ગુજરાતના બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટે લીધો સરકારનો ઉધડો : જજે કહ્યું, હું ગાડી ચલાવીને જોઇશ કે કાયદાનો કેવો અમલ થઈ રહ્યો છે!
Gujarat Highcourt : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ..કહ્યું અકસ્માત અટકાવવામાં સરકાર ગઈ છે નિષ્ફળ...લોકોને કાયદાનો ડર નહીં હોય તો થતા રહેશે આવા અકસ્માત...
Trending Photos
ahmedabad iskcon bridge accident આશ્કા જાની/અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઇકોર્ટમાં થયેલ અરજી પર આજે જજ એ.એસ.સુપેહિઆ અને એમ.આર.મેંગડેની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા વધુ સમય માંગ્યો હતો. જેને કોર્ટે આપવા ઇનકાર કર્યો હતો. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, તમે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે કયા પગલા લીધા છે? તમને ખબર છે ઈસ્કોન બ્રિજ અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે? આરોપીઓને કાયદાનો ડર નથી. તમારે કાયદાનો અમલ કરાવવો નથી. તમે CCTV કેમેરાની વાત કરી હતી. આ એક્સીડેન્ટમાં સાબિત થયું છે કે ત્યાં CCTV કેમેરા નહોતા.
હાઈકોર્ટે કહ્યું કે, મુંબઇ-દિલ્હીમાં લોકો ટ્રાફિકના નિયમો કડક રીતે પાળે છે. અમદાવાદમાં પોલીસ કર્મચારી ચૂપચાપ રોડ ઉપર ઉભા રહે છે. આ કોર્ટે પર્સનલી જોયું છે. ટ્રાફિક પોલિસ કશું નથી કરતી તે પોતાની આંખો બંધ રાખે છે. કોર્ટ શા માટે જવાબદાર અધિકારીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી ન કરે ? કાયદાનો ડર લોકોમાં હોવો જોઈએ. ઇ-ચલણ તો ચાર રસ્તે ટ્રાફિક નિયમો તોડતા લોકો માટે છે અન્ય રસ્તા પર શું?
નોઈડા, પુણે, બેંગ્લોર જેવી જગ્યાએ રોડ ઉપર કાંટા લગાવવામાં આવે છે. જેથી કરીને વાહન રોંગ સાઈડમાં કે પાછળ જઈ શકે નહીં. તમે કેમ તેવી વ્યવસ્થા નથી કરતા ? સમય આવી ગયો છે કે પોલીસે સખત બનવું પડશે, નહીંતર ઇસ્કોન બ્રિજ જેવા અકસ્માત બને રાખશે. રાત્રે શહેરના રોડ પર પોલીસ પેટ્રોલીંગ થતું નથી. રોડ ઉપર લોકો સ્ટંટ કરે છે. આપણે આપણા બાળકો માટે કામ કરવાનું છે.
સરકારી વકીલ કહ્યું હતું કે અકસ્માતમાં 140 કિલોમીટરની ઝડપે ઇસ્કોન બ્રિજ ઉપર ગાડી ચાલતી હતી. જ્યાં 60-80 ની સ્પીડ લિમિટ છે. કોર્ટે કહ્યું હતું કે, એટલું જ નહીં લોકો શરાબ પીને ગાડી ચલાવે છે. સરકારી વકીલે કહ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં રોડ ઉપર આટલું મોટું ટોળું કાર ચાલકને દેખાયું નહીં? તો કોર્ટે કહ્યું હતું કે, ઇ-ચલણથી આવા અકસ્માત ટાળી શકાય નહીં. પાર્કિંગ સ્પેસનો ઉપયોગ અન્ય કાર્ય માટે થઈ રહ્યો છે. ફૂટપાથ જનરલ પબ્લિકની માલિકીની છે. તેની પર દબાણ થાય છે. તેનો પ્રાઇવેટ ઉપયોગ ન કરી શકાય. ટ્રાફિકના ફ્રી ફ્લો અને રાહદારીઓને રસ્તાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. ફૂટપાથ પર થતું દબાણ અટકાવવું જોઈએ. પાર્ટીપ્લોટ, મોલ્સ,સિનેમા વગેરે પાસે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ.
કોર્ટ મ્યુનિસિપલ કમીશ્નર અને ટ્રાફિક પોલીસ કમિશ્નર સામે પગલાં લેશે. કોર્ટે સમક્ષ સરકારી વકીલ દલીલ કરી હતી કે નાગરિકોમાં સિવિક સેન્સ નથી. આ મારું શહેર છે તેવું લોકોએ સમજવું પડશે. કોર્ટે કહ્યું હતું કે, નિયમોના અમલ માટે પગલાં કોણ લેશે ? કોર્ટ હવે કંટાળી ગઈ છે. કોર્ટે ઓથોરિટીને પગલાં ભરવા પૂરતો સમય આપ્યો છે. 2006 થી આ મુદ્દાઓ ત્યાંના ત્યાં જ છે. કેમ કે જવાબદાર ઓથોરિટી પગલાં નથી લેતી.
