માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. ગિપ્ત બેઠકો યોજીને પક્ષ વિરુદ્ધ કામ કરવાની પણ વેચરણ થઈ રહી હોવાનું ભાજપના આંતરિક સૂત્રો જ જણાવી રહ્યાં છે.
- જો ભાજપ ટિકિટ ના આપે તો આક્રમક મૂડમાં અસંતુષ્ટો
- ચૂંટણીમાં દાવેદારી કરવા ગુપ્ત બેઠકોનો દૌર શરૂ
- હોદ્દેદારો ટિકિટ ના મળે તો અલગ ચોકો રચવાની વેતરણમાં
નવા નિયમોને કારણે ઘણાં જૂના જોગીઓના પત્તા કપાયા
Trending Photos
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ વખતે કદાચ સૌથી વધુ ચર્ચા ભાજપના નવા નિયમોની થઈ રહી છે એમ કહીએ તો ખોટું નથી. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે બનાવેલાં નવા નિયમોને કારણે ઘણાં જુના જોગીઓના પત્તા કપાઈ ગયા છે. આ સ્થિતિને કારણે હવે ભાજપમાં અસંતુષ્ટોની એક આખી લોબી પણ એક્ટિવ થઈ ગઈ છે. અને આ લોબી પક્ષને નુકસાન કરવા માટે છુપી રીતે પ્રયાસો કરી રહી છે. તેથી નવા નિયમોને કારણે ભાજપમાં આ વખતે ઘર કા ભેદી લંકા ઢાંયે જેવા ઘાટ જોવા મળી રહ્યાં છે. જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં અસંતુષ્ટ ટિકિટવાછુંઓની બેઠક શરૂ થઈ ગઈ છે અને જરૂર પડે તો નગરપાલિકામાં નાગરિક સમિતિના નામે પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, તો બીજી તરફ જે દાવેદારોને ટિકિટ ના મળે તો પક્ષાંતર કરવાના બદલે પક્ષમાં રહીને જ નિષ્ક્રિય રહેવા અથવા તો ઉમેદવારને નુકસાન કરી શકે એવી શક્યતા છે.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે અચાનક જ દાવેદારો અને ઉમેદવારો માટે જે માપદંડ જાહેર કર્યા એનાથી ફક્ત મહાનગરો જ નહિ, પરંતુ જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ પક્ષમાં ગંભીર પડઘા પડયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ સી.આર.પાટીલ ખુદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ પ્રવાસ પર હતા. એ સમયે પણ તેમણે આ નવા માપદંડો અંગે કોઈ સંકેત અપાયો નહી. અને સેન્સ લેવા આવનારા નિરીક્ષકો પણ આ નિયમોથી અજાણ હતા. એ વચ્ચે ઓચિંતી જ પાર્લમેન્ટરી બોર્ડના કલાક પૂર્વે આ માપદંડો જાહેર કરીને ભાજપમાં ભૂકંપ સર્જ્યો હતો. રાજકીય વર્તુળોમાં હાલ જે બાબત ખાસ ચર્ચાઈ રહી છે તે એ છેકે, પાટીલે બનાવેલાં નવા નિયમોને કારણે પક્ષના જ અસંતુષ્ટો વિભીષણ બનીને ચૂંટણીઓમાં ભાજપને નડી શકે છે.
નાગરિક સમિતિના નામે પણ ચૂંટણી લડવાની તૈયારી
સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કઠોર માપદંડ લાદી દેતાં ભાજપના ટિકિટવાંછુઓ પણ હવે આરપારની લડાઈમાં ઉતરી આવ્યાં છે. મહાનગરપાલિકા બાદ હવે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના દાવેદારોને જો ભાજપ ટિકિટ ના આપે તો શું કરવું તે અંગે ગુપ્ત બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. અંસુષ્ટો તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષ નહીં તો નગરપાલિકામાં અલગ નાગરિક સમિતિ બનાવીને ચૂંટણી લડવાના મૂડમાં જણાઈ રહ્યાં છે.
ગ્રામીણક્ષેત્રનું રાજકારણ મહાનગરો કરતાં અલગ
સ્થાનિક સ્વરાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પક્ષની ભેદરેખા અત્યંત પાતળી હોય છે અને છેલ્લાં પાંચ વર્ષમાં આ પ્રકારના અનેક પક્ષાંતરો થયા છે. ગ્રામીણક્ષેત્રનું રાજકારણ મહાનગરો કરતાં અલગ હોય છે અને ત્યાં વ્યક્તિગત સંબંધો અને વ્યક્તિગત વર્ચસ્વ વધુ ભૂમિકા ભજવતાં હોય છે, જેથી આ માપદંડથી રહી ગયેલા લોકોની ભૂમિકા શું હશે એ અંગે પણ ભાજપમાં ચર્ચા છે અને નવાં સમીકરણો બને એવી શક્યતા પણ નકારાતી નથી.
નવા નિયમોથી જુના જોગીઓ થયા ઘરભેગા
ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ ભાજપમાં ભડકો થયો છે. નવા નિયમોને કારણે જૂના જોગીઓના પત્તા કપાતા કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. માત્ર અમદાવાદનો જ દાખલો આપીએ તો, ભાજપે પોતાના 142 કોર્પોરેટરોમાંથી માત્રને માત્ર 36 ને જ ફરી રિપીટ કર્યાં છે. નવા નિયમોને કારણે બાકીને 106 કોર્પોરેટરોની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. કંઈક આજ પ્રકારની સ્થિતિ રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ જોવા મળી. ઈતિહાસમાં પહેલીવાર મેયર, સત્તાપક્ષના પ્રમુખ, સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન જેવા હોદ્દેદારો પણ નવા નિયમને કારણે ઘરભેગા થઈ ગયાં.
પાટીલે બનાવેલાં આ 3 નિયમો ભાજપના જ નેતાઓને પડ્યાં ભારે
ત્રણ ટર્મ કે તેથી વધુ વખત ચૂંટાવાને લીધે અથવા 60થી વધુ વય હોવાથી જુના જોગીઓની ટિકિટ કપાઈ છે. આ સાથે જ સગાવાદ નહીં ચલાવવાની જાહેરાત કરીને પણ પાટીલે ભાજપના ઘણાં નેતાઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે