close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઢોંગી 'ઢબુડી માતા' ઉર્ફે ધનજી ઓડ મોડી રાત્રે પેથાપુર પોલીસ સ્ટેશમાં થયો હાજર

ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દેતાં પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને નોટીસ ફટકારી હતી અને ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન આપ્યું હતું   

Yunus Saiyed - | Updated: Sep 12, 2019, 12:10 AM IST
ઢોંગી 'ઢબુડી માતા' ઉર્ફે ધનજી ઓડ મોડી રાત્રે પેથાપુર પોલીસ સ્ટેશમાં થયો હાજર

મૌલિક ધામેચા/અમદાવાદઃ 'ઢબુડી માતા' ઉર્ફે ધનજી ઓડ બુધવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવા માટે હાજર થયો હતો. ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દેતાં પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને નોટીસ ફટકારી હતી અને ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન આપ્યું હતું. 

પોલીસે નોટીસ ફટકારી હોવા છતાં ધનજી ઓડ છેલ્લા કેટલાક દિવસથી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, પોલીસની ભીંસ વધી જતાં આખરે બુધવારે મોડી રાત્રે ધનજી પેથાપુર પોલીસ સ્ટેશન હાજર થયો હતો. ઢોંગી ધનજી ઓડ મોડી રાત્રે એટલા માટે પોલીસ સ્ટેશને હાજર થયો, જેથી તેના કાળા કરતુતો તેનાં ભક્તો સામે ઉઘાડા ન પડી જાય. 

ઉલ્લેખનીય છે કે, ધનજી ઓડ છેલ્લા બે વર્ષથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ગાદી બેસાડી પોતે ઢબુડી માતા હોવાની વાત કરી લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો. તેના આ ઢોંગી દરબારમાં અનેક પોલીસ કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને નેતાઓ પણ હાજરી આપતા હતા. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડનો પર્દાફાશ થઈ જતાં તે છેલ્લા કેટલાક દિવસથી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. 

બોટાદના રહેવાસીએ કરી હતી ફરિયાદ
ધનજી ઓડ સામે બોટાદના રહેવાસી ભીખાભાઈએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, "ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે કેન્સરગ્રસ્ત એવા તેમના પુત્રની કેન્સરની દવા બંધ કરી દેવા જણાવ્યું હતું. ધનજી ઓડે દાવો કર્યો હતો કે, તેના આશિર્વાદથી તેમનો પુત્ર સાજો થઈ જશે. ધનજીના કહેવાથી તેમણે કેન્સરની દવા બંધ કરી દીધી હતી. બાદમાં તેમના પુત્રનું મોત થઈ ગયું હતું. આથી, તેમના પુત્રના મોત માટે ધનજી ઓડ જવાબદાર છે."  

પેથાપુર પોલીસ ધનજી ઓડની અરજીના આધારે ફરિયાદ દાખલ કરીને ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને તેનું નિવેદન લેવા પહોંચી હતી. જોકે, તે પહેલાં જ પોતાના કરતૂતો બહાર આવી જતાં ધનજી ઓડ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ધનજી ઓડના કરતુતોનો પર્દાફાશ થયા પછી તેના ઢોંગ અને ધતીંગના અનેક વીડિયો બહાર આવ્યા હતા. 

જુઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....