કોંગ્રેસે કહ્યું, રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચના નિર્ણયને કોર્ટમાં પડકારશે
Trending Photos
તૃષાર પટેલ/વડોદરા :કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ડભોઇ ખાતે બનેલ દુર્ઘટનામાં મૃતકોના પરિજનોની મુલાકાત લીધી હતી. જેના બાદ તેમણે એક પત્રકાર પરિષદમાં રાજ્યસભાની ચૂંટણીમાં બે વાર મતદાન કરવા અંગેની બાબતે પ્રતિક્રીયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચના નિર્ણયને કોર્ટમાં પડકારશે.
વડોદરા સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા દરમિયાન અમિત ચાવડાએ કહ્યું કે, 2017માં રાજ્યસભાના બે સભ્યો ચૂંટાયા હતા. જે બે બેઠક હાલ ખાલી પડી છે. ચૂંટણી પંચની કામગીરીને લઈને કોંગ્રેસને આશંકા છે. તેથી પરેશ ધાનાણી અને મેં બને એ લેખિતમાં ચૂંટણી પંચને રજૂઆત કરી હતી. બે સીટની ચૂંટણી અલગ અલગ ના કરે તે પ્રકારની તકેદારી રાખવા અમે રજૂઆત કરી હતી. અમારી આશંકા સાચી ઠરી છે અને ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું છે. આ બાબતથી ચૂંટણી પંચ પર સરકારનું દબાણ પૂરવાર થયું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ મામલે વાલિયા બેઠકના ચુકાદાને ટાંકયો એ યોગ્ય નથી. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને સાથે ચૂંટાયા હતા અને ચૂકાદાને ટાંકી પ્રજાને ગુમરાહ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ માટે કોંગ્રેસ લિગલ પ્રોસેસ માટે કામગીરી કરી રહ્યું છે. આ નોટિફિકેશનને કાયદાકીય રીતે કોંગ્રેસ પડકારશે. બંને સીટની ચૂંટણી એકસાથે થવી જઈએ એ બંધારણીય જોગવાઈ છે, તેમ છતાં નિયમોને કોરાણે મૂકીને ગેરબંધારણીય રીતે જાહેરનામું બહાર પાડ્યું છે. આ માટે સુપ્રિમ કોર્ટમાં પણ જઈશું. બેઠક પરથી હારવાનો કોંગેસને ડર નથી. પરંતુ બંધારણની વિરુદ્ધ ચૂંટણી પંચ કામગીરી કરે તેનો વિરોધ છે. અલગ અલગ ચૂંટણીથી બીજેપીને ફાયદો થાય તેમ છે. એક સીટ ભાજપને ગુમાવવી ન પડે તે માટે તેઓ ચૂંટણી પંચનો દુરુપયોગ કરી રહ્યા છે. સુપ્રિમ કોર્ટ સર્વોચ્ચ છે, તેથી ત્યાં ન્યાય માટે જવું છે.
ડભોઈમા 7 મજૂરોના મોતની ઘટના અંગે પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સુપ્રિમની માર્ગદર્શિકા હોવા છતાં ખાળકૂવાના સફાઈ માટે લોકોનો ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષના આંકડા જોઈએ તો ઘણા લોકોના આ જ પ્રકારે મોત થયા છે. સરકાર હોટેલ સંચાલક સામે પગલાં લેવાની વાત કરે છે, પરંતુ સંવેદનશીલ સરકાર કોઈ ઠોસ કાર્યવાહી નથી કરવા માંગતી. અગાઉ પણ સ્વાગત કાર્યક્રમ થકી ફરિયાદ કરવામાં આવી હતી. જેની સામે કાર્યવાહી કરાઈ ન હતી. સરકારમાં બેઠેલા લોકોને ખબર હતી કે સમસ્યા હતી તો અધિકારીની બેદરકારીને લઈને શા માટે સરકાર પગલાં લેતી નથી. તાલુકા હેલ્થ ઓફિસર સહિત જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ. જેથી સમાજમાં એક દાખલો બેસે.
ઉલ્લેખનીય છે, અમિત ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્ય અને એસસી સેલના પ્રદેશ પ્રમુખ નૌશાદ સોલંકીએ ડભોઇ ખાતે બનેલ દુર્ઘટનામાં મૃતકોના પરિજનોની મુલાકાત લીધી હતી. ગુજરાતની બે બેઠકોની રાજ્યસભાની ચૂંટણીની આજે કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભાની ચૂંટણી જીતતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો. 18 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે નોટીફીકેશન જાહેર થશે જ્યારે ફોર્મ ભરાવની અંતિમ તારીખ 25 જૂન છે. 28 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને 5 જુલાઇના રોજ ચૂંટણી યોજાશે. 5 જુલાઇએ જ ચૂંટણીની મતગણતરી થશે. જો કે રાજ્યસભાની આ બંને બેઠકો પર ભાજપ જ કબ્જો કરશે તેવું લાગી રહ્યું છે. આ પેટાચૂંટણીમાં ધારાસભ્યો બે વાર મત આપી શકશે. બે પૈકી એક બેઠક પર ભાજપના ઉમેદવાર નક્કી જ છે. વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની એક બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે