ખાલી પડેલી માણાવદર બેઠક માટે ઉમેદવાર શોધવા કોંગ્રેસની કસરત શરૂ

કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં ભળી જતા લોકસભાની સાથે સાથે માણાવદર વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જવાહર ચાવડા સામે ઉમેદવાર પસંદ કરવા માટે કવાયત શરૂ કરી છે. રવિવારે જૂનાગઢના વંથલી ખાતે કોંગ્રેસ દ્વારા નિયુક્ત નિરીક્ષકો પહોંચ્યા ત્યારે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તે રીતે કોંગી કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. 
ખાલી પડેલી માણાવદર બેઠક માટે ઉમેદવાર શોધવા કોંગ્રેસની કસરત શરૂ

હનીફ ખોખર/જુનાગઢ :કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં ભળી જતા લોકસભાની સાથે સાથે માણાવદર વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જવાહર ચાવડા સામે ઉમેદવાર પસંદ કરવા માટે કવાયત શરૂ કરી છે. રવિવારે જૂનાગઢના વંથલી ખાતે કોંગ્રેસ દ્વારા નિયુક્ત નિરીક્ષકો પહોંચ્યા ત્યારે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તે રીતે કોંગી કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. 

લોકસભાની ચૂંટણીની સાથે સાથે માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. કારણ કે માણાવદરના કોંગી ધારાસભ્ય જવાહર ચાવડાએ ભગવો ખેસ ધારણ કરીને મંત્રી બની જતા અણધારી પેટાચૂંટણી આવતા કોંગ્રેસ દ્વારા જવાહર ચાવડા સામે સક્ષમ ઉમેદવાર શોધવા કસરત શરુ કરી દીધી છે. રવિવારે જૂનાગઢના વંથલી ખાતે કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરેલ જૂનાગઢના પ્રભારી એવા બાબુભાઈ માંગુકિયા, માજી મંત્રી એમ.કે. બ્લોચ અને દિનેશભાઈ મકવાણા જ્યારે સેન્સ લેવા પહોંચ્યા, ત્યારે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને સેન્સ એક સંમેલનના રૂપમાં ફેરવાઈ ગયું હતું. આ પ્રસંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા હાજર રહ્યા હતા. નિરીક્ષક બાબુભાઇ માંગુકિયાએ જણાવ્યું હતું કે, દાવેદારી તો અનેક લોકોએ કરી છે પરંતુ જે સક્ષમ હશે તેને જ ટિકીટ આપવામાં આવશે અને જવાહરભાઇએ પ્રજાનો દ્રોહ કર્યો છે. તે મુદ્દો બનાવી અમે ચૂંટણી જીતવાના છીએ. 

માણાવદરની બેઠક પર જવાહર ચાવડા 1990 થી 2017 સુધીમા ચાર વખત જીત્યા છે. તો વર્ષ 1995, 1998 અને 2002માં ભાજપના રતિભાઈ સુરેજા સામે સતત ત્રણ વખત હારનો સ્વાદ પણ ચાખી ચૂક્યા છે. પરંતુ ગત ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરના કારણે ભાજપના નીતિન ફળદુ સામે 30,000 માટેની જંગી લીડ સાથે જીત મેળવી હતી. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, ત્યારે જવાહરભાઇ સામે ચૂંટણી જીતવા ખુદ જવાહર ચાવડાના સાથીઓ જ મેદાનમાં
આવે તેવી શક્યતાઓ છે. એક વખતના જવાહર ચાવડાના કાર્યકર એવા અરવિંદભાઈ લાડાણી, રાજકોટના ક્રિષ્ના વોટરપાર્કવાળા હરિભાઈ પટેલ, વિનુભાઈ અમીપરા, કિશોરભાઈ હદવાણી, પાસ નેતા અમિત પટેલ, ચુનીભાઈ પનારા
સહિતના કોંગી કાર્યકરોએ ટિકીટો માંગી છે.

માણાવદર બેઠક ઉપર સૌ પ્રથમ કડવા પાટીદારો અને પછી લેઉવા પટેલોનો દબદબો છે, તે ઉપરાંત દલિત અને મુસ્લિમના માટે પણ નિર્ણાયક ગણાય છે. તેવામાં કોંગ્રેસ બેઠક જીતવા માટે કેવા ઉમેદવાર ઉપર પસંદગી કરે છે તે તો આવનારો સમય જ કહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news