રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઓરસંગ નદીમાં ઘોડાપુર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 129 તાલુકામાં મેઘમહેર થઇ છે. ઋતુનો કુલ 19.70% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ નોંધાયો છે.
Trending Photos
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 129 તાલુકામાં મેઘમહેર થઇ છે. ઋતુનો કુલ 19.70% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ નોંધાયો છે. જ્યારે જાંબુઘોડામાં 6 ઈંચ, ચીખલીમાં 5.5 ઈંચ, ગણદેવી, વાંસદા, મહુવા, વઘઇ, અને સુરત શહેરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે, ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે જેને લઈએ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
(છોટાઉદેપુરમાં ભારે વરસાદને લઈ ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું)
છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે. ભારે વરસાદ બાદ ઓરસંગ નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઇ છે. પાણીનો વેગ વધી જતા ઓરસંગ વધુ પ્રચંડ થઈને વહી રહી છે. પાણી 217 ફૂટની સપાટીએ પહોંચી જતાં જોજવા આડબંધ વધુ એક વખત ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદી બે કાંઠે થતા ખળખળ વહેતી નદીની લોકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારે બોડેલીમાં સતત બીજા દિવસે પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો છોટાઉદેપુરમાં 3.5 ઈંચ, ક્વાંટમાં 1.5 ઈંચ, પાવીજેતપુર, સંખેડામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીના ખેરગામ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારના ચાર કલાકમાં 2.72 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ ડાંગમાં ભારે વરસાદને પગલે ગીરાધોધ સોળેકાળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે ગીરાધોધએ પોતાનું રાદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી જિલ્લામાં વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદને પગલે સૂકી પડેલી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. સૂકી પડેલી નદીઓમાં સિઝનમાં પહેલીવાર વરસાદી નીર આવ્યા છે. હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 3 ગેટ 3 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાં 25500 ક્યૂસેક પાણીની આવક થઇ છે તો સામે 11100 પાણીની જાવક નોંધાઇ છે. હાલ આ ડેમની સપાટી 164.08 નોંધાઇ રહી છે ત્યારે તેની ભયજનક સપાટી 166.20 છે. છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં 6.16 ઈંચ, મોરવા હડફ 2.52 ઈંચ, ગોધરામાં 2 ઈંચ, ઘોઘંબામાં 1.10 ઈંચ, હાલોલમાં 1 ઈંચ, શહેરમાં 0.50 ઈંચ અને કાલોલમાં 0.06 ઈંચ વરસાદ નોંધાયો છે.
(ડાંગમાં ભારે વરસાદને પગલે ગીરાધોધએ પોતાનું રાદ્ર સ્વરૂપ ધારણ કર્યું)
મહિસાગર જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. મહિસાગમાં છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકામાં મેઘમેહર થઇ હતી. કડાણા, સંતરામપુર અને બાલાસિનોરમાં 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે લુણાવાડા અને ખાનપુરમાં 1 ઈંચ અને વીરપુરમાં 19 મિમી વરસાદ નોંધાયો છે. જો કે, વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે. તો બીજી બાજુ કડાણા ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. બે દિવસથી સમગ્ર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટીમાં ત્રણ ફૂટનો વધારો થયો છે. હાલ ડેમની જળ સપાટી 392.9 ફૂટે પહોંચી ગઇ છે. તો પાણીની આવક 16110 ક્યુસેક નોંધાઇ છે, તો તેની સામે પાણી જાવક નહીવત છે.
(કડાણા ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો)
દાહોદ જિલ્લાના સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે દાહોલ જિલ્લામાં તાલુકા પ્રમાણેના સાંજે 6થી સવારના 6 વાગ્યા સુધીમાં ગરબાડામાં 34 મિમી, ઝાલોદ 49 મિમી, દેવગઢ બારીયામાં 13 મિમી, દાહોદ 61 મિમી, ધાનપુરમાં 25 મિમી, ફતેપુરા 45 મિમી, લીમખેડામાં 78 મિમી, સંજેલીમાં 34 મિમી અને સીંગવડમાં 85 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ અરવલ્લીમાં ત્રણ દિવસથી મેઘ મેહર જોવા મળી હતી. જ્યારે છેલ્લા 24 કલાકમાં માલપુર તાલુકામાં 2 ઈંચ વરસદા, મેઘરજમાં 1.3 ઈંચ વરસદા, મોડાસા અને બાયડમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે