સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયા

Heart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક

સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયા

Vadodara News : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સુરતમાં હાર્ટ એટેકથી મોતનું તાંડવ હતુ, હવે વડોદરાનો વારો પડ્યો છે. વડોદરામાં હાર્ટ એટેકથી મોતમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં હાર્ટ એટેકથી 11 લોકોના ધબકારા બંધ થયા છે. આ તમામના મોતની પેટર્ન એક જેવી છે.

વડોદરામાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત
ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત છે. સોમવારે 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું. આજે પણ તાપમાનના પારો ઉંચકાવાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગરમાં પારો 45ને પાર જઈ શકે છે. ત્યારે વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ બે વ્યક્તિના મોત થયા છે. હાર્ટ એટેકના કારણે બે વ્યક્તિના મોત થયા છે. 35 વર્ષના કલ્પેશ સોની અને 63 વર્ષના મુકેશચંદ્ર અધ્યારું છાતીમાં દુખાવા બાદ મોતને ભેટ્યા હતા. ત્યારે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડો રંજન ઐયરે જાગૃતિ માટેનો સંદેશો આપ્યો છે. તેમણે લોકોને ગરમીમાં સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, લોકોએ વધુમાં વધુ છાશ અને પાણી પીવું જોઈએ. 

રાજકોટમાં પોલીસની ભરતી કરતા યુવકનું મોત
રાજકોટમાં હાર્ટએટેકના કારણે વધુ એક યુવાનનું મોત નિપજ્યું છે. 26 વર્ષીય વિશાલ કોબિયા પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. વિશાલ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે તેને અચાનક ભરતીની તૈયારી માટે દોડ લગાવતા સમયે તે ઢળી પડયો હતો. દોડ્યા બાદ અચાનક યુવાનને હાર્ટ એેટેક આવ્યો હતો, અને પળવારમાં તેનો જીવ ગયો હતો. 

ગરમીએ કહેર વર્તાવ્યો 
ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં 12 મેથી 18 મે સુધીમાં એટલે કે સાત દિવસમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સ આવ્યા છે, જેમાં જે તે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડયા હતા.

હાર્ટ એટેકના આ સંકેતો ઓળખો 
દુનિયાભરમાં થતા મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની વયના લોકોને પણ હાર્ટ એટેક આવ્યાના અને અચાનક મોત થયાના બનાવ વધી રહ્યા છે. મોટાભાગના લોકો હાર્ટ એટેકને અચાનક થતી ઘટના માને છે પરંતુ હકીકતમાં તો હાર્ટ એટેકની પ્રક્રિયા શરીરની અંદર મહિનાઓ પહેલાથી ચાલતી હોય છે. એટલે કે ઘણા સમય પહેલાથી શરીરમાં એવા ફેરફાર થવા લાગે છે જે સંકેત હોય છે ભવિષ્યમાં હાર્ટ એટેક તરીકે આવનાર જોમખના. જરૂર હોય છે શરીરમાં અનુભવાતા આવા ફેરફારને સમયસર ધ્યાનમાં લઈ અને જરૂરી સારવાર લેવાની. જો સમયસર કેટલાક લક્ષણોને ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે. 

હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે. 

જબડામાં દુખાવો
એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના થોડા દિવસો પહેલા જબડા દુખવા લાગે છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જાય છે. 

ગરદનમાં દુખાવો
હાર્ટ એટેકના શરુઆતી લક્ષણમાં એક ગરદનનો દુખાવો પણ છે. જો તમને ઘણા દિવસથી ગરદનમાં દુખાવો રહેતો હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટર પાસે પહોંચી જાવ. ગરદનનો દુખાવો ઘણીવાર સામાન્ય નથી હોતો. 

ખભામાં દુખાવો
હૃદયની નજીક હોવાના કારણે હાર્ટ એટેક પહેલા ખભામાં પણ દુખાવાનો અનુભવ થાય છે. ખભામાં જો કારણ વિના અચાનક દુખાવો થાય અને બંધ થઈ જાય તો ડોક્ટર પાસે હાર્ટનું ચેકઅપ કરાવી લેવું.

પીઠમાં દુખાવો
હાર્ટ એટેક પહેલા ઘણા દિવસો સુધી પીઠમાં દુખાવો રહે છે. પરંતુ મોટાભાગના લોકો આ દુખાવાને ગંભીરતાથી લેતા નથી અને પછી પરિણામ ગંભીર આવે છે. 

છાતીમાં દુખાવો
હાર્ટ એટેક આવે ત્યારે જ છાતીમાં દુખે એવું નથી. હાર્ટ એટેક આવવાનો હોય તેના દિવસો પહેલા પણ છાતિમાં વારંવાર હળવો દુખાવો રહે છે. 

દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news