શું સાવ નવરી છે ગુજરાત પોલીસ? પોલીસ સ્ટેશનોમાં ઉજવી રહી છે ભાજપના નેતાઓનો બર્થ ડે

શું તમે પણ પોલીસ સ્ટેશનમાં તમારો બર્થ ડે મનાવવા માંગો છો? શું તમે પણ પોલીસ સ્ટેશનમાં DCP ની હાજરીમાં કેક કટિંગ કરીને REEL બનાવવા માંગો છો? ગુજરાત પોલીસને નોંધાવી દેજો જન્મ તારીખ! ભાજપના નેતા હશો તો લાગશે પહેલો નંબર...જાણો ગૃહ વિભાગની ઈજ્જતના ધજાગરા ઉડાવતી ઘટના અને જુઓ તેનો લાઈવ વીડિયો...

શું સાવ નવરી છે ગુજરાત પોલીસ? પોલીસ સ્ટેશનોમાં ઉજવી રહી છે ભાજપના નેતાઓનો બર્થ ડે
  • પોલીસ સ્ટેશનમાં બર્થ ડે મનાવવો હોય તો ગુજરાત પોલીસને નોંધાવી દેજો તારીખ!
  • ભાજપના નેતા હશો તો પોલીસ સ્ટેશનમાં મળશે કેક કાપવાનો મોકો!
  • ખુદ ડીસીપી કક્ષાના અધિકારીઓ કરશે તમારી આગતા સ્વાગતા

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ ગુજરાતમાંથી આંતરે દહાડે મસમોટો ડ્ગ્સનો જથ્થો ઝડપાય છે. સતત ક્રાઈમ રેટ વધી રહ્યો છે. રથયાત્રા આવી રહી છે ત્યારે સુરક્ષાના અનેક પ્રશ્નો છે અને ગુજરાત પોલીસ માટે આ તમામ મુદ્દાઓ એક મોટો પડકાર છે. ત્યારે બીજી તરફ આ બધુ છોડીને સાવ નવરી પડી ગઈ હોય એમ ગુજરાત પોલીસ કરી રહી છે નેતાઓના બર્થ ડે ની ઉજવણી. ખુદ કમિશ્નર કક્ષાના અધિકારીઓ કરી રહ્યાં છે ભાજપના નેતાઓની આવભગત. ખુદ અમદાવાદના ડીસીપી પોલીસ મથકમાં કરી રહ્યાં છે ભાજપના નેતાના જન્મ દિવસની ઉજવણી. એટલું જ નહીં ડીસીપી મેડમ આખા સ્ટાફને ભેગા કરીને પોલીસ સ્ટેશનમાં મેઈન ડેસ્ક પર કેકનો ઢગલો કરાવીને પીઆઈ કક્ષાના અધિકારીઓ પાસે તાળીઓ પડાવીને..કેક કટિંગ કરાવીને ઉજવી રહ્યાં છે ભાજપના નેતાનો બર્થ ડે. વીડિયો વાયરલ થયા બાદ ડીસીપી મેડમ ફરી જાય છે. આ ઘટના છે અમદાવાદની, જેનાથી ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા છે.

પોલીસ સ્ટેશનમાં કેક કપાય છે...નેતાજીના બર્થ-ડેમાં પોલીસે ગાયું હેપી બર્થ ડે ટુ યુ ગીત...ભાજપના નેતાને બર્થ ડે વીશ કરવા માટે ખુદ DCP કાનન દેસાઈ કહે છે બધા હિમાંશુભાઈને બર્થ ડે વીશ કરો. મેડમના આદેશનું અક્ષરસહ પાલન કરીને હાજર સ્ટાફના પીઆઈ સહિતના અધિકારીઓ પોલીસની વર્દીમાં લાઈનસર ઉભા રહીને તાળીઓ પાળીને ભાજપના નેતાને બર્થ ડે વીશ કરી રહ્યાં છે. ડીસીપી મેડમ પોતે ભાજપના નેતાને કેક ખવડાવી રહ્યાં છે, મેડમ પોતે ભાજપને નેતાના માથે હાથ મુકીને આશીર્વાદ આપી રહ્યાં છે. ભાજપના નેતા પણ વીડિયોમાં જોઈ શકાય છેકે, ડીસીપી મેડમને પગે લાગી રહ્યાં છે.

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું જવાબદારો સામે પગલાં લેવા જોઈએઃ
પોલીસ સ્ટેશનમાં રાજકીય નેતાનો જન્મદિવસ ઉજવાય તે અયોગ્ય કહેવાય. સેલિબ્રેશન માટે ઘણી જગ્યા હોય છે, પોલીસ સ્ટેશનમાં બર્થ ડે અયોગ્ય છે. આમા, ગુજરાત પોલીસની છાપ પણ ખરડાય છે. ગુજરાત પોલીસ પાસે ઘણાં કામ છે ડગ્સ માફિયાઓને રોકવાની જરૂર છે, આ બધા કામ કરો, આ નેતાઓના બર્થ ડે ઉજવવાનો ટાઈમ પોલીસ પાસે ક્યાંથી કામ આવ્યો. 

પોલીસ સ્ટેશનમાં કેક કટિંગનો વીડિયો વાયરલ થતાં DCP નો ખુલાસોઃ
વીડિયા વાયરલ થતા DCPનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ. વીડિયો વાયરલ થતાં ડીસીપી ખુલાસો કરે છેકે, આ તો રથયાત્રાના બ્લડ કેમ્પને લઈને કર્યું હતું સેલિબ્રિશન. તો વીડિયો સાચો કે પછી વિવાદ બાદ છાંકપીછોડો કરતા DCP? વિડિઓ વાયરલ મામલે DCP કાનન દેસાઈએ કર્યો ખુલાસો સામે આવ્યો છે. ડીસીપી કાનન દેસાઈએ આ મામલે ખુલાસે કરતા એમ જણાવ્યું છેકે, આ કોઈ બર્થ ડે સેલિબ્રેશન નહોતું. પોલીસ મથકમાં જન્મદિવસની કોઈ ઉજવણી કરવામાં આવી નથી. રથયાત્રાના બ્લડ કેમ્પને લઈને કર્યું હતું સેલિબ્રિશન. જન્મદિવસની કોઈ ઉજવણી નહિ હોવાનો કર્યો ખુલાસો. બ્લડ કેમ્પ માં વધારે બ્લડનું યોગદાન કરવામાં આવ્યું હોવાથી આયોજક મંગાવી હતી કેક.

ZEE24કલાક પૂછે છે સવાલોઃ
શું ગુજરાત પોલીસ પાસે કોઈ કામ નથી, સાવ નવરી પડી ગઈ છે પોલીસ?
આ પોલીસ સ્ટેશન છે કે પછી ભાજપનું કમલમ? 
કેમ ભાજપના નેતાઓ પર આટલી મહેરબાન છે પોલીસ?
શું પોલીસની કચેરીને પોતાનું ઘર સમજે છે ભાજપને નેતાઓ?
શું સામાન્ય લોકોનો બર્થ ડે પણ આ રીતે પોલીસ સ્ટેશનમાં ઉજવવાનો મળશે મોકો?

વીડિયો વાયરલ થતા પોલીસની થઈ ટીકા-
ACP કચેરીમાં ભાજપ નેતાના જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસની ભારે ટીકા થઇ રહી છે. લોકો આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. આ પોલીસ સ્ટેશન છે કે પછી કમકલ તેવા લોકો સવાલો કરી રહ્યા છે. શું ભાજપના નેતાને પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવાનો અધિકાર છે ? પોલીસ અધિકારીઓ કેમ ભાજપના નેતા પર આટલા મહેરબાન થયા છે?

અમદાવાદના દરિયાપુરમાં F ડિવિઝનની ઓફિસમાં DCPનો વીડિયો વાયરલ વાયરલ થયો હતો. પોલીસ સ્ટેશનમાં BJP નેતાનો જન્મદિવસ ઉજવાતો વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસની નામોશી રોકવા હવે તપાસના આદેશો પણ આપવામાં આવ્યાં છે. પોલીસ કમિશ્નરને તપાસના અહેવાલની તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news