શિક્ષણમાં ઐતિહાસિક કહી શકાય તેવી ઘટના, સરકારી શાળામાં પ્રવેશ માટે કતારો

ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને ભણાવવાં હવે દરેક માતાપિતાને મોંઘું પડી રહ્યું છે. ત્યારે બીજી તરફ સરકારી શાળાઓના સ્તરમાં સુધારો થયો છે. જેથી સરકારી શાળાઓ પર લોકો પાછા ફરી રહ્યા છે.

 શિક્ષણમાં ઐતિહાસિક કહી શકાય તેવી ઘટના, સરકારી શાળામાં પ્રવેશ માટે કતારો

સુરતઃ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગરીબ ઘરના બાળકો અભ્યાસ કરતા હતા.  એક સમય એવો આવ્યો કે ગરીબ બાળકો પણ ખાનગી શાળામાં અભ્યાસ કરવા લાગ્યા હતા.  એક સમયે સરકારી શાળાઓમાં જોઇએ તેવી સુવિધાઓ ન હતી. પરંતુ હવે સરકારી શાળાઓમાં ઘણો સુધારો થઈ ગયો છે. ત્યારે લોકો એકવાર ફરી સમિતિ સંચાલિત શાળાઓ પર વળી રહ્યા છે. 

શિક્ષણ સમિતિની કતારગામ તથા લીંબાયત ઝોનમાં આવેલી શાળાઓમાં 500થી વધુ વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે વેઇટિંગમા ઊભા છે. વાલીઓ સમિતિની શાળાઓમાં એડમિશન માટે ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. 95 ટકા વિદ્યાર્થી ખાનગી શાળામાંથી આવી રહ્યા છે. જેથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા હાઉસફુલ થઇ ગઇ છે.

એક તરફ વાલીઓ પર ખાનગી શાળાની ફીનું ભારણ વધ્યું છે.. ત્યારે બીજી તરફ સરકારી શાળાના સ્તરમાં સુધારો આવ્યો છે. વાલીઓ પોતાના બાળકોને ફરી સરકારી શાળામાં ભણાવવા માટે તૈયાર થયા છે.

આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ એક શાળા માટે ખૂબ સારો પ્રતિભાવ છે. આ વિસ્તારના લોકોને શાળા પર વિશ્વાસ છે. આ વર્ષે આ શાળામાં પ્રવેશ માટે ખુબ ઘસારો જોવા મળી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમામ બાળકને ફ્રીમાં શિક્ષણ આપે છે.  ખાનગી શાળામાં જે સુવિધા હોય છે તે તમામ સુવિધા અહીં આપવામાં આવે છે. આ સુવિધાઓ જોઈને વાલીઓ પણ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ફરી સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મુકવા આવે છે. આ વર્ષે અમારી બંન્ને શાળામાં પ્રવેશ મેળવવા માટે ખુબ જ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news