રાત્રે જમીને યુવક સુઈ ગયો, સવારે જાગ્યો જ નહીં! સુરતમાં યુવકનું હાર્ટ એટેકના કારણે ઉંઘમાં મોત
Heart Attack: આજે સુરતમાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાત્રે જમીને યુવક સુઈ ગયો હતો અને સવારે જાગ્યો જ નહીં. ઉંઘમાં જ એટેક આવી જતાં રાધાકૃષ્ણ નામનો યુવક મોતને ભેટ્યો હતો.
Trending Photos
Heart Attack: કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે હવે સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ GIDC વિસ્તારમાં આ દુખદ ઘટના બની છે. જેમાં 30 વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિનું ઉંઘમાં મોત થયું છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં 30 વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિ રાત્રે જમીને મિત્ર સાથે સુઈ ગયા હતા. પરંતુ ક્યાં ખબર હતી કે આવતી કાલનો સુરજ તેમની જિંદગીમાં હંમેશા માટે ઉગશે જ નહીં એમ ઊંઘમાં અટેક આવી જતા સવારે યુવાન ઉઠ્યો જ નહીં. આ યુવાન વિશે જાણવા મળી રહ્યું છે કે એમ્બ્રોઈડરીના કારખાનામાં આ યુવાન કામ કરતો હતો.
જામનગર ગરબાની મોજ માતમમાં ફેરવાઈ
ગરબા રમતા રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. 19 વર્ષીય વિનીત કુંવરિયાનું હાર્ટ એટેકથી મોતને ભેટતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 2થી 3 મહિનાથી વિનીત ગરબાની પ્રેક્ટીસ કરતો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. તો આજે સુરતમાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાત્રે જમીને યુવક સુઈ ગયો હતો અને સવારે જાગ્યો જ નહીં. ઉંઘમાં જ એટેક આવી જતાં રાધાકૃષ્ણ નામનો યુવક મોતને ભેટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં 7થી વધુ લોકોને હાર્ટ એટેકે આવ્યા છે. છ દિવસ પહેલા રાજકોટમાં એક સાથે 26, 40 અને 41 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. તો ત્રણ દિવસ પહેલા મોરબીમાં એડ્વોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાને એટેક આવતા મૃત્યુ થયું. જૂનાગઢમાં દાંડિયા રમતી વખતે 24 વર્ષીય ચિરાગ પરમાર અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. જો કે સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તબીબે ચિરાગને મૃત જાહેર કર્યો હતો.
એક વર્ષમાં હૃદયરોગના 3 લાખ 37 હજાર 266 કેસ નોંધાયા
નવરાત્રિમાં ગરબા રસિકો માટે સતર્કતાથી સાવધાની રાખવાનો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, ગુજરાતનુ આરોગ્ય કથળી રહ્યું છે એવુ અમે નહિ આંકડા કહી રહ્યાં છે. ગુજરાતમાં હ્રદયરોગ, કેન્સર અને કિડનીના દર્દીઓમાં વધારો થયો છે. રાજ્યમાં આરોગ્યની સુવિધા સામે અનેક સવાલ ઉઠ્યા છે. કોરોના પછી રાજ્યમાં ઠેરઠેર હ્રદયરોગના કેસમાં બમણો વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં હૃદયરોગના 3 લાખ 37 હજાર 266 કેસ નોંધાયા છે.
કોરોના બાદ હાર્ટએટેકના કેસ વધ્યા
ગુજરાત સરકાર આરોગ્ય વિભાગમાં દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે. છતાં ગુજરાતીઓનું આરોગ્ય કથળી રહ્યું છે તેવું આંકડા પૂરવાર કરી રહ્યાં છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમા નબળી સુવિધા જોવા મળી છે. કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસો બમણા થયા છે. તો ક્ષયમુક્ત ગુજરાતના નામે લાખો ખર્ચ્યા બાદ પણ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. વિકાસના મોડલ તરીકે ઓળખાતુ ગુજરાત હવે બીમાર બન્યું. એમ કહી શકાય કે રૂપિયાવાળુ ગુજરાત માંદુ પડ્યું છે. ગુજરાતમાં હાર્ટએટેક, ટીબી, હૃદયરોગ, કેન્સર, કિડની સહિત અન્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
એક તરફ સરકાર સ્વસ્થ ગુજરાતના ગુનગાન ગાય છે, પરંતુ આરોગ્ય વિભાગ રોગોને કાબૂ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા કહે છે કે, વર્ષ 2020-21 ની સરખામણીમાં વર્ષ 2022-23 માં રોગોનું પ્રમાણ વધ્યું છે. ને તેમાં તો કોરોના બાદ તો તોતિંગ વધારો આવ્યો છે.
તબીબોનું માનવું છે કે, આના માટે ગુજરાતીઓની લાઈફસ્ટાઈલ કારણભૂત છે. વધતા રોગોને કાબૂમાં નહિ લેવાય તો હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી જશે. છેલ્લાં કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે. હવે તો યુવા અને નાની વયના બાળકોને પણ હાર્ટએટેક આવી રહ્યાં છે. જે પુરાવા છે કે ગુજરાતનું સ્વાસ્થય નબળું બન્યું છે. તો બીજી તરફ, ગુજરાતમાં 1 હજારથી વધુ દર્દીઓ કિડની મેળવવા માટે વેઈટિંગ લિસ્ટમાં છે. એક તરફ અંગદાન વધ્યુ હોવા છતાં કિડનીના વેઈટિંગ લિસ્ટમાં વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે