Rajya Sabha Election 2023 : રાજ્યસભાની રેસમાં કોણ રહેશે અને કોણ જશે? આ બે જુના જોગીઓ પર ભાજપ ફરી મોટો દાવ ખેલશે?

Gujarat Rajya Sabha Election 2023 : ગુજરાતથી કોને કોને રાજ્યસભા મોકલશે BJP? ગુજરાતની ત્રણેય બેઠકો પર કોને-કોને રિપીટ કરવામાં આવશે અને કોને પડતા મુકી દેવામાં આવશે, આ એક મોટો સવાલ છે

Rajya Sabha Election 2023 : રાજ્યસભાની રેસમાં કોણ રહેશે અને કોણ જશે? આ બે જુના જોગીઓ પર ભાજપ ફરી મોટો દાવ ખેલશે?

Rajya Sabha Election 2023: કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી નાંખી છે. 24 જુલાઈએ ગુજરાતની 3 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. રાજ્યસભામાં દિનેશ અનાવાડિયા, જુગલજી ઠાકોર અને એસ. જયશંકરની ટર્મ પૂરી થઈ રહી છે. પરંતુ અહી ચર્ચાતો સવાલ એ છે કે ભાજપ કોને રાજ્યસભામાં ફરી મોકલે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ આ ત્રણેય બેઠકો ફરીથી ભાજપના ખાતામાં જશે, પરંતુ આ બેઠકો પર ત્રણેય ચહેરા રિપીટ થશે કે પછી અન્ય નેતાઓને તક મળશે. આ અંગે ચર્ચા શરૂ થઈ છે. 2026 સુધી રાજ્યસભામાંથી પણ ગુજરાતમાંથી કોંગ્રેસની સીટ ઝીરો થઈ જશે હાલમાં લોકસભાની એક પણ બેઠક કોંગ્રેસ પાસે નથી. હવે ચર્ચા એવી ઉઠી કે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાની જગ્યાએ ભાજપ વિજય રૂપાણી અને નીતિન પટેલને તક આપી શકે છે. આ બંને નેતાઓએ દિલ્હીના એક ફરમાન પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું પદ છોડી દીધું હતું. જેઓ પાસે લોકસભાની સીટો જીતાડવાની પણ જવાબદારી છે. જેઓને તક અપાય તો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ શકે છે. 

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. જેમાંથી આઠ બેઠકો ભાજપના કબજામાં છે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે ચર્ચા એ છે કે આ વખતે રાજ્યમાં ખાલી પડેલી ત્રણ બેઠકોમાંથી કઇ બેઠકનું પુનરાવર્તન થશે? અન્યથા કેટલાકને ઘરભેગા કરી દેવામાં આવશે. રાજકીય વર્તુળોમાં, વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી પાછા મોકલવાની સંભાવના છે. પરંતુ આ રાજ્યસભાની રેસમાં બે નામો ઉમેરાયા છે. વિજય રૂપાણી અને નીતિન પટેલ.

ભાજપમાં 2-1 ફોર્મ્યુલાની ચર્ચા
24 જુલાઈએ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં સંપૂર્ણ રીતે ભાજપનો દબદબો રહેશે, કારણ કે વિધાનસભામાં કોંગ્રેસની નબળી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે. આવી સ્થિતિમાં પાર્ટી વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભા મોકલશે તેવી ચર્ચા છે. અન્ય બે બેઠકોમાં ફેરફાર થઈ શકે છે. રાજ્યસભાના અન્ય બે સભ્યો જેમનો કાર્યકાળ પૂર્ણ થશે. જેમાં જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયાના નામનો સમાવેશ થાય છે. ચર્ચા છે કે પાર્ટી આ બંનેની જગ્યાએ નવા ચહેરા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને તક આપી શકે છે. સપ્ટેમ્બર 2021માં, જ્યારે પાર્ટીએ ‘નો રિપીટ’ થિયરી લાગુ કરી. ત્યારે રાજ્ય ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ સરકારને વિદાય આપી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ થાય છે.

રૂપાણી અને નીતિન પટેલના નામની ચર્ચા
સૂત્રોનું માનીએ તો, પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની સાથે વિદેશ મંત્રી એસ જયશંકરને ત્રણ સીટો પર રાજ્યસભામાં મોકલી શકે છે. આવી સ્થિતિમાં રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં પાર્ટીને ઘણી મજબૂતી મળી શકે છે. બંને નેતાઓના સમર્થકો લાંબા સમયથી તેમના નેતાઓના અચ્છે દિનની રાહ જોઈ રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડે તાજેતરમાં આ બંને નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. વિજય રૂપાણીને પંજાબની સાથે દિલ્હીની ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન પટેલને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની પાંચ લોકસભા બેઠકોના પ્રભારી તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. 

હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં જવાની તક કોને મળે છે. વિદેશ મંત્રી એસ જયશંકર ફરી ગુજરાતમાંથી ઉપલા ગૃહમાં જાય તેવી પૂરી શક્યતા છે. તેઓ તાજેતરમાં જ ગુજરાતમાં  આવ્યા હતા અને સંસદ સભ્ય તરીકે નર્મદા જિલ્લાના દત્તક લીધેલા ગામોની મુલાકાત કરી હતી. રૂપાણી અને નીતિન પટેલને લોટરી લાગે તો ગુજરાતમાં લોકસભા પહેલાં સમીકરણો બદલાઈ શકે છે. જુગલજી ઠાકોર એ મહેસાણાના છે. નીતિન પટેલ પણ મહેસાણા સીટ પરથી વિજેતા બનતા આવ્યા છે. જો આ બંનેને તક મળે તો લોકસભાની ચૂંટમી પહેલાં ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news