ભાવનગરમાં મીઠાના અગરોએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું
Trending Photos
- ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ખેતરોમાં પાણી ભરાયાં
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરમાં ભાલ પંથકમાં પાળિયાદ, દેવળિયા,રાજગઢ અને માઢિયા સહિતના ગામોમાં ખેતરોમાં ભરાયેલા પાણી જે ઓસર્યા નથી અને તેના માટે જવાબદાર બન્યા છે મીઠાના અગરો. આ સમસ્યા આજની નહીં પરંતુ અહીંના ખેડૂતો દર વર્ષે વેઠી રહ્યા છે. વરસાદ પડે ત્યારે સૌરાષ્ટ્રની અનેક નદીઓમાં પાણીની આવક થાય છે, આ પાણી ભાવનગરની ખાડીમાંથી થઈને દરિયામાં વહી જાય છે. પરંતુ મીઠાના અગરો માટે બનાવેલા પાળા પાણીના નિકાલ માટે અવરોધક સાબિત થયા છે. દરિયામાં નદીના પાણીનો નિકાલ ન થતા પાણી ખેતરોમાં ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ભાલના સવાઇનગર, માઢીયા, સનેશ, પાળિયાદ, દેવળીયા, રાજગઢ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ઉભો પાક ધોવાઈ જાય છે. આકાશી નજારામાં જોઈ શકાય છે કે મીઠાના અગરો માટે બનાવવામાં આવેલા પાળાના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા છે. બીજીતરફ પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી છે પરંતુ તે હાલ ઉપયોગમાં આવી નથી, બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીના મતે ખેડૂતો પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નથી કરી શકતા.
સામાન્ય રીતે ચોમાસુ અને તે સમયમાં આવતો વરસાદ ખેતીવાડી અને પીવાના પાણી માટે આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે, પરંતુ આ વરસાદ ભાલ વિસ્તારમાં જાણે કે ખેડૂતો માટે આફત લાવતો હોય તેમ લાગી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં છેલ્લા 3 વર્ષથી પાણીના નિકાલની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ભાલ વિસ્તારમાં સૌરાષ્ટ્રની અનેક નદીઓના પાણી આવે છે અને તે અહીંથી ભાવનગરની ખાડીમાં થઇને દરિયામાં વહી જતા હોય છે. છેલ્લા થોડા સમયથી આ વિસ્તારમાં મીઠાના અગરો માટે બનેલા પાળાઓ પાણીની જાવક માટે અવરોધરૂપ બન્યા છે અને તેના કારણે આ પાણી દરિયાની બદલે ખુલ્લી જમીનોમાં ફેલાઈ જાય છે અને ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ભાલના સવાઇનગર, માઢીયા, સનેશ, પાળિયાદ, દેવળીયા, રાજગઢ સહિતના ગામોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે અને તેથી ખેડૂતોના ઉભા પાક ધોવાઈ જાય છે.
ભાવનગરના ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 3 વર્ષથી જોવા મળે છે. આ વિસ્તારમાં એક તરફ નેશનલ હાઇવે બની રહ્યો છે અને તેના કારણે પણ કેટલીક જગ્યાઓએ પુલની સાઈઝ લાંબી નહિ હોવાથી નદીના વહેણનો ફેલાવો વધુ થતો હોઈ અને નાળા સાંકડા હોઈ પાણીનો નિકાલ થતો નથી. બીજી બાજુ આ વિસ્તારમાં જી.આઈ.ડી.સી પણ બની રહી છે અને તે ભાગ ઊંચો હોઈ અહીં પાણી પાછા ફરતા હોઈ દરિયામાં જવાના બદલે ખેતરોમાં ફેલાય છે, આ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવો માટે કેટલાક સ્થળો ઉપર રસ્તો બનાવ્યો હોઈ તેના કારણે પણ પાણીનો નિકાલ થતો નથી અને પાણી ખેતરમાં ભરાઈ જાય છે એવું ખેડૂતો જણાવી રહ્યાં છે.
ભાવનગર સિંચાઇ વિભાગના કા.પા.ઇ ડી આર પટેલે જણાવ્યું હતું કે, ભાલ વિસ્તારમાં સરકાર દ્વારા પાણીના નિકાલ માટે પાયલોટ પ્રોજેક્ટ કહી શકાય તેમ પાણીના નિકાલ માટે એક કેનાલ બનાવવામાં આવી છે, જો કે હાલ વરસાદની સીઝન હોઈ કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે, આ વિસ્તારમાં કેન્દ્ર સરકારની સેન્ટ્ર્લ વોટર કમિશનની એક ટીમે વિઝીટ કરી હતી અને કેનાલનું કામ બરોબર થયું છે કે નહીં તેનું અવલોકન પણ કર્યું હતું, અધિકારીનું કહેવું છે કે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કેનાલ બનાવી છે તેના માધ્યમથી હાલ પાણીનો નિકાલ થઇ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે