હિજરત માટે મજબૂર બન્યા પરપ્રાંતિયો, અલ્પેશ ઠાકોરે શાંતિ જાળવવા કરી અપીલ
તો બીજી બાજુ જીલ્લામાં ઠેર ઠેર થઈ રહેલા પર પ્રાંતીય વિરોધને રોકવા પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા કારખાનાઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા પર પ્રાંતિયોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Trending Photos
અમદાવાદ: હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની માસૂમ બાળકી પર ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતિય યુવક દ્વારા બળાત્કાર કરતા સમગ્ર ગુજરાત રાજ્યમાં કામ કરતા પરપ્રાંતિયો સામે રોષ ફાટી નીકળ્યો છે. જેની આગ અમદાવાદ, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં પહોંચી છે. અરવલ્લી જિલ્લામાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદશાનો અને કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે.
તો બીજી બાજુ જીલ્લામાં ઠેર ઠેર થઈ રહેલા પર પ્રાંતીય વિરોધને રોકવા પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા કારખાનાઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા પર પ્રાંતિયોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે પર પ્રાંતિયો ઉપર થતા હુમલા રોકવા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા એ ઠાકોરસેનાના અગ્રણીઓ સાથે સદભાવના બેઠક યોજી જિલ્લામાં શાંતિ બનાવી રાખવાના પ્રયત્નો હાથ ધરાયા છે.
અરવલ્લી મોડાસાના કાબોલા પાસે આવેલી પેપરમીલ ફેક્ટરી પાસે પરપ્રાંતિયોનો વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની સાત ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળાને વિરોધ કરતા અટકાવવામાં આવ્યો હતો. 2 DySP સહિત પોલીસનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે પહોંચી ફેક્ટરી પાસેથી ટોળાને દૂર કર્યું હતું.
સાબરકાંઠામાં બનેલી દુષ્કર્મની ઘટનાએ મોટું સ્વરૂપ લીધુ ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા જોઇતા પગલા લેવામાં આવી રહ્યાં છે. ઠેર ઠેર જગ્યા પર પરપ્રાંતીય પર હુમલાની ઘટના સામે આવી ત્યારે પોલીસે હુમલો કરનાર સામે કડક વલણ દાખવ્યું છે. પોલીસ દ્વારા સતત તપાસ કરી કોઇ પણ જગ્યાએ તોડફોડ કે હુમલાની જાણ થતા જ આરોપીઓની ધરપકડ કરી ગુનો દાખલ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને વખોડતા DGP શિવાનંદ ઝાએ જણાવ્યું કે તમામ જગ્યા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે.
અમદાવાદમાં પરપ્રાંતિયો હિજરત કરવા માટે બન્યા મજબૂર
અમદાવાદમાં મેઘાણીનગરમાં પરપ્રાંતિયોની હિજરત માટે મજબૂર બન્યા છે. પરપ્રાંતિયોમાં ભયનો માહોલ, આંખોમાં આંસુઓ સાથે હિજરત કરી રહ્યા છે. ત્યારે પરપ્રાંતિયો રહે છે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવાની સુચના આપવામાં આવી છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને મોટી કલમ લગાવવાની સુચના આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર જે ઉશ્કેરણી જનક પોસ્ટ થાય છે તેની પર નજર રાખવામાં આવી રહી છે. સાંજના સમયે પણ પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ સઘન રાખવામાં આવશે. અમદાવાદ ક્રાઈમને તમામ ગતિવિધી પર નજર રાખવાની સુચના અપાઈ છે.
મહેસાણા: પરપ્રાંતિય લોકોની કોલોની પર ઠાકોર સેના દ્વારા હુમલો
હિંમતનગરના ઢુંઢર ગામમાં ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના વિરોધના પગલે ઠેર-ઠેર ઠાકોરસેના દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. જેમાં પરપ્રાંતિય લોકો પર હુમલા પણ થયા હતા ત્યારે મહેસાણાના ઇન્દ્રાડ ગામે પણ તેના પડઘા જોવા મળ્યા હતા.
મહેસાણાના ઇન્દ્રાડ ગામે તોલા દ્વારા પરપ્રાંતીય લોકોની કોલોનીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જેમાં ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળાએ કોલોનીમાં તોડફોડ કરી પરપ્રાંતીય લોકોને માર મારવામાં આવ્યો હતો. જેમાં કેટલાક પોતાનો જીવ બચાવી ભાગી ગયા હતા પરંતુ મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પૈસા ના હોવાના કારણે ઘરમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ તે ભયના માહોલ વચ્ચે કોલોનીમાં વસવાટ કરી રહ્યા છે. પોતાની ઘરવખરી અને મકાનને નુકસાન થવાથી હાલ આ ગરીબ લોકો ભૂખ્યા તરસ્યા ભયના માહોલ વચ્ચે પોતાની ઓરડીમાં સંતાઈને બેસવા મજબુર બન્યા છે.
ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા ડીવાયએસપી નંદાસણ મહેસાણા અને કડી પોલીસ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે ૧૫ જેટલા ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરવાનો પ્રયાસ કયો હતો. ૧૪ જેટલા લોકોની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે ટોળાએ હિંસકરૂપ ધારણ કરી પોલીસ પર પણ હુમલો કર્યો હતો જેને લઈને પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરપ્રાંતિયને ગામ છોડી દેવાની ધમકી આપતો વીડિયો થયો વાયરલ
ગાંધીનગરના ઉવારસદમાં પરપ્રાંતિયને ગામ છોડી દેવાની ધમકી આપતો વીડિયો વાઇરલ થયો. ઢુંઢરમાં14 માસની બાળકી પર દુષ્કર્મનો મામલે ગાંધીનગર તાલુકા પંચાયતના સભ્ય મહોદ ઠાકોર અને ઠાકોર સમાજના ટોળું પરપ્રાંતિયના ઘરે ભેગા થયાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વીડિયોમાં મહોદ ઠાકોર પરપ્રાંતિયને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા જોવા મળ્યા હતા. પરપ્રાંતિયને ગામ અને ગુજરાત છોડાવાનું કહેવામાં આવ્યું હતું. ZEE 24 કલાક આ વીડિયોની પૃષ્ઠિ કરતું નથી.
અલ્પેશ ઠાકોરે શાંતિ જાળવવા કરી અપીલ
ગુજરાતમાં પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલાઓને અશાંતિ ફેલાઈ છે ત્યારે આ મામલે હવે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સક્રીય બની છે. અલ્પેશ ઠાકોરે અમદાવાદના રાણીપમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા-તાલુકાના હોદ્દેદારો હાજરી આપશે. અને જે રીતે પરપ્રાંતિય પર હુમલા વધી રહ્યા છે તે અંગે વિગતે ચર્ચા કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે