લવ ટ્રાયએન્ગલ : પ્રેમિકાને પામવા મિત્રએ જ મિત્રને કેનાલમાં ધક્કો માર્યો

 કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, અને પ્રેમને પામવા ખાતર ગમે તે હદ વટાવતા પ્રેમીઓ અચકાતા પણ નથી. પછી ભલે ને તે હત્યા કરવા જેવું હિચકારું પગલું પણ કેમ ના હોય. પંચમહાલમાં આવું જ કંઈક બન્યું છે. પ્રણય ત્રિકોણમાં જ્યાં એક જ યુવતીને પ્રેમ કરતા બે યુવાનોમાંથી પ્રેમમાં આંધળા બનેલા એક યુવાને પોતે પ્રેમ ન પામી શકતા પોતાના જ મિત્રની હત્યા કરી હતી.  

Updated By: Feb 26, 2019, 07:59 AM IST
લવ ટ્રાયએન્ગલ : પ્રેમિકાને પામવા મિત્રએ જ મિત્રને કેનાલમાં ધક્કો માર્યો

જયેન્દ્ર ભોઈ/ગોધરા : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, અને પ્રેમને પામવા ખાતર ગમે તે હદ વટાવતા પ્રેમીઓ અચકાતા પણ નથી. પછી ભલે ને તે હત્યા કરવા જેવું હિચકારું પગલું પણ કેમ ના હોય. પંચમહાલમાં આવું જ કંઈક બન્યું છે. પ્રણય ત્રિકોણમાં જ્યાં એક જ યુવતીને પ્રેમ કરતા બે યુવાનોમાંથી પ્રેમમાં આંધળા બનેલા એક યુવાને પોતે પ્રેમ ન પામી શકતા પોતાના જ મિત્રની હત્યા કરી હતી.  

ગોધરા તાલુકાના કાકણપુર ગામમાં રહેતા અને ખાનગી નોકરી કરતો ૧૯ વર્ષીય યુવાન પૃથ્વીરાજ રાઠોડ ગત તા ૨૧ ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી બર્પોરના સમયથી ગુમ થઇ ગયો હતો. તે દિવસની મોડી રાત્રી સુધી પૃથ્વીરાજ પરત ઘરે ન આવતા તેના માતા પિતા દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પતો મળ્યો ન હતો. આ દરમિયાન પૃથ્વીરાજે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં બાજુના ગામના અને તેના મિત્ર સંદીપ પરમાર સાથે નશો કરતા હોય તેવા ફોટો અપલોડ કર્યા હોવાનું તેના માતા પિતાને જાણ થતા તેના માતા પિતાએ પઢીયાર ગામના સંદીપ પરમારના ઘરે જઈને તપાસ કરી હતી. તે તેના ઘરે પણ મળી આવ્યો ન હતો, બાદમાં પૃથ્વીરાજના સંબંધીઓ દ્વારા તેની વધુ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 

આ દરમિયાન વાવડી ખુર્દ ગામના એક વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું હતું કે, ૩ દિવસ પહેલા બે છોકરાઓ બાઇક ઉપર જતાં હતા. જેમાં એક છોકરાએ બીજા છોકરાને પાનમની કેનાલમાં ધક્કો મારીને નાખી દીઘો હતો. જેથી પૃથ્વીરાજના  પિતાએ પાનમ કેનાલના કિનારે તપાસ કરતાં વેગનપુર પાસે આવેલ કેનાલના સાયફન પાસે પૃથ્વીરાજની લાશ મળી આવી હતી. પૃથ્વીરાજના પિતાએ આ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોધાવી હતી. પોલીસ દ્વારા સમગ્ર બનાવને લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને મૃતદેહને કેનાલની બહાર કાઢી પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આરોપી સંદીપ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મિત્ર એ જ મિત્રની હત્યા કરવા પાછળનું કારણ પ્રણય ત્રિકોણ હોવાનું ખૂલ્યું હતું. ગોધરા તાલુકાના કાકણપુર ગામનો પૃથ્વીરાજ રાઠોડ અને બાજુમાં જ આવેલા પઢીયાર ગામનો સંદીપ પરમાર બંને એકબીજાના ખાસ મિત્રો હતા. દરમિયાન પઢીયાર ગામના સંદીપને કાકણપુર ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી સંદીપ તેના મિત્ર પૃથ્વીરાજ સાથે જ તેની પ્રેમિકાને મળવા માટે અવારનવાર જતો હતો. પરંતુ સંદીપ અને તેની પ્રેમિકા વચ્ચે કોઈ બાબતે અણબનાવ બનતા તે બંને વચ્ચે પ્રેમ સંબંધ તૂટી જવા પામ્યો હતો. થોડા સમય બાદ તે યુવતી સાથે સંદીપના મિત્ર પૃથ્વીરાજે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને તે બાબતની જાણ સંદીપને થતા બંને મિત્રો વચ્ચે પ્રેમિકાને લઈને થોડા સમય અગાઉ ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. બાદમાં સંદીપે બદલો લેવાની ભાવના સાથે તેના મિત્ર પૃથ્વીરાજ રાઠોડનું કાસળ જ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. તેના મિત્ર પૃથ્વીરાજને સમાધાન કરી લેવા જણાવી ગત 21 ફેબ્રુઆરીના રોજ તેને કાકણપુર ગામ પાસે આવેલા જંગલમાં બોલાવ્યો હતો અને તે જંગલમાં બંને મિત્રોએ ભેગા મળીને દારૂની મહેફિલ માણી હતી. 

સંદીપની બદલો લેવાના કાવતરાને ન સમજેલા પૃથ્વીરાજે દારૂની મહેફિલ માણતા ફોટા પણ પોતાના મોબાઈલમાં પાડ્યા હતા અને પોતાના વોટ્સએપના સ્ટેટ્સમાં અપલોડ પણ કર્યા હતા. બાદમાં દારૂના નશામાં ચૂર બનેલા પૃથ્વીરાજને સંદીપે બાઈક પર બેસાડી જઈને ગામ નજીકથી જ પસાર થતી પાનમ નદીની કેનાલમાં ધક્કો માર્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આમ પ્રેમમાં પાગલ બનેલા એક યુવાને પોતાના ખાસ મિત્રની જ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.