આ અહેવાલથી અમદાવાદીઓનું ટેન્શન ચોક્કસથી વધી જશે, દર 100 માંથી 20 લોકોને થઈ રહ્યો છે કોરોના

આ અહેવાલથી અમદાવાદીઓનું ટેન્શન ચોક્કસથી વધી જશે, દર 100 માંથી 20 લોકોને થઈ રહ્યો છે કોરોના
  • અમદાવાદમાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ પર સવારથી જ શહેરીજનોની લાંબી લાઈન લાગી
  • શહેરમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાના કેસ વચ્ચે નાગરિકો પણ સતર્ક થઈ રહ્યાં છે

અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદથી સતત મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં ખાનગી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ, અમદાવાદમાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ પર સવારથી જ શહેરીજનોની લાંબી લાઈન લાગી છે. શહેરમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાના કેસ વચ્ચે નાગરિકો પણ સતર્ક થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક તબીબના અહેવાલથી અમદાવાદીઓનું ટેન્શન ચોક્કસથી વધી જશે. 

100 સેમ્પલમાંથી 20 ટકા રિપોર્ટ પોઝિટિવ આવે 
કોરોના વેક્સીન લીધા બાદ જે લોકોને કોરોના થયો તેમના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે વેક્સીન લીધી છે અને કોરોના થયો છે, તેમનામાં કોઈ ગંભીર અસર જોવા ન મળી રહી હોવાનું તારણ સામે આવ્યું છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડીન પ્રણય શાહે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં પોઝિટિવિટી રેશિયો ખૂબ વધ્યો છે. છેલ્લા બે અઠવાડીયાથી કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. હાલ લેવાઈ રહેલા 100 સેમ્પલમાંથી 20 ટકા રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. એન્ટીજન ટેસ્ટ સિવાય હાલ 800 જેટલા RTPCR હાલ કરી રહ્યા છે, અગાઉ 500 જેટલા ટેસ્ટ કરાતા હતા. થોડા સમય અગાઉ 100 થી વધુ લોકોના ટેસ્ટ કરીએ એટલે 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતો હતો. સર્વેલન્સના કેસોમાં 500 માંથી એકાદ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતો હતો. 

ગત 8 માર્ચે માત્ર 8 કેસ હતા 
તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની માહિતી આપતા સુપરીટેન્ડન્ટ જેપી મોદીએ કહ્યું કે, હાલ હોસ્પિટલમાં 60 ટકા દર્દીઓને ઓક્સિજન આપવાની જરૂરિયાત પડી રહી છે. સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં 180 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. છેલ્લા એક અઠવાડિયામાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી છે. ગત 8 માર્ચે સિવિલમાં માત્ર 8 કોરોનાના દર્દીઓ દાખલ થયા હતા, પણ હવે સંખ્યા ખૂબ વધી છે. છેલ્લા કેટલાક દિવસથી 70 થી વધુ નવા દર્દીઓ રોજ દાખલ થઈ રહ્યા છે. હાલ દાખલ થઈ રહેલા દર્દીઓની સંખ્યા સામે રોજ 80 ટકા ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. 

ટેસ્ટીંગ ડોમમાં લાંબી લાઈનો પડી 
તો બીજી તરફ, અમદાવાદમાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ પર સવારથી જ શહેરીજનોની લાઈન લાગી છે. આરોગ્યકર્મીઓ અને ટેસ્ટિંગ કીટ ડોમમાં ઉપલબ્ધ થાય એ પહેલાં જ કોરોના ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનો પડી રહી છે. કોરોના ટેસ્ટિંગ ડોમમાં એન્ટીજન ટેસ્ટ અને તેનો રિપોર્ટ તાત્કાલિક આપવામાં આવે છે. અમદાવાદમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી શહેરીજનો પણ ટેસ્ટ કરાવવા સતર્ક થયા છે. વસ્ત્રાપુર ખાતે આવેલા ડોમ પર 9 વાગ્યાથી જ શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા હતા. શહેરમાં સતત વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ વધારવામાં આવ્યા છે. જો કે કોરોના સંક્રમણને વધતો અટકાવવા એન્ટીજન ટેસ્ટ કરતા RTPCR ટેસ્ટ વધારવાની સમયાંતરે તજજ્ઞો સલાહ આપી ચૂક્યા છે. 

ખાનગી હોસ્પિટલમાં બેડની સ્થિતિ 
અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના કેસો વધતા ખાનગી કોવીડ હોસ્પિટલમાં 54 ટકાથી વધુ બેડ દર્દીથી ભરાયા છે. 81 ખાનગી કોવિડ હોસ્પિટલમાં કુલ 2,966 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. 2,966 બેડમાંથી હાલ 1606 બેડ પર કોરોના દર્દીઓ સારવાર હેઠળ, 1360 બેડ ઉપલબ્ધ છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશનના 1188 બેડ ફાળવાયા છે. 595 દર્દીઓ સારવાર હેઠળ, 593 આઈસોલેશનના બેડ ખાલી છે. 1127 HDUના બેડ ફાળવાયા, 676 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે 451 HDU બેડ ખાનગી કોવીડ હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં 421 ICU વિધાઉટ વેન્ટીલેટરના બેડ ફાળવાયા, 230 પર દર્દીઓ સારવાર હેઠળ, 191 બેડ ખાલી છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં ICU વિથ વેન્ટીલેટરના 230 માંથી 105 બેડ ફૂલ છે, જ્યારે કે 125 જેટલા ICU વિથ વેન્ટીલેટરના બેડ ખાલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news