સરકારી વકીલે 01 મહિનો શહેરમાં ચાલનાર પોલીસ ડ્રાઇવ વિશે કોર્ટને માહિતગાર કર્યા હતા. જો કે કોર્ટે કહ્યું હતું કે, આ થોડા દિવસ જ ચાલશે, પછી શું ? ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં જેના બાળકો મર્યા છે તેઓ આજીવન આ દર્દને ભૂલી નહીં શકે !
સરકારી વકીલે કહ્યું હતું કે, ઓથોરિટીએ પાર્કિંગ બનાવ્યા છે. જેનો લોકો ઉપયોગ કરતા નથી. પોલીસ સવારે 07 થી રાતના 09 સુધી રોડ ઉપર રહે છે.
જજ એ.એસ.સુપેહિઆએ પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તેઓ સત્તાધાર ક્રોસ રોડ પર પોતાની ગાડી લઈને ઉભા હતા. ત્યાં એક દ્વિચક્રી વાહનચાલક લાલ સિગ્નલ તોડીને તેમની ગાડી સામે આવીને ઉભો રહી જાય છે. તેના વાહનની નંબર પ્લેટ પણ બેન્ડ હતી. પોલીસ મુક પ્રેક્ષક બનીને તે જોઈ રહે છે.
આ સમયે અરજદાર વકીલ અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં માર્યા ગયેલા મૃતકોના પરિવારને વળતર જાહેર કરાયુ છે. શું લોકોની જીંદગીની કિંમત પાંચ લાખ રૂપિયા જ છે? અમે વળતર આપવાના વિરોધમાં નથી. પણ વળતર આરોપીની સંપત્તિમાંથી અપાવવું જોઈએ.
મુંબઈ અને દિલ્હીમાં ટ્રાફીકના કડક નિયમ પાલનને લઈને કોર્ટે અમદાવાદ પોલીસને ત્યાં જઈને ટ્રેનિંગ લેવા કહ્યું હતું. સાથે જ ટકોર કરી હતી કે હવે ટ્રાફિક નિયમ તોડનારને ગુલાબ આપવાનું બંધ કરો!
સરકારી વકીલ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષમાં અમદાવાદ ત્રણ ગણું વિસ્તર્યું છે. જયારે પોલીસ સ્ટાફ તેટલી જ છે. ત્યારે અરજદાર વકીલ અમિત પંચાલે જણાવ્યું હતું કે, સામે કાયદાનું વાયોલેશન પણ 06 ગણુ વધ્યું છે. વળી સરકાર ગેરકાયદેસર બંધકામોને મંજુરી આપી રહી છે.
કોર્ટની ગત સુનવણીના હુકમ સંદર્ભે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ અમદાવાદના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા મુદ્દે ફોટા સાથે અહેવાલ ફાઇલ કર્યો છે. જેમાં સાબિત થયુ છે કે રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ થાય છે. કોર્ટે અગાઉ આપેલા નિર્દેશોનું ઓથોરિટી પાલન કરતી નથી. ચાની કિટલીઓ અને પાન પાર્લરોએ રોડ અને ફૂટપાથ પર દબાણ કર્યા છે. આ દબાણો સત્વરે દૂર થવા જોઈએ. સમયાંતરે તેનો સર્વે થવો જોઈએ. બધા નાગરિકો ટ્રાફિક નિયમો તોડતા નથી. પણ કેટલાક લોકો તેનું ઉલ્લંઘન કરે છે તેમની સામે કડક પગલાંની જરૂર છે.
આ મુદ્દે કોર્ટે ટ્રાફિક પોલીસ કમિશ્નર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને આજે બપોરે કોર્ટમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. પરંતુ સરકારી વકીલ કાયદાના કડક અમલની ખાતરી આપતા કોર્ટે વધુ સુનવણી 09 ઓગસ્ટે નક્કી કરી છે. સરકારે જણાવ્યું હતું કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ આપેલ રીપોર્ટ પ્રમાણે સી.જી.રોડ, એસ.જી હાઇવે, જજીસ બંગલો રોડ અને નારણપુરાથી હાઇકોર્ટ તરફના રોડ પર પહેલા ટ્રાફિક નિયમોની કડક અમલવારી શરૂ થશે.
જજે અરજદારને ખાતરી આપી હતી કે તેઓ જાતે ગાડી ચલાવે છે જેથી તેઓ જાતે ઓથોરિટી દ્વારા ટ્રાફીક નિયમોની અમલવારી જોશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે