ભોજનમાંથી નીકળ્યાં મરેલાં દેડકાં અને જીવાત; હવે ભોજન તૈયાર કરાવનાર મેનેજરનો ઘટસ્ફોટ!
ભાવનગર જિલ્લાના સણોસરા ગામે આવેલ વિશ્વ વિખ્યાત લોક ભારતી સણોસરા ગ્રામ વિદ્યાપીઠમાં ગુજરાતભર માથી આવતા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળી હતી. અનેક વખત રજૂઆત છતાં ભોજન બનાવવામાં બેદરકારી સામે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જોકે સંસ્થાના સંચાલકો દ્વારા હાલના વરસાદી વાતાવરણના કારણે આવું બન્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ આવું જીવાત વાળું ભોજન ખાવાથી કોઈ વિદ્યાર્થીને કઈ નુકશાન થાય તો એનું જવાબદાર કોણ?
ભાવનગર જિલ્લાના સણોસરા ગામે આવેલ વિશ્વ વિખ્યાત લોક ભારતી સણોસરા ગ્રામ વિદ્યાપીઠમાં ગુજરાતભર માથી આવતા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થામાં રહેવા જમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે અને માત્ર 120 રૂપિયામાં ત્રણ ટાઇમનું ભોજન સંસ્થાના વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે છે. જેમાં આજે બપોરના સમયે પીરસવામાં આવેલા ભોજનમાં જીવાત જોવા મળી હતી, જેમાં પુલાવ જેવી વાનગીમાં મૃત કાનખજુરો અને તુવેરદાળ માથી મૃત દેડકો મળી આવ્યો હતો. જમવા સમયે આવા જીવજંતુ મળી આવતા વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
જે અંગે ઝી મીડિયાની ટીમે વાતચીત કરતા વિદ્યાર્થીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જોકે વિદ્યાર્થીઓનું એ પણ માનવું હતું કે ચોમાસાની સીઝન હોય આવા જંતુઓ જોવા મળતા હોય છે. ભોજન તૈયાર કરાવનાર મેનેજર સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, વાતાવરણની અસર મુજબ જીવજંતુઓ આવી જતા હોય છે, સાથે તેમણે આવા જંતુઓ નીકળ્યા હોવા અંગે પણ સ્વીકાર કર્યો હતો.
ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા માતૃ સંસ્થા છે જે સિહોરના આંબલા ગામમાં આવેલી છે. જેની સ્થાપના 1938માં કરવામાં આવી હતી, એટલે કે 75 વર્ષ કરતા જૂની આ સંસ્થા વિશ્વ વિખ્યાત છે. જેને સંલગ્ન લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ કે જે સિહોરના સણોસરા ગામે આવેલી છે. આ સંસ્થામાં ભણેલા અનેક વિદ્યાર્થીઓ સારી કારકિર્દી મેળવી ઉચ્ચ કક્ષાએ નામના મેળવી ચૂક્યા છે. ગાંધીજીના વિચારોને વળગી રહેનાર આ સંસ્થા દ્વારા આશ્રમ ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ ચારિત્ર્ય ઘડતરમાં મહત્વનું યોગદાન આપી રહી છે. અત્યાર સુધી આ સંસ્થમાં ભોજન સહિતની વ્યવસ્થા વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવતુ હતું.
પરંતુ, હાલના અભ્યાસક્રમ અને આધુનિક અભ્યાસક્રમ સાથે તાલમેલ બેસાડવા હવે અહીં ભોજન વ્યવસ્થા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી તૈયાર કરવામાં આવી રહી છે. જેના કારણે આવા પ્રશ્નો સામે આવી રહ્યા છે. સંસ્થાના નિયામક અને ટ્રસ્ટી સાથે પણ ઝી મીડિયાની ટીમે વાતચીત કરી હતી, જેમાં જીવાત નીકળવાની વાત નો તેમણે વિના સંકોચ સ્વીકાર કર્યો હતો, અને સાથે વાતાવરણ ની અસરો અને વિદ્યાર્થીઓ જમવા માટે ભોજન કક્ષના બદલે બહાર બેસતા હોવાના કારણે ઘણીવાર જીવાત પડતી હોવાનું જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